Category Archives: બિહાગ જોશી

સાંજ પડે ઘર યાદ આવે – હિતેન આનંદપરા

સ્વર : બિહાગ જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાંજ પડે ઘર યાદ આવે !
અપલક આંખો હળવે રહીને એક ઉદાસી સરકાવે…

દૂર-સુદૂરના કોઈ દેશે પંખી બાંધે માળો,
ચણને ખાતર મણમણનો વિજોગ ગળે વળગાડો;
ટહુકાઓનો તોડ કરીને બેઠો ઉપરવાળો.
મોસમ એકલતાની ભરચક ડાળીઓ કંપાવે…

એક જગાએ બીજ વવાયું, ઝાડ તો ઊગ્યું બીજે,
પર્ણ અચાનક બર્ફ થઈને લીલમલીલા થીજે.
એકબીજાંને ના ઓળખતાં એકબીજાં પર રીઝે.
તુલસીની આશિષો કોરા આંગણને છલકાવે…

– હિતેન આનંદપરા

ઘટમાં ઘુંટાય નામ – ઉમાશંકર જોશી

સ્વર : બિહાગ જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

ઘટમાં ઘુંટાય નામ, રામ ! એક તારું.
લાધ્યું ક્યાંથી પ્યારું પ્યારું !
હો ઘટમાં ઘુંટાય નામ…

હૈયે રમાડેલું જુગ જુગથી સંતોએ,
કંઠે વસેલું કામણગારું,
જગની આ ઝાડીઓમાં ઝૂલે અમરફળ
દુનિયાના સ્વાદથી ન્યારું;
હો ઘટમાં ઘુંટાય નામ…

રમતાં રમતાં રે એ તો હાથ લાગે ભોળાંને
પંડે સામેથી શોધનારું,
એક હાથે જીવન દઈ બીજે ઝડપવાનું
પથ્થરને પુનિત તારનારું;
હો ઘટમાં ઘુંટાય નામ…

– ઉમાશંકર જોશી

પ્રેમરસ પાને તું – નરસિંહ મહેતા

આલ્બમ : સંગત
સ્વર : બિહાગ જોશી
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે.

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.

મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી.

પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.

મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો સપને ન આવે.

-નરસિંહ મહેતા

સાદ પાડું છું – રમેશ પારેખ

કંઇ કેટલાય સાદો નો ખડકલો...  Grand Canyon, AZ
કંઇ કેટલાય સાદો નો ખડકલો... Grand Canyon, AZ

****

સ્વર : બિહાગ જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

સાદ પાડું છું ક્યારનો હું કોને? હું કોને?
જે નથી એને પૂછું છું : છો ને? તું છો ને? તું છો ને?

સદીઓની સદીઓથી મેં એને પાડેલા સાદનો ખડકલો આ પર્વત
સામે વહેરાઉં હું, તેનાં સાહેદ : એક હું, બીજી કાળની આ કરવત

વહેરાતાં ઝીણી ઝીણી વહેર પડી એનું નામ રણ છે, ને રેતી છે, હોં ને !

હું છું ત્યાં સુધી તો સાદ છે, પરંતુ હું નહીં હોઉં ત્યારે શું થાશે?
પર્વત વળોટી એ આ બાજુ આવશે, તો આવીને કયું ગીત ગાશે?

હું નહીં હોઉં ત્યારે કોણ એને કહેશે કે, આ મારું ગીત મને દ્યો ને !

– રમેશ પારેખ (કુમાર – ઓક્ટોબર ૧૯૯૩)