પ્રસ્તાવના : ચિંતન નાયક
ધોમ ધખતા ગ્રીષ્મ વચાળે પણ મળવાનું મન થાય એવો રંગીલો ગુલમ્હોર ખિલ્યો છે. અને મનમાં, મળવાનો ઊમળકો એટલો તો ઉભરાય છે, કે ગુલમ્હોરની એકાદ ડાળખી તો નહીં, એકાદ શેરીયે નહીં… પણ આખું ગામ ભરાય એમ ફૂટ્યા છે લાલમલાલ ફૂવારા…
એવા ગુલમ્હોરને ગામ મળીશુ એવો અદમ્ય વિશ્વાસ પ્રેમીના અંતરમાં અકબંધ છે.
વારેવારે ખોવાવું ને વળીવળીને મળવું, એની એક આગવી મજા છે. જો થોડીથોડી વારે એકબીજાથી જરા દુર ન થવાય, વિરહની સદિઓ સમી લાગતી જરા અમથી પળ પણ અનુભવવા ન મળે, તો એવા મળવામાં મજા પણ શી? અને મળીયે ત્યારે ટીપુ કે સરોવર કે દરિયો ભરીએ એમ નહીં, પણ આંખ ભરીને મળવું… હૈયામાં હૈયુ એક કરી ઓગળવું…
સ્વર : પરેશ નાયક, માલિની પંડિત નાયક
સ્વરાંકન : પરેશ નાયક
(ગુલમહોર ને ગામ………. Photo: ksklein)
.
ગુલમહોર ને ગામ આપણ મળવાનાં
હવે હોવું રાધા-શ્યામ આપણે ઝળહળવાનાં…
રંગ-ગુલાલી પગલાં વીણતાં ખોવાવું ને જડવું
સખી, શાને પળમાં મળવું ને પળમાં ટળવળવું?
હવે ભીંજે આખું ગામ એટલું ઝરમરવાનાં
શ્યામલ સાળુ અવની ઓઢે, આંખ ભરીને મળવું
કાંઠાનાં બંધનને ભૂલી એક થઇ ઓગળવું
હવે તટના છૂટ્યા નામ, વહેણની વચ મળવાનાં
– તુષાર શુક્લ