Category Archives: કલ્પક ગાંધી

કળી શકો નહીં – હર્ષવી પટેલ

સ્વર અને સ્વરાંકન – કલ્પક ગાંધી

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ

.. પણ માધવની વેદના અજાણી – પૂજ્ય ઈંદિરાબેટીજી

શબ્દો – પૂજ્ય ઈંદિરાબેટીજી
સ્વર – સંગીત : કલ્પક ગાંધી

રાધાની વેદના તો દુનિયા એ જાણી પણ માધવની વેદના અજાણી
હૈયા ના ગોખ મહી સાચવી ને રાખી ને હોઠ પર ક્યારેય ના આણી

રાધા એ શબ્દોના બાણ ઘણા માર્યા પણ માધવના ખોલે કંઈ વાણી
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મુકે એ, માધવ તો મનના બંધાણી

માધવની નજરો માં છાનું છાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી
ઝળું ઝળું સાવ થતી આંખોમાં વાદળ ને વાદળમાં વેદનાના પાણી

રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજ થી અજાણી
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?!

એક વાર માધવના મનને તું વાંચજે ખૂટશેના આંખોના પાણી
“શ્રાવણી” તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?

પતંગિયાએ ઘર કર્યું હતું – મનોજ ખંડેરિયા

આજે માણીએ મનોજ ખંડેરિયાના આ જાદુભર્યા શબ્દો… અને કલ્પકભાઈનું એવું જ મઝાનું સ્વરાંકન..!!

*******

સ્વર અને સ્વરાંકન :- કલ્પક ગાંધી
આલ્બમ :- શાલ્મલિ

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

– મનોજ ખંડેરિયા

સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો – વિનોદ જોષી

આજે કવિ શ્રી વિનોદ જોષીનો જન્મદિવસ..! એમને ખૂબ ખૂબ…શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ ખૂબ જ સુંદર, અને અમારું ખૂબ જ ગમતું ગીત..! વિનોદભાઇને પ્રત્યક્ષ સાંભળવા એ એક લ્હાવો છે, અને August ૬-૭ ના દિવસે શિકાગોવાસીઓની સાથે સાથે અમને પણ એ લ્હાવો મળ્યો – જે હંમેશનું સંભારણું રહેશે.

Happy Birthday Vinodbhai…. !!

કાવ્ય પઠન : કવિ શ્રી વિનોદ જોશી

.

સ્વર : પ્રગતિ ગાંધી અને કોરસ
સંગીત : કલ્પક ગાંધી
આલ્બમ : કાચ્ચી સોપારીનો કટકો

.

સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
કણબણ માગે ગલગોટો ને
કણબણ માગે ગલગોટો ને
કણબી દે ધતૂરો
સૂડી વચ્ચે સોપારી ને…..

તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.

આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,
ભોળું ભોળું હાંફે એને
ભોળું ભોળું હાંફે એને
પાલવમાં ઢબૂરો.
સૂડી વચ્ચે સોપારી ને…..

ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીઘેલી.

મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો,
ચાવ્યો કાચો આંબલિયો ને
ચાવ્યો કાચો આંબલિયો ને
ચડ્યો રે ડચૂરો.
સૂડી વચ્ચે સોપારી ને…..

– વિનોદ જોષી

આપી આપીને તમે પીંછું આપો સજન – વિનોદ જોશી

એક જ ગીતના કેટલા બધા કોમ્પોઝિશન હોઈ શકે ? આ છે કવિના શબ્દોનો જાદુ 🙂
લો માણો વધુ એક કોમ્પોઝીશન:

સ્વર અને સ્વરાંકન : અંકુર જોશી

સ્વર અને સંગીત : કલ્પક ગાંધી

.

સ્વર : રિષભ મહેતા,ગાયત્રી ભટ્ટ
સ્વરાંકન : રિષભ મહેતા

.

સ્વર : અન્વેષા
સ્વરાંકન : નયનેશ જાની

.

સ્વર : રેખા ત્રિવેદી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલ્બમ : સંગત

.

સ્વર : શિવાંગી દેસાઈ
સ્વરાંકન : અમર ભટ્ટ

.

સ્વર : માલિની પંડિત
સ્વરાંકન : પરેશ નાયક

.

આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ….

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં;

આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ ,
આંગળિયું ઑગળીને અટકળ થઇ જાય
અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ…
– વિનોદ જોશી