અનિલ જોશીનું આ અમર ‘કન્યા વિદાય’ કાવ્ય. ગીતના શબ્દે-શબ્દે તો વ્હાલ અને કન્યા-વિદાયનું દર્દ નીતરે જ છે, અને પછી એ શબ્દોને પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન અને સ્વર મળે ત્યારે? દીકરીને પરણાવી હોય કે પરણાવવાની હોય એવા દરેક પિતાને દીકરીઓ… , અને એવી દરેક દીકરીઓને પિતાને જઇ વળગી જવાની ઇચ્છા થઇ આવે…
ગુજરાતમાં કન્યાવિદાય વખતે કદાચ સૌથી વધુ ગવાયેલું આ ગીત… ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ – હજુ સુધી ટહુકો પર ન હતુ એના બે કારણ, અને આમ જોવા જઇએ તો બંને કારણો થોડા વિરોધાભાસી છે.
‘દીકરી – પારકી થાપણ’ આ વાત મને કોઇ દિવસ ગળે નથી ઉતરી. આખી જિંદગી પપ્પાની લાડકી – લગ્ન પછી પારકી? કદાચ જે સમયે આ ગીત બન્યું એ વખતે (અને કદાચ આજે પણ?) સમાજમાં એ માન્યતા પ્રચલિત હશે.
બીજું કારણ – ભલે હું આ ગીતની પ્રથમ પંક્તિ સાથે પોતાને relate નથી કરી શકતી, છતાં પણ આ ગીત વાગતું હોય તો એ પુરુ થાય એ પહેલા આંખો ભીંજાય જાય છે. આજ સુધી એ હિંમત નથી આવી કે લાગણીશીલ થયા વગર આ ગીત સાંભળી શકું.
સ્વર : લતા મંગેશકર
.
બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
ધવલભાઇના શબ્દોમાં આ ગીત વિષે : ગુજરાતી ગીતોના ‘ટોપ ટેન’માં સહેજે સ્થાન પામે એટલું સરસ બન્યું છે આ ગીત. કન્યાવિદાયનો પ્રસંગ છે એટલે વિષાદની ઝાંય તો રહેવાની જ. પરંતુ અહીં કન્યામાંથી વિવાહિતા બનવાની વાતને વધારે અંગત દ્રષ્ટિકોણથી મૂકી છે. પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન ! – કેટલી નાજુક પણ સચોટ પંક્તિ !