Category Archives: કવિઓ

વરસાદ જેવું છે કશુંક – ઉર્વીશ વસાવડા

peacock

જો અષાઢી સાદ જેવુ છે કશુંક
આભમાં ઉન્માદ જેવું છે કશુંક

યક્ષ ભીતરનો વિરહવ્યાકુળ છે
ક્યાંક ભીની યાદ જેવુ છે કશુંક

હું કહું, વરસાદમાં આવી પલળ
તું કહે, મરજાદ જેવુ છે કશુંક

મોર ટહુકા સાંભળી લે તું ગગન
છે ધરા પર દાદ જેવુ છે કશુંક

સીમમાં આવી હવા કહી ગઇ મને
ગામમાં વરસાદ જેવું છે કશુંક

આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે – શૂન્ય પાલનપુરી

boat

ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;
હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે.

અવસર વહી જશે તો ફરી આવશે નહીં,
આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે.

અશ્રુનો આશરો છે તો ઝીલી શકું છું તાપ,
નજરો શું કોઇની છે? જલદ અગ્નિ-બાણ છે.

સમજી શક્યું ન કોઇ મને એનો ગમ નથી,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

ચાલી રહ્યો છું એમ ફના-પંથે રાતદિન,
જાણે મને કોઇના ઇરાદાની જાણ છે !

લઇ જાઓ, આવો ઊર્મિઓ ! એકેક અશ્રુને,
આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે.

સમજી શકે જો ધર્મ તણો સાર માનવી,
સર્વાંગ એ જ ‘શૂન્ય’ અઢારે પુરાણ છે.

ચોટ ગોઝારી – અમૃત ‘ઘાયલ’

મોરપિચ્છ પર ઘણા વખત પહેલા ફક્ત 4 શેર સાથે મુકેલી ગઝલ, આજે પૂર્ણ સ્વરૂપે.

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ – હરીન્દ્ર દવે

એકવાર સાંભળો અને તરત જ ગમી જાય, અને પછી વારંવાર બસ સાંભળ્યા જ કરવાનું મન થાય એવી સુંદર ગઝલ.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે

.

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર…..

આપણા ગુજરાત – મુંબઇમાં ચોમાસુ શરૂ થવાની તૈયારીમાં છે, અને કેટલીક જગ્યા તો વરસાદ એકાદ ડોકિયું પણ કરી ગયો છે. અને આ વરસાદની મોસમમાં આપણે વરસાદના ઘણા ગીતો સાંભળવાના છે, પણ આજે શરૂઆત થોડી સંકલિત પંક્તિઓથી.

આજ વાદળ એટલું વરસે તો બસ,
ચાર દશની ટ્રેન એ ચૂકે તો બસ.
– બાલુભાઇ પટેલ

પાણીના ટીપે ઘાસમાં જઇએ
ચાલ, કોઇ પ્રવાસમાં જઇએ
પહેલી વર્ષામાં એક થઇને પછી
ાટીના ભીના શ્વાસમાં જઇએ
– શોભિત દેસાઇ

ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ
ઝાંઝવા હો કે દરિયાવ તરસતા જઇએ
– હરીન્દ્ર દવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
– રમેશ પારેખ

આજે નથી જાવું કોઇનાયે કામ પર
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર
– વેણીભાઇ પુરોહિત

————————-

અને હા…. આ મુંબઇના મેહુલાની મજા  પણ માણવા જેવી છે.

તથ્ય હોવું જોઇએ – કવિ રાવલ

51818_wallpaper280

આ સમૂહમાં કૈંક તો વૈવિધ્ય હોવું જોઇએ
માત્ર કિસ્સા નહિ કથામાં તથ્ય હોવું જોઇએ.

અંત ને આરંભ તો હંમેશ હોવાના અહીં
ધ્યાન ખેંચે તેવું તેમાં મધ્ય હોવું જોઇએ.

નાટ્ય, સંવાદો, કથાનક – કેટલું કંઇ છે છતાં
એમ લાગે છે કે થોડુંક પદ્ય હોવું જોઇએ.

લીંબડાનાં પાન કડવાં – ડાળ કડવી કેમ છે ?
મૂળમાં એના હળાહળ સત્ય હોવું જોઇએ.

ચાંદ, તારા, સૂર્ય ને આકાશગંગાઓ બધી
વિશ્વ વર્તુળની પરે – કંઇ ભવ્ય હોવું જોઇએ.

( કવિ રાવલની બીજી ગઝલો વાંચો : લયસ્તરો પર )

આપણું હોવું હેંગઓવર જેવું – અદમ ટંકારવી

શ્વાસનું ચાલવું ચેટર જેવું
આપણું હોવું હેંગઓવર જેવું

આ ખીજાવું ને રીઝાવું તારું
લાગે ઇંગ્લેંડના વેધર જેવું

એક એક પળ અહીં સ્કેરી છે
વિશ્વ આખું છે હોરર જેવું

પેન્સિલમાર્ક જેવું સ્મિત મારું
રૂસણું તારું ઇરેઝર જેવું

કોઇનું કોન્સલેશન છે અદમ
ક્રોકોડાઇલના ટીઅર જેવું

Come One, Come All… – Dr. Raeesh Maniar

28 જુલાઇ,2006 – 4 ઓગસ્ટ, 2006 દરમ્યાન સુરતની ધરતી પર રમાયેલ સૌથી મોટો ખેલમેળો, ‘એશિયન જિમ્નેસ્ટિક’ માટે સુરતના જ કલાકારોએ તૈયાર કરેલું આ ‘Theme Song’.

આ ગીત વિષે વધુ માહિતી આ Newspaper article વાંચીને મળશે. સાથે સાથે હું એટલું જરૂર કહીશ, કે ગુજરાતી ભાષામાં ન હોવા છતાં આ ગીત પણ એટલું જ પોતીકું લાગે છે, જેટલું ‘તમારા સમ’ 🙂

અહીં આ image જરા નાની દેખાય છે, પણ એ વાંચવામાં તકલીફ પડતી હોય તો અહીં click કરો. અને પછી File Save કરીને એને zoom કરી શકો છો. અથવા નીચે જે image દેખાય છે, એના પર click કરો, અને જે પાનું ખુલશે, એમાં all sizes પર click કરીને એને મોટી કરીને જોઇ શકશો.
સ્વર : દિલનાઝ બેસાનિયા
સંગીત : મેહુલ સુરતી

filename_11

Come One,
Come All….;
Lets be together.

Enjoy this moment,
Enjoy this moment,
May It Last Forever
Learn the Rhythm,
– Know the Pace,
Life is Fun, its not a race.

Turn a bit, twist a little,
But never loose your balance.
Be it life, be it sport,
This is the only essence.

—————–

એકલા આવો,
સહુ આવો…
આવો આપણે ભેગા મળીયે.

આ પળને માણો,
કાશ એ કાયમી બની રહે.

તાલને પામો, લયને જાણો,
જીવન તો આનંદ છે, એ કોઇ દોડ નથી

જરા ઘૂમો, જરા વળો,
પણ સંતુલન કદી ન ગુમાવો,
જીવન હોય કે ખેલ,
આ એનો તર્ક છે.

જે દિલમાં છે હું એને હોઠ પર લાવી નથી શક્તો – વિવેક મનહર ટેલર

બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.

તું એવા સૂર્ય આંખે આંજી ગઈ છે કે આ પાંપણમાં
શશી, નિંદ્રા કે શમણાં-કાંઈ બિછાવી નથી શક્તો.

જમાના જેવું પણ છે કંઈ અને એ માનવાનું પણ,
હું જાણું છું છતાં આ મનને સમજાવી નથી શક્તો.

જણાય એવું કે બાજી મારી છે, પ્યાદાં ય મારાં છે,
કશું તો છે કે એકે દાવમાં ફાવી નથી શક્તો.

લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.

કવનમાં છે જીવન મારું, છડેચોક આ કહું હું કેમ ?
જે દિલમાં છે હું એને હોઠ પર લાવી નથી શક્તો.

લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’

માળામાં ફરક્યું વેરાન ! – માધવ રામાનુજ

ધવલભાઇના શબ્દોમાં આ ગીત વિષે : ગુજરાતી ગીતોના ‘ટોપ ટેન’માં સહેજે સ્થાન પામે એટલું સરસ બન્યું છે આ ગીત. કન્યાવિદાયનો પ્રસંગ છે એટલે વિષાદની ઝાંય તો રહેવાની જ. પરંતુ અહીં કન્યામાંથી વિવાહિતા બનવાની વાતને વધારે અંગત દ્રષ્ટિકોણથી મૂકી છે. પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન ! – કેટલી નાજુક પણ સચોટ પંક્તિ !

સંગીત : ક્ષેમુ દિવેટીઆ
સ્વર : કાજલ કેવલરામાની, ગોપા શાહ

.

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર –
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

( આભાર : લયસ્તરો )

( ફરમાઇશ કરનાર મિત્રો : વિવેક, ઊર્મિ )

( કવિ પરિચય )