કદી તો ઝાંઝવા પણ દૂરથી એવા સરસ લાગે
કે એને જોઇ દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે
કરી છે મેં દુ:ખોની પણ ઉજવણી રાત દી તેથી
હું ધારું ત્યારે દીવાળી ને બીજાને વરસ લાગે
વિતાવો એ રીતે જીવન – તમે ના હોવ ત્યારે પણ
તમારી યાદ પણ લોકોને મોંઘેરી જણસ લાગે
નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે દ્રષ્ટિમી
જો દ્રષ્ટિમાં નિરસતા હો તો સુંદર પણ નિરસ લાગે
જગતમાં એવી પણ અજવાળી રાતો હોય છે ‘બાલુ’
કે જેની સામે ભરબપ્પોરે પણ ઝાંખો દિવસ લાગે