Category Archives: કાજલ કેવલરામાની

કૂંચી આપો બાઇજી! – વિનોદ જોશી

બરાબર ૪ વર્ષ પહેલા ટહુકો પર રજૂ કરેલું, અને હમણાં સુધી કેટલીય દીકરીઓને રડાવી ગયેલું આ ગીત, આજે સ્વરકાર શ્રી અમરભાઇના સ્વરમાં ફરી એકવાર.

સ્વર – સ્વરાંકન અમર ભટ્ટ

Audio Player

Posted: April 16, 2007

ત્રણ અલગ અલગ રાગમાં આ ગીત અહીં રજુ કરું છું, પણ મને આ ગીતનો ધીમો રાગ વધુ ગમે છે. ધીમો રાગ કદાચ આ ગીતમાં રહેલી એક પરણેલી સ્ત્રીની લાગણીઓ વધુ સારી રીતે ઉજાગર કરી શકે છે, એવું મને લાગે છે.

pataro
સ્વર : રેખા ત્રિવેદી ; સંગીત : ઉદય મઝુમદાર

Audio Player

.

સ્વર : અનાર કઠિયારા

Audio Player

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના અવાજમાં ગવાયેલ ગીત :

કૂંચી આપો બાઇજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી?

કોઇ કંકુ થાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો.
કોઇ મીંઢળની મરજાદા લઇ , મને પાંચીકડાં પકડાવો.
ખડકી ખોલો બાઇજી! તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇ જી!
કૂંચી આપો બાઇજી!

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી.
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી.
મારગ મેલો બાઇજી! તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઇ જી !
કૂંચી આપો બાઇજી!

ક્ષેમુદાદાને શ્રધ્ધાંજલી : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી – બાલમુકુન્દ દવે

શ્રાવણ મહિનો શરૂ થયો ત્યારથી વિચારતી હતી કે એકાદ દિવસ આ ગીત મુકુ… (જે આમ જુઓ તો લગભગ ૫-૬ મહિનાથી સાચવી રાખ્યુ હતુ, શ્રાવણ મહિનામાં મુકવા માટે)

અને ગઇ કાલે જ ક્ષેમુદાદાની વિદાયના સમાચાર મળ્યા…

તો આજે સાંભળીએ અમર ભટ્ટ અને કાજલ કેવલરામાની – ના સુરીલા અવાજમાં એમનું આ મઝાનું ગીત…
એમના બીજા ગીતો ટહુકો પર અહીં કલિક કરી સાંભળી શકો છો.
https://tahuko.com/?cat=245

Audio Player

.

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જી
આ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઇ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઇ ઝીલો જી
આ સમણાં કેરા કરા પડે કોઇ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઇ ઝીલો જી

આ ચળકે વાદળ-તલાવડી કોઇ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઇ ઝીલો જી
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઇ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઇ ઝીલો જી

આ દૂધે ધોયા ડુંગરા કોઇ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઇ ઝીલો જી
આ જતિ-સતીનાં તર રેલે કોઇ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઇ ઝીલો જી

માળામાં ફરક્યું વેરાન ! – માધવ રામાનુજ

ધવલભાઇના શબ્દોમાં આ ગીત વિષે : ગુજરાતી ગીતોના ‘ટોપ ટેન’માં સહેજે સ્થાન પામે એટલું સરસ બન્યું છે આ ગીત. કન્યાવિદાયનો પ્રસંગ છે એટલે વિષાદની ઝાંય તો રહેવાની જ. પરંતુ અહીં કન્યામાંથી વિવાહિતા બનવાની વાતને વધારે અંગત દ્રષ્ટિકોણથી મૂકી છે. પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન ! – કેટલી નાજુક પણ સચોટ પંક્તિ !

સંગીત : ક્ષેમુ દિવેટીઆ
સ્વર : કાજલ કેવલરામાની, ગોપા શાહ

Audio Player

.

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર –
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

( આભાર : લયસ્તરો )

( ફરમાઇશ કરનાર મિત્રો : વિવેક, ઊર્મિ )

( કવિ પરિચય )