સાહિત્ય વિશેનું કોઈ પણ નવું કામ શરુ કરવા માટે વિચાર વસ્તુની સમજણ, ઉત્સાહ અને એક દિશા જોઈએ, પણ એ જ કામ સતત રીતે દર અઠવાડીએ કરવા માટે ખંત અને લગન જોઈએ. અને જયારે દર અઠવાડીએ નવા જ લેખકો, સંગીતકારો અને ગાયકોની રચનાઓને રજૂ કરવાની હોય ત્યારે સ્પષ્ટ concept, દૂરંદેશી વાળું સઘન આયોજન, વિવિધ વ્યક્તિત્વો સાથે કામ કરવાની સૂઝ અને આવડત અને એથીય વધુ જોઈએ પોતાના કામમાં, વિષયવસ્તુમાં દ્રઢ વિશ્વાસ.
નંદિતા ઠાકોરની શ્રેણી ‘અમે તમે અને આપણે’ આવા પ્રેમ, દ્રઢ વિશ્વાસ અને લગનનું જ સુંદર પરિણામ છે. આ અનન્ય શ્રેણી જે કોવિડ મહામારી વખતે શરુ થઇ અને વિસ્તરી, એના 100 એપિસોડ આજે પુરા થાય છે ત્યારે આ સાહિત્ય, સંગીત પ્રત્યેના નંદિતા બેનના પ્રેમની ખાસ ઉજવણી ‘ટહુકો’ના ‘આંગણા’માં કરતાં અત્યંત આનંદ થાય છે. તો લો આ રહ્યો ‘અમે તમે અને આપણે’ નો 100મો એપિસોડ –
નંદિતા બેનના વિવિધરંગી વ્યક્તિત્વ વિષે વધુ જાણો જાણીતા કવયિત્રી જયશ્રી મર્ચન્ટના શબ્દોમાં –
નંદિતા ઠાકોર, અમેરિકામાં ડાયસ્પોરાનું એવું નામ કે જે લેખક, કવિ, ગાયક, સંગીતકાર અને શાસ્ત્રીય સંગીત વિશારદ છે. ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા એવા સાહિત્યકાર અને કવિ છે જેઓ કવિતા, ગીત અને ગઝલ તો લખે પણ એને સંગીતબદ્ધ પણ કરે અને ગાઈ પણ શકે. પોતાની આ સાહિત્ય-સંગીતની સફરના રસ્તે તેઓ માત્ર પોતાના જ શબ્દોના અજવાળાં નથી પાથરતાં, પણ, અનેક નવા-જૂના કવિઓના શબ્દોને પણ ખૂબ વ્હાલથી, લાડ લડાવીને પાછાં અછોવાનાયે કરે. પોતે તો ઉર્ધ્વગામી સફર પર હોય પણ ન જાણે કેટલાય જાણીતા અને અજાણ્યા નામોને પોતાની સાથે આંગળી પકડીને નંદિતાએ બિલકુલ “સેલ્ફલેસ” – નિ:સ્વાર્થપણાથી સાહિત્યની આ આકાશગંગાની સેર કરાવી છે.
આજના અણધાર્યા અને કપરા સમયમાં “અમે તમે ને આપણે” જેવી અદ્ભૂત શ્રેણીના ૧૦૦ એપિસોડ અત્યંત શ્રમ લઈને સંજોવવા એ તો કાંકરામાંથી ઘઉં વીણવા જેવું કષ્ટદાયક કામ છે. કોઈ પણ જાતનો અભિમાનનો ભાર રાખ્યા વિના નંદિતાએ આ કષ્ટને હસતાં-રમતાં, સહજતાથી અપનાવીને, મરજીવાની જેમ, સાહિત્યના ઊંડા સમંદરમાં ડૂબકી મારીને સાચા મોતી લઈ આવવાનું કામ કર્યું છે. અન્ય સાહિત્યકારોના ઉજળા પાસાને પણ પોતીકા માનીને એટલા જ ખંતપૂર્વક અને ખુશીથી રજુ કરવામાં નંદિતાના સ્વભાવનું ઋજુ પાસું ઉજાગર થાય છે. અને આ જ વાત નંદિતાને એક મુઠ્ઠી ઊંચેરી વ્યક્તિ બનાવે છે.
નંદિતાએ પત્રકારત્વ અને માસ કમ્યુનિકેશનમાં બેચલર્સ અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યું છે. એમણે પત્રકારત્વનો બહોળો અનુભવ લીધો છે. ‘નિલાંબરી’, ‘ક્ષણોની સફર’ અને ‘મારામાં તારું અજવાળું’ જેવા ત્રણ કાવ્યસંગ્રહો તથા અનુભૂતિના અક્ષર’ નામે પત્રસંપાદન આપીને આપણી ભાષાને સમૃદ્ધ કરી છે. નંદિતાએ ‘કૃષ્ણપ્રીત’ – હિન્દી ભક્તિ ગીત આલ્બમ બહાર પાડ્યું છે. જેમાં ગીત, સંગીત અને સ્વર, બધું જ નંદિતાનું છે. વાચન-લેખન ઉપરાંત પ્રવાસ,ફોટોગ્રાફી અને સંગીત જેવા ગમતા વિષયોને એમની પ્રિય કોફીની વરાળમાં ઘોળીને પી જનાર નંદિતા પાસેથી ‘ફિલ્ટર કોફી’ની શ્રેણીમાં આવા રસપ્રદ વિષયોનો નિચોડ મળે છે. અમારા માટે આ ગર્વ અને ગૌરવની વાત છે કે આ શ્રેણીનો લાભ અમારા “આપણું આંગણું” ના સાહિત્યને સમર્પિત બ્લોગને મળી રહ્યો છે.
આજે આવા નંદિતા ઠાકોરની આ સફરને આપ સહુ સમક્ષ મૂકતાં “ટહુકો” અને “આપણું આંગણું”ની ટીમ આનંદ અનુભવી રહી છે.
અમે તમે ને આપણે YouTube સિરીઝના 100 એપિસોડ નિમિત્તે સંપાદક નંદિતા ઠાકોર સાથે વિશેષ સંવાદ ‘ટહુકો’ અને ‘આપણું આંગણું’ બ્લોગના સંયુક્ત ઉપક્રમે –
Tahuko Foundation team supports the exceptional literary activities by ‘આપણું આંગણું’ blog team. Thank for your passion and dedication towards Gujarati Language & Literature, Jayshree Merchant and Hiten Aanandpara.
Please join this 3 day shibir on Lalit Nibandh. See details below:
“આપણું આંગણું” બ્લોગ આયોજિત ત્રિદિવસીય લલિત નિબંધ શિબિર (Online) – ૧૮-૧૯-૨૦ જૂન, ૨૦૨૧.