આજે માણીએ ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ જેવા અમર શબ્દો ગુજરાતી કવિતાને આપનાર કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાના થોડા શેરનું સંકલન.. કવિએ કવિના શબ્દને અલગ અલગ ગઝલોમાં જે રીતે પેશ કર્યો છે એની એક નાનકડી ઝલક…
(ઘણા વખત પહેલા ‘શબ્દ અને મનોજ ખંડેરિયા’ શેર સંકલન – ભાગ ૧ – ટહુકો પર રજૂ કર્યો હતો એ માટે અહીં ક્લિક કરો)
આ મારો અંધકાર લીલોછમ બની જશે
શબ્દોનું જ્યારે વાતાવરણ ઓગળી જશે
*
એકેય પાન શબ્દનું લીલું નહીં રહે
ઊડી રહ્યા છે તીડનાં ટોળાંઓ ગામ પર
*
હું દર્પણમાં શબ્દો ઉતારી શકું તો
મને એ રીતે હું પ્રસારી શકું તો
*
આ મારી શૂન્યતા મહીં શબ્દો ભરો નહીં
ઠાલી હવાથી એમ ક્યાં પુરાઈ જાય ખીણ
*
શબ્દો મારા પગભર ક્યાં છે
ચાલો મૌન તણી આંગળિએ
*
કોની મુદ્રા ઊપસી આવી
મારા શબ્દોની લગડીમાં
કવિતા તો છે કેસર વાલમ!
ઘોળો સોના-વાટકડીમાં
*
શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો
એક ઝંઝાવાતને ખાળી લીધો
મેં કશો અપરાધ ક્યાં વનમાં કર્યો
મેં રઝળતો ટહુકો સંભાળી લીધો
*
“મને તું મૌન દઈને શબ્દ તારો લઈ જજે”
પડી છે એક જાસાચિઠ્ઠી મારા ઉંબરે
*
ભ્રમર જેમ એમાં પુરાઈ ગયો છું
કહો શબ્દનું ઘર કમળ તો નથીને
*
મૂકી દે આજ મારા શબ્દો પર
ચોથું પગલું ચરણ ઉપાડીને
*
ક્યાં સરળ શબ્દનો છે ખજાનો
એ ફણીધર નીચેનો ચરુ છે
*
હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે
*
સદા શબ્દોના અગ્નિ-સ્તંભને મેં બાથ ભીડી છે
સતત કાગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
*
શબ્દના વનમાં ફૂલોના પથ મળે
મ્હેકથી ખૂણેખૂણો લથબથ મળે
*
કથામાંથી છટકેલ છળ છે કે શું
ફરી એ જ માયાવી સ્થળ છે કે શું
મને શબ્દ ખેંચી ગયા ક્યાંથી ક્યાં
એ સોના-હરણવાળી પળ છે કે શું
*
લખાયા પહેલાં જ પોઢી ગયેલા
ઘણા શબ્દની છે કબર આંગળીમાં
કવિતા તો ઢાકાની મલમલ મુલાયમ !
વણાતી રહી હર પ્રહર આંગળીમાં
*
વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને-
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી
ચમત્કારો નથી તો આ લખાતા શબ્દ બીજું શુણ ?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી