ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો?
આધે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા !
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંના હેવાં
નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો….
મીરાં કે પ્રભુ, અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં ?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા
દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ ઘટો ! ‘
હરિએ દઈ દીધો હરિવટો…
ગુજરાતી સુગમ સંગીત સાથે સંકળાયેલા અને ગુજરાતી સુગમ સંગીતને ચાહનાર લોકોના હૃદય જે કલાકાર બેલડીનું નામ લેતા જ પ્રેમ, આદર અને અહોભાવથી છલકાઈ જાય એ સ્વર-યુગલ એટલે સ્વરસ્થ શ્રી રાસબિહારી દેસાઈ અને શ્રીમતી વિભા દેસાઈ. શ્રી રાસબિહારી દેસાઈને સહુ ” રાસભાઈ ” કહીને જ બોલાવે. રાસભાઈ અને વિભાબેન નાં ગીત સંભાળતા જ એક અલગ દુનિયામાં ખોવાઈ જવાય.
આ સ્વર-બેલડી દ્વારા રચાયેલા અને રજુ થયેલા સંગીતના શ્રવણથી જૂની પેઢીના સંસ્મરણો તાજા થાય અને નવી પેઢી ને ખુબ બધું શીખવા મળે એ હેતુથી એક યુટ્યુબ ચેનલ શરુ કરવાનો વિચાર સ્ફૂર્યો અને એનું નામ પડ્યું બિલીપ્રત્ર!
ગુજરાતી સંગીતની જણસ સમા, લગભગ ક્યાંય સાંભળવા ન મળે એવા આ ગીતો માટે જયારે મેં વિભાબેનને પૂછ્યું, કે “હું આ ગીતો ટહુકો પર મૂકું?” વિભાબેનનો બસ આટલો જ ટૂંકો અને પ્રેમાળ જવાબ: “ચોક્કસ. સારાં સંગીતની લહાણી થાય એમાં તો આનંદ જ હોય ને?”
આજે ૨૩ જુન… મુરબ્બી રાસભાઈનો જન્મદિન….ટહુકો પર આ અલભ્ય ગીતોની શ્રેણીનો આરંભ કરવા માટે આનાથી રૂડો બીજો કયો અવસર હોય?!… તો આ સ્વર-યુગલના કંઠે ગવાયેલ અવિનાશ વ્યાસની એક ખુબ જ સુંદર રચનાથી અઠવાડિક શ્રેણીની શુભારંભ કરીયે –
રચના : અવિનાશ વ્યાસ
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ
ભરી દે ભરી દે ભરી દે
કોઈ ભિક્ષુકની ઝોળી ભગવંત…
જીવ તો તારું એક રમકડું
નિમિત્ત બને છે રૂડું ભૂંડું
આશિષનું એક અમૃત બિંદુ
ઝરી દે ઝરી દે ઝરી દે…
તું તરણાની ઓથે ડુંગર
તું છું સત્યમ્ શિવં સુન્દરમ્
મધ્ય મહેરામણ કોઈની હોડી
ડૂબતી પાર કરી દે…
ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું
મેઘને તે કેમ કરી આંજવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
હીંચકાની સાંકળમાં નેવાં છલે ને
મોર તોરણ આ ટહુકે આકાશને
ઝાંઝરની ઘુંઘરીમાં લાવી મઢાવું કેમ
કોરા આ સોનલ બોલાશને?
સૂનાં તે ઓરડામાં કેમ કરી
મેઘધનુ કેરાં ગુલમહોર ને તે વાવવો?
ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને
છોગાળો એવો મુને આંતરે
કાંડું વછોડી કહું ઊભે મારગ ને
ઘરમાં આવીને ગીત છેડજે!
સંવેદનાની સૂરાવલીની તૈયારી માટે ગયા રવિવારે અમે બધા મળ્યા ત્યારથી આ ગીત ગૂંજે છે. તો થયું, આજે તમને પણ આ ગીત સંભળાવી જ દઉં..! આમ તો દેશમાં વરસાદના જવાના એંધાણ છે – અને અમારે ત્યાં અહીં એના આવવાને હજુ વાર છે… પણ પિયુના આવવાના એંધાણ હોય ત્યારે તો ગમે તે મોસમમાં પણ વરસાદની સોડમ આવે, કાનમાં મોરના ટહુકા સંભળાય, અને મનમાં ગુંજે રીમઝીમ વરસતા વાદળના ઝંકાર…
ગઇકાલે – ૨૧ જુલાઈ એટલે ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષની શરૂઆત – અને સાથે કવિ – સ્વરકાર – અને ગુજરાતી સંગીતજગતનો આધાર સ્તંભ – એવા શ્રી અવિનાશ વ્યાસનો પણ એ જ દિવસે જન્મદિન..!! એમને ફરી એકવાર યાદ કરી માણીએ એમની આ યાદગાર રચના….. સ્વરાંકન શ્રી ગૌરાંગ વ્યાસનું – અને સાંભળીએ આ ગીતની મૂળ ગાયિકાઓના સ્વરમાં..
ગુજરાતી ગીતોમાં female duets આમ ઘણા ઓછા છે – એ રીતે પણ આ ગીત ઘણું ખાસ ગણાય….
સ્વર : વિભા દેસાઈ અને હર્ષિદા રાવલ
.
હજુ રસભર રાત તો બાકી રહી ગઈ,
ના જા, ના જા, સાજના…..
હજુ ચંદ્ર નથી બુઝાઈ ગયો
છે તારાઓની છાંય,
હજુ રજનીના શ્યામલ પગલાં
થોડું દૂર રહ્યું છે પ્રભાત…
જરી જંપ્યુ ગગન વિરાટ,
ના જા, ના જા, સાજના…..
હજુ ચંદનભીની કુંજન છે
હજુ સૂર ગુંજે સૂનકાર…
હજુ ઢળ્યું નથી કંકુ સૂરજનું
તિમિર ને પગથાર.
હજુ ઝાંખી બળે દીપમાળ,
ના જા, ના જા, સાજના…..
આ પહેલા બે વાર ટહુકો પર (એક વાર ફક્ત શબ્દો સાથે, અને બીજી વાર વિભા દેસાઇના સ્વર સાથે) રજૂ થયેલું આ રમેશ પારેખનું ખૂબ જ જાણીતું અને ગુજરાતીઓનું માનીતું ગીત… આજે બે નવા સ્વર સાથે ફરી એકવાર… આરતી મુન્શી અને સોનાલી વાજપાઇ..!! Well… એ તો એવું છે ને કે આજનો દિવસ જરા ખાસ છે.. એટલે ગીત પણ સ્પેશિયલ જ હોવું જોઇએ ને?
આ સ્પેશિયલ ગીત.. – મારા એકદમ સ્પેશિયલ સાંવરિયા માટે !! 🙂
મોરપિચ્છ પર પહેલા ફક્ત શબ્દો સાથે રજુ થયેલું ગીત, સ્વર – સંગીત સાથે ફરી એકવાર.
—————————
Posted on Oct 26, 2006
કોઇને ‘ oh no… not again…!! ‘ એમ કહેવાનું મન થાય, એવી રીતે આજ કલ મોરપિચ્છ અને ટહુકા પર સરખા લાગતા, કે પછી એક સાંભળતા બીજું યાદ આવે એવા ગીતો મુકુ છું. આજે પણ કંઇક એવું જ… રમેશ પારેખનું આ ગીત તો ઘણાં એ સાંભળ્યું જ હશે. સોલી કાપડિયાના ‘તારી આંખનો અફીણી’ આલ્બમમાં પણ એ ખૂબ જ સુંદર રીતે સ્વર અને સંગીતબધ્ધ કરાયું છે.
‘ હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !’ અને ‘ તમે માછલી માગો ને અમે દરિયો દઇએ’ … બોલો, છે ને એક સાંભળો અને બીજું યાદ આવે એવા ગીતો ?