Category Archives: સંગત

સાદ પાડું છું – રમેશ પારેખ

કંઇ કેટલાય સાદો નો ખડકલો...  Grand Canyon, AZ
કંઇ કેટલાય સાદો નો ખડકલો... Grand Canyon, AZ

****

સ્વર : બિહાગ જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

સાદ પાડું છું ક્યારનો હું કોને? હું કોને?
જે નથી એને પૂછું છું : છો ને? તું છો ને? તું છો ને?

સદીઓની સદીઓથી મેં એને પાડેલા સાદનો ખડકલો આ પર્વત
સામે વહેરાઉં હું, તેનાં સાહેદ : એક હું, બીજી કાળની આ કરવત

વહેરાતાં ઝીણી ઝીણી વહેર પડી એનું નામ રણ છે, ને રેતી છે, હોં ને !

હું છું ત્યાં સુધી તો સાદ છે, પરંતુ હું નહીં હોઉં ત્યારે શું થાશે?
પર્વત વળોટી એ આ બાજુ આવશે, તો આવીને કયું ગીત ગાશે?

હું નહીં હોઉં ત્યારે કોણ એને કહેશે કે, આ મારું ગીત મને દ્યો ને !

– રમેશ પારેખ (કુમાર – ઓક્ટોબર ૧૯૯૩)

નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

લયસ્તરો પર યાદગાર ગીતો શ્રેણીમાં આ ગીત મુકવાનું હતું, ત્યારે પહેલીવાર સાંભળ્યું. અને thanks to wordpress technical problem, આખા દિવસમાં ૧૦-૧૨ વાર આ ગીત સાંભળવું પડ્યું – music file play થાય છે કે નહીં એ જોવા માટે આમ તો એક ક્લિક કરીને બંધ કરી શકાય… પણ જેટલીવાર ક્લિક કર્યું – આખું ગીત સાંભળ્યું! પણ ગીત એટલું તો ગમી ગયું, કે બીજા ૧૦-૧૨ વાર બસ એમ જ સાંભળ્યાં જ કર્યું.. વિવેકે કહ્યું તેમ – આ કાવ્ય વાંચો, સમજો તો ખ્યાલ આવે કે ગુજરાતી કવિતા શી ચીજ છે? !!

(નિખિલનો એક રંગ   … Lone Cypress, 17 Mile Drive, CA)

સંગીત : અજીત શેઠ
સ્વર : ?

સ્વર : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

.

સ્વર : હરિશ્ચંદ્ર જોશી
આલબમ : સંગત
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી
સંગીત : સુરેશ જોશી

.

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ

————
(લયસ્તરો પર ‘યાદગાર ગીતો’ શ્રેણીમાં આ ગીતની સાથેની ધવલભાઇની પ્રસ્તાવના અહીં એમના જ શબ્દોમાં..!)

કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. કવિના પોતાના ગીતોમાં પણ આ શ્રેષ્ઠ ગણાય છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. ગીતનો ઉપાડ જ એવો મઝાનો છે : કવિનું ભ્રમણ બંધન વિનાનું અને મુગ્ધ છે. શરીર ઘૂળથી રગડોયાયેલું છે. દુનિયાના દરેક સૌંદર્ય તરફ કવિ સહજતાથી પોતાની જાતને ખેંચાવા દે છે. પોતાના આગવા કદમે કવિ નવી કેડી કંડારતા જાય છે. પોતાનો આગવો માર્ગ, આગવો અવાજ અને આગવો આનંદ એ જ કવિનો મુકામ છે. કવિને સંગ પણ પોતાની જાતનો જ છે અને છેલ્લે એકલા પડે ત્યારે પણ સાથે પોતાની જાત જ બાકી રહે છે !

(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)

સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) – રમેશ પારેખ

આ પહેલા બે વાર ટહુકો પર (એક વાર ફક્ત શબ્દો સાથે, અને બીજી વાર વિભા દેસાઇના સ્વર સાથે) રજૂ થયેલું આ રમેશ પારેખનું ખૂબ જ જાણીતું અને ગુજરાતીઓનું માનીતું ગીત… આજે બે નવા સ્વર સાથે ફરી એકવાર… આરતી મુન્શી અને સોનાલી વાજપાઇ..!! Well… એ તો એવું છે ને કે આજનો દિવસ જરા ખાસ છે.. એટલે ગીત પણ સ્પેશિયલ જ હોવું જોઇએ ને?

આ સ્પેશિયલ ગીત.. – મારા એકદમ સ્પેશિયલ સાંવરિયા માટે !! 🙂

સ્વર – આરતી મુન્શી
આલ્બમ – હસ્તાક્ષર (રમેશ પારેખ – શ્યામલ-સૌમિલ મુન્શી)

સ્વર – સોનાલી વાજપાઇ
આલ્બમ – તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)

—————————

Posted on May 17, 2007

મોરપિચ્છ પર પહેલા ફક્ત શબ્દો સાથે રજુ થયેલું ગીત, સ્વર – સંગીત સાથે ફરી એકવાર.

—————————

Posted on Oct 26, 2006

કોઇને ‘ oh no… not again…!! ‘ એમ કહેવાનું મન થાય, એવી રીતે આજ કલ મોરપિચ્છ અને ટહુકા પર સરખા લાગતા, કે પછી એક સાંભળતા બીજું યાદ આવે એવા ગીતો મુકુ છું. આજે પણ કંઇક એવું જ… રમેશ પારેખનું આ ગીત તો ઘણાં એ સાંભળ્યું જ હશે. સોલી કાપડિયાના ‘તારી આંખનો અફીણી’ આલ્બમમાં પણ એ ખૂબ જ સુંદર રીતે સ્વર અને સંગીતબધ્ધ કરાયું છે.

‘ હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !’ અને ‘ તમે માછલી માગો ને અમે દરિયો દઇએ’ … બોલો, છે ને એક સાંભળો અને બીજું યાદ આવે એવા ગીતો ?

સ્વર : વિભા દેસાઇ

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:ગૌરાંગ વ્યાસ
આલબમ:તારાં નામમાં

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં મીશા આચાર્યના સ્વરમાં સાંભળો.

આલ્બમ : સંગત
સ્વર : ગાર્ગી વોરા

.

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ

પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલી આ ગઝલ આજે સ્વર-સંગીત સાથે ફરી એકવાર.. આજે ૧૭ મે, કવિ શ્રી રમેશ પારેખને એમની પુણ્યતિથિને દિવસે આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી.  રમેશ પારેખની રચનાઓની વિવિધતા પર એક નજર કરશો આશ્ચર્ય થયા વિના ન રહે.. એ વ્હાલબાવરીનું ગીત લખે, ૯૯ વર્ષના રાજપૂતનું ગીત લખે, વૃક્ષસંવનનાર્થીનું ગીત પણ લખે, બાળગીતો, સોનલ કાવ્યો, મીરાં કાવ્યો, આલાખાચર કાવ્યો, છોકરા+છોકરીના ગીતો, ગઝલો..

વધારે વાતો નથી કરવી, પણ એટલું ચોક્કસ કહીશ કે એમનો સમગ્ર કાવ્ય/ગઝલ સંગ્રહ ‘છ અક્ષરનું નામ’ મળે તો ચોક્કસ વાંચજો, પાને પાને સાહિત્યનો સાગર છલકશે…

(આ પથ્થરો વચ્ચે… Half Dome, Yosemite N. Park, Aug 08)

* * * * *

સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી
સંગીત : ઉદય મઝુમદાર
આલ્બમ : હસ્તાક્ષર ‘રમેશ પારેખ’

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

આપી આપીને તમે પીંછું આપો સજન – વિનોદ જોશી

એક જ ગીતના કેટલા બધા કોમ્પોઝિશન હોઈ શકે ? આ છે કવિના શબ્દોનો જાદુ 🙂
લો માણો વધુ એક કોમ્પોઝીશન:

સ્વર અને સ્વરાંકન : અંકુર જોશી

સ્વર અને સંગીત : કલ્પક ગાંધી

.

સ્વર : રિષભ મહેતા,ગાયત્રી ભટ્ટ
સ્વરાંકન : રિષભ મહેતા

.

સ્વર : અન્વેષા
સ્વરાંકન : નયનેશ જાની

.

સ્વર : રેખા ત્રિવેદી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલ્બમ : સંગત

.

સ્વર : શિવાંગી દેસાઈ
સ્વરાંકન : અમર ભટ્ટ

.

સ્વર : માલિની પંડિત
સ્વરાંકન : પરેશ નાયક

.

આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ….

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં;

આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ ,
આંગળિયું ઑગળીને અટકળ થઇ જાય
અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ…
– વિનોદ જોશી

ગઢને હોંકારો તો કાંગરાય દેશે – રમેશ પારેખ

gadh ne

સ્વર – વિનોદ પટેલ

આલ્બમ: સંગત
પ્રસ્તાવના :વિનોદ જોશી

.

સ્વર: ઓસમાન મીર
આલબમ: સંગત

.

સ્વરઃ અમર ભટ્ટ

.

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?

આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ

કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે.

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ

મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ
રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે.

( કવિ પરિચય )

Gadha ne honkaro to kangara ya deshe – ramesh parekh

Taro mevaad meera chhodashe