આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે. (આભાર – લયસ્તરો.કોમ)
લગભગ ૨ વર્ષ પહેલા (Nov 16, 2009) ફક્ત શબ્દો સાથે પ્રસ્તુત કરેલ આ ગીત – આજે ગૌરાંગભાઇના અદ્ભૂત સ્વરાંકન સાથે ફરી એક..! ગમશે ને? 🙂
અને હા, આ ગીતની સાથે જ યાદ આવે, એવું રમેશ પારેખનું બીજું એક ગીત છે :
હાથીમતીનું પાણી રમતું પરપોટો પરપોટો,
છાનો છપનો મેં તો એનો પાડી લીધો ફોટો.
થોડા દિવસમાં એ ગીત પણ ચોક્કસ સંભળાવીશ..! પણ એ ગીત સાથે મુકવા માટે કવિ શ્રી રમેશ પારેખે પાડેલો ફોટો મારી પાસે નથી. કવિ શ્રી ની જેમ જ તો તમે હાથમતી નદીનો છાનો છપનો કોઇ ફોટો પાડી લીધો હોય, અને ટહુકોના મિત્રો સાથે વહેંચવાની ઇચ્છા હોય, તો એ ફોટો મને મોકલશો?