Category Archives: રઇશ મનીઆર

અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો – રઈશ મનીઆર

તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો
અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો

હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો
પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો

મંદિર કે મસ્જીદો સુધી અટકી ગયા સહુ
જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો

મારી તરસના સાચા સ્વરૂપને પિછાણવા
હરિયાળી ભોમ છોડી મરૂસ્થળ સુધી ગયો

ભાલાનો તીરકામઠાંનો વારસો હતો
માણસ છતાંય એક દિવસ હળ સુધી ગયો

લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો

આખા જીવનમાં દુઃખની મળી એક પળ ‘રઈશ’
એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો

– રઈશ મનીઆર

જિંદગીભર પ્યાસ પૂરી રાખજે – રઈશ મનીઆર

જિંદગીભર પ્યાસ પૂરી રાખજે
તૃપ્તિની હાલત અધૂરી રાખજે

સાવ પાસે જઇ શકાતું હોય તો,
તે છતાં તું સહેજ દૂરી રાખજે

રક્તરંગી આભ ના જીરવાય તો,
ઓરડાની ભીંત ભૂરી રાખજે

પ્યાસ, પ્રીતિ,પાત્રતા, પથની સમજ
આટલી ચીજો જરૂરી રાખજે

વાંચજે મિત્રોની મહેફિલમાં ગઝલ
વેદના દિલમાં ઢબૂરી રાખજે

હોય તો અગ્નિવચાળે હો મુકામ
રાખે તો સૌરભ કપૂરી રાખજે

કંઇ જ બીજું ના રહે તો કંઇ નહીં,
રાખજે શ્રદ્ધા, સબૂરી રાખજે

– રઈશ મનીઆર

તેથી ગઝલ લખું છું. – રઈશ મનીઆર

ભાષા આવડતી નથી તેથી ગઝલ લખું છું,
વાત કઈ કરવી નથી તેથી ગઝલ લખું છું.

આંખમાં ભરતી નથી તેથી ગઝલ લખું છું,
હોડીઓ તરતી નથી તેથી ગઝલ લખું છું.

ભાવનાઓ…ઝંખનાઓ…વ્યર્થ વેદનાઓ…
શ્વાસ સાંકળતી નથી તેથી ગઝલ લખું છું.

કોણ, ક્યારે, શું; ને ક્યાંથી, કેમ, કેવી રીતે?
સ્પષ્ટતા કરવી નથી તેથી ગઝલ લખું છું.

શોધ ને અવરોધમાંથી બોધ-ક્રોધમાંથી…
શાંતિ મળતી નથી તેથી ગઝલ લખું છું.

સળવળું છું, ખળભળું છું, ટળવળું- બળું છું,
ચૂપકીદી ફળતી નથી તેથી ગઝલ લખું છું.

જીવવું, જીરવવું, જોવું, જાણીને પ્રજળવું,
આંખ મીંચાતી નથી તેથી ગઝલ લખું છું.

– રઈશ મનીઆર

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો – જલન માતરી

થોડા વખત પહેલા ‘ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગીત વિશેષ’ વિષે વાત કરી હતી એ યાદ છે? એ જ અંકમા રઇશભાઇએ કેટલીક ગુજરાતી – સંગીતબધ્ધ થયેલી અમર ગઝલો નો આસ્વાદ કરાવ્યો છે. એમાંની એક ગઝલ, સાંભળીએ આશિતભાઇના મઝાના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ રઇશભાઇના શબ્દોમાં આ ગઝલનો રસાસ્વાદ..!!

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

ટહુકો ફાઉન્ડેશનના કાર્યક્રમ સુર શબ્દની પાંખેમાં અચલ અંજારિયાના સ્વરમાં સાંભળો

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો

પલાઠી લગાવીને ના બેસી રહે
તુ મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો

હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધને લાત મારી તો જો

ખબર તો પડે મોતીઓ છે કે નહી
તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો

છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો

————–

આસ્વાદ : (‘ફિલિંગ્સ’ માંથી સાભાર)
જનાબ જલન માતરી ગુજરાતી ભાષાના વિદ્રોહી શાયર છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર્વાકની નાસ્તિકતાથી લઇ, ઉપનિષદોના `અહં બ્રહ્માસ્મિ’ સુધીનું વૈવિઘ્યપૂર્ણ તત્ત્વજ્ઞાન ઝીલાયું અને સચવાયું છે. આ ગઝલમાં પણ કવિનો મિજાજ ઇશ્ર્વરના ઐશ્ર્વર્યને અને પ્રારબ્ધવાદના દૈન્યને પડકારે છે. રહસ્યોના પડદાની પાછળ ઓઝલ રહે, એવો ઇશ્ર્વર કવિને ખપતો નથી. જ્યાં જ્યાં પડદા છે ત્યાં પડદાની પાછળ ખરેખર કોઇ છે પણ ખરું ? એવો શક પડે. આ શકનો દાયરો ધર્મપ્રબોધકોએ, મુલ્લાઓ અને પંડિતોએ ઊભો કર્યો છે. ઇશ્ર્વર અનુભવી શકાય એટલો પારદર્શક બની જાય તો મુલ્લાઓ અને પંડિતોની દુકાન કેવી રીતે ચાલે ? તેથી જ દુનિયામા: પડદાઓનો (અને પંડાઓનો) મહિમા છે. `પ્રારબ્ધને લાત મારવાની’ વાત અને `હશે તો ઊઠી દોડવા માંડશે’નો વિચાર અદ્ભુત છે.અને જીવનારાઓમાં જોમ પ્રેરે એવો છે. આટલી બિન્ધાસ્ત રીતે, આટલી બેફિકરાઇથી અને આલી ખુમારીથી પુરુષાર્થનો મહિમા કદાચ બીજી કોઇ કવિતામાં થયો નહીં હોય !
– રઇશ મનીઆર

ડો. રઈશ મણિયારની પ્રસ્તુતિ – ગઝલના બે વિશ્વ : ગાલિબ અને મરીઝ


ગઝલના બે વિશ્વ : ગાલિબ અને મરીઝ 
ડો. રઈશ મણિયારની પ્રસ્તુતિ 

April 24th (Saturday) at 6 PM PST / 9 PM EST (India – at 6:30 am on April 25th, Sunday)
Zoom meeting info – https://us02web.zoom.us/j/7234746341?pwd=YUs0b1dFTXB5SnArSVYrQ1d4eDlhUT09
Meeting ID: 7234746341 | Passcode: GLSUSA

હું શું કરું ? – રઈશ મનીઆર

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું ?

-રઈશ મનીઆર

લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે – રઈશ મનીઆર

ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે

કરું છું રૂપાંતર હું શબ્દોમાં કેવળ
તમે જે ઇશારે ઇશારે લખ્યું છે

લખ્યું તો જિવાયું, જીવ્યો તો લખાયું
અમે એક નવતર પ્રકારે લખ્યું છે

લખાણે લખાણે પ્રહારો થયા છે
અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે

પડી સાંજ તો એટલી હાશ છે કે –
કશું કાયમી મેં સવારે લખ્યું છે

તમે તો ‘રઈશ’ બસ કુટાતા રહ્યા છો
તમે આ બધું… બોલો ક્યારે લખ્યું છે!

– રઈશ મનીઆર

તને શ્રદ્ધા છે માણસ પર ? – રઈશ મનીઆર

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.

દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનું છે.

બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.

જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.

તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?
ને માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે.

-રઈશ મનીઆર

આપો વીઝા રે – રઇશ મણિયાર

આજે ફરી એકવાર – રેડ રાસ (૩) માંથી આ માર્મિક ગીત..! કેટલાય ગુજરાતીઓની લાગણીઓને અહીં રઇશભાઇએ અક્ષરસ: વાચા આપી છે..!! 🙂

સ્વર : અમન લેખડિયા
સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુનશી

આપો વિઝા રે...

રોટલો માંગે, કોઈ જગતમાં, કોઈ તો વળી, માંગે પીઝા રે
ગુજરાતી કે’, વેઠ કરીને, પેટ ભરીશું, આપો વીઝા રે

શક્તિથી હું, ભક્તિ કરું, માત ક્યારે, કળશ ઢોળે રે
એક દિવસ તો, જઈને પડું, હું લીબર્ટી-માના ખોળે રે
કેમ અમે રે આહીં પડ્યા, જઈ મહાસુખ માણે બીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

જર્સીના, ચોકમાં જોને, કેટલા બધા, પંખી ચણે રે
મા..માનું ઘર, કેટલે હજુ, દીવા બળે જો ને પણે રે
ઓલ્યા ઓબામા, મારા રે મામા, ઊંચકી લે! થઈ પગમાં ઈજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

મંગલ ફાઈલ, ખોલો દયામય, ખોલો ને વા’લા, જલદી ખોલો રે
હું ઘૂસું ને, મારી પાછળ, ખાનદાન આખું, કરે ફોલો રે!
ભાઈભત્રીજા, સાસુ સસરા, સાળા સાઢુ, બેન ને જીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

– રઇશ મણિયાર