Category Archives: પરેશ નાયક

છુંદણા છૂંદીને હું તો મૂઈ મૂઈ વાલમાં – ચિંતન નાયક

સ્વર – હિમાલી વ્યાસ નાયક
સ્વરાંકન – પરેશ નાયક
આલ્બમ – શબ્દ પેલે પાર

itunes download link :  https://itunes.apple.com/us/album/shabda-pele-paar/id859954337?ls=1

છુંદણા છૂંદીને હું તો મૂઈ મૂઈ વાલમાં,
થોકબંધ ટહુકાઓ આઘા ઠેલ્યા ને તોય પડઘાતી અંતરની કુઈ!

ગામતર આખુય વાત્યુંનો વગડો ને, મહેરામણ મહેણાનો હિમ,
એમાં હું અપલખણી ગાગર લઇ હાલી ને છલકાતી આખીયે સીમ,
પગથીમાં પથરાતા રણકાને નિંદે છે, વડલાઓ ,સખીઓ ને ફૂઈ!

ખેતરમાં લાલ લાલ ચાસ પડે એવા કે આથમણા ઉગમણા લાગે,
મેળે મહાલ્યાની વેડ મેડીએ મૂકીને, તોય ભણકારા ભીતોને ભાંગે,
ભ્હેકી ભ્હેકી ને મને અધમુઈ કરતી, આ મારા તે આંગણાની ચૂઈ!

કરવું શું ભલા? – ચિંતન નાયક

સ્વર – દિવિજ નાયક
સ્વરાંકન – પરેશ નાયક
આલ્બમ – શબ્દ પેલે પાર
ગીત ડાઉનલોડ લિંક – https://itunes.apple.com/us/album/shabda-pele-paar/id859954337

(ઓગળે ના રણ તો....  Picture: Tejal Tailor)
(ઓગળે ના રણ તો…. Picture: Tejal Tailor)

ના પડે સમજણ તો, કરવું શું ભલા?
મુંઝવે સગપણ તો, કરવું શું ભલા?

લાખ ઝરણાં વ્હાલનાં મેં ઠાલવ્યા,
ઓગળે ના રણ તો, કરવું શું ભલા?

ડામ તો વંટોળનાં અઢળક સહ્યા,
ખુંચતી રજકણ તો, કરવું શું ભલા?

અમે આફત એકપણ માંગી ન’હતી,
ને મળી બે-ત્રણ તો, કરવું શું ભલા?

ના પડે સમજણ તો, કરવું શું ભલા?
મુંઝવે સગપણ તો, કરવું શું ભલા?

– ચિંતન નાયક

શબ્દ પેલે પાર – સંધ્યા ભટ્ટ

સ્વર – સાધના સરગમ
સ્વરાંકન – પરેશ નાયક

itunes download link :  https://itunes.apple.com/us/album/shabda-pele-paar/id859954337?ls=1

Shabda-Pele-Paar-Front

શબ્દ પેલે પારને તું જોઇ લે,
ને પરમના સારને તું જોઇ લે.

પર્ણ, ડાળી, ફૂલ, ફળ આકાર છે
વૃક્ષના આધારને તું જોઇ લે.

જે સ્વયં તો પર રહ્યો આ તંત્રથી
એ તણા વિસ્તારને તું જોઇ લે.

ભવ્યથી પણ ભવ્ય લે લયલીન છે
ઇશ્વરી દરબારને તું જોઇ લે.

સૂક્ષ્મથી પ્ણ સૂક્ષ્મ ખુદ તારા મહી
પુર્ણતાના દ્વાર ને તું જોઇ લે.

બહાર ડોકું કાઢતાં દેખાય જે
એ અકળ સંસારને તું જોઇ લે.

– સંધ્યા ભટ્ટ

ગુલમ્હોરને ગામ આપણ મળવાનાં… – તુષાર શુક્લ

પ્રસ્તાવના : ચિંતન નાયક
ધોમ ધખતા ગ્રીષ્મ વચાળે પણ મળવાનું મન થાય એવો રંગીલો ગુલમ્હોર ખિલ્યો છે. અને મનમાં, મળવાનો ઊમળકો એટલો તો ઉભરાય છે, કે ગુલમ્હોરની એકાદ ડાળખી તો નહીં, એકાદ શેરીયે નહીં… પણ આખું ગામ ભરાય એમ ફૂટ્યા છે લાલમલાલ ફૂવારા…

એવા ગુલમ્હોરને ગામ મળીશુ એવો અદમ્ય વિશ્વાસ પ્રેમીના અંતરમાં અકબંધ છે.

વારેવારે ખોવાવું ને વળીવળીને મળવું, એની એક આગવી મજા છે. જો થોડીથોડી વારે એકબીજાથી જરા દુર ન થવાય, વિરહની સદિઓ સમી લાગતી જરા અમથી પળ પણ અનુભવવા ન મળે, તો એવા મળવામાં મજા પણ શી? અને મળીયે ત્યારે ટીપુ કે સરોવર કે દરિયો ભરીએ એમ નહીં, પણ આંખ ભરીને મળવું… હૈયામાં હૈયુ એક કરી ઓગળવું…

સ્વર : પરેશ નાયક, માલિની પંડિત નાયક
સ્વરાંકન : પરેશ નાયક

(ગુલમહોર ને ગામ………. Photo: ksklein)

.

ગુલમહોર ને ગામ આપણ મળવાનાં
હવે હોવું રાધા-શ્યામ આપણે ઝળહળવાનાં…

રંગ-ગુલાલી પગલાં વીણતાં ખોવાવું ને જડવું
સખી, શાને પળમાં મળવું ને પળમાં ટળવળવું?
હવે ભીંજે આખું ગામ એટલું ઝરમરવાનાં

શ્યામલ સાળુ અવની ઓઢે, આંખ ભરીને મળવું
કાંઠાનાં બંધનને ભૂલી એક થઇ ઓગળવું
હવે તટના છૂટ્યા નામ, વહેણની વચ મળવાનાં

–  તુષાર  શુક્લ

ગરબે આવો મા – હસિત બુચ

ગાયિકા : માલિની પંડિત નાયક, રાજેન્દ્ર જોષી
સ્વરકાર : પરેશ નાયક
કવિ : હસિત બુચ
આલ્બમ : ગરબે આવ્યા મા

(ગરબે આવો મા…ચૈત્રી નવરાત્રી… Photo : Navarathri.org)

.

દૂર ડુંગરીયે વાગતી વેણ, ગરબે આવો મા…

રૂડી ધરતીની ગાજતી રેણ, ગરબે આવો મા…

મારી ગાગર પર ચીતરી વેલ, ગરબે આવો મા…

મહીં દીવડીઓ રેલમરેલ, ગરબે આવો મા…

મારી સૈયરની ફોરતી ઘેર, ગરબે આવો મા…

રમે હૈયામાં ઝીણેરી સેર, ગરબે આવો મા…

મારી શમણાંએ આંખડી ભરેલ, ગરબે આવો મા…

મને ચાંદલિયે હેતથી મઢેલ, ગરબે આવો મા…

આજ નવરાતે અમરતના કહેણ, ગરબે આવો મા…

કુંજ-ગુર્જરના નોરતે કહેણ, ગરબે આવો મા…

આપી આપીને તમે પીંછું આપો સજન – વિનોદ જોશી

એક જ ગીતના કેટલા બધા કોમ્પોઝિશન હોઈ શકે ? આ છે કવિના શબ્દોનો જાદુ 🙂
લો માણો વધુ એક કોમ્પોઝીશન:

સ્વર અને સ્વરાંકન : અંકુર જોશી

સ્વર અને સંગીત : કલ્પક ગાંધી

.

સ્વર : રિષભ મહેતા,ગાયત્રી ભટ્ટ
સ્વરાંકન : રિષભ મહેતા

.

સ્વર : અન્વેષા
સ્વરાંકન : નયનેશ જાની

.

સ્વર : રેખા ત્રિવેદી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલ્બમ : સંગત

.

સ્વર : શિવાંગી દેસાઈ
સ્વરાંકન : અમર ભટ્ટ

.

સ્વર : માલિની પંડિત
સ્વરાંકન : પરેશ નાયક

.

આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ….

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં;

આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ ,
આંગળિયું ઑગળીને અટકળ થઇ જાય
અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ…
– વિનોદ જોશી