Category Archives: હરિને સંગે

નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો – દયારામ 

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે  

.

નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો , વસે વ્રજલાડીલો રે!
જે રે જાયે તે ઝાંખી પામે જી રે! 
ભૂલા ભમે તે બીજા સદનમાં શોધે રે, હરિ ના મળે એકે ઠામે રે !

સત્સંગદેશમાં ભક્તિનગર છે રે, પ્રેમની પોળ પૂછી જાજો રે! 
વિરહતાપપોળીઆને મળી મહેલે પેસજો રે, સેવાસીડી ચડી ભેળા થાજો રે! 

દીનતાપાત્રમાં મનમણિ મૂકીને ભેટ ભગવંતજીને કરજો રે! 
હુંભાવપુંભાવ નોછાવર કરીને રે શ્રીગિરિધરવર તમો વરજો રે !

એ રે મંડાણનું મૂળ હરિઈચ્છા રે, કૃપા વિના સિદ્ધ ન થાયે રે! 
શ્રીવલ્લભશરણ થકી સહુ પડે સહેલું રે, દૈવી જન પ્રતિ દયો ગાયે રે !  
– દયારામ

ગોદ માતની ક્યાં? – ચંદ્રકાન્ત શેઠ

મા’ની ગેરહાજરીમાં ’મા’નું મહિમા ગાન છે આ ગીતમાં.
રાગ મધુવંતી અને શિવરંજનીનું સંયોજન અચાનક સ્વરાંકનમાં આવી ગયું. સ્વરનિયોજન થઈ ગયું પછી સપ્તકના એક કાર્યક્રમ દરમિયાન કોઈ કલાકારે આ સંયોજનનો રાગ મધુરંજની વગાડેલો તેવું યાદ છે.
અર્વાચીન ગુજરાતી કવિતામાં આ વિષય પર સૌ પ્રથમ દલપતરામની ભુજંગી છંદમાં કવિતા છે-
‘મહા હેતવાળી દયાળી જ મા તું’
દામોદર ખુશાલદાસ બોટાદકરની કવિતા
‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ સૌને યાદ છે જ.
રમેશ પારેખનું ‘નમાયા બાળકનું ગીત’ છે-
‘જો દરિયો મારી મા હોત તો મારે પણ મા હોત
કોઈ અમસ્થા પાણીના પડછાયા ભીની બકી કરત પાંપણમાં
કદીક મારી ડૂબી જવાની હોનારતને માટે મીઠી નદી હોત કારણમાં
અંદર મા નો છાલક છાલક સાદ બહાર વરસાદ હાથમાં જળબંબોળા હોત
તો પંખીઓ અહીંયા મારી આંખ મૂકીને ઊડી ગયાં ન હોત
જો દરિયો મારી મા હોત તો મારે પણ મા હોત‘
કવિ ચંદ્રકાન્ત શેઠનું આ ગીત (આજે ખાસ)સાંભળો.
-અમર ભટ્ટ
 
સ્વર: ઓસમાણ મીર 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ?

રસ્તો મળશે, રાહી મળશે,રાહત  માની કયાં ?
ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ?

પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?
સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ?

હાજર હાથ હજાર હોય,પણ છાતી માની કયાં ?
બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?

ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?

– ચંદ્રકાન્ત શેઠ

હું મારી મરજીમાં નૈ – રમેશ પારેખ 

સ્વર: ઐશ્વર્યા મજમુદાર 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે
 

.

સ્વર: હિમાલી વ્યાસ-નાયક
આલ્બમ: સંગત

.

હું મારી મરજીમાં નૈ ‘હરિજી, મુંને એવી મોહાડી ગયા, સૈ 

હું શું વરસું? હું શું રેલું? હું શું ઢોળું, તિયાં ?
મન મારું એક જળનો ખોબો – જગજીવન પી ગિયા 
– સાટામાં મને સતપત ઉજાગરાઓ દૈ.

મીરાં કે પ્રભુ, રમવા આજ્યો ઉતાવળા રથ જોડી
 હું અરધી ચોપાટે પટમાં પડી રહેલ કોડી 
– ખોબામાં તમે ઢાંકો, રમાડો મુંને લૈ.

– રમેશ પારેખ 

દરદ ન જાણ્યાં કોય -મીરાંબાઈ

સ્વર: ગાર્ગી વ્હોરા 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

હે રી મ્હાં દરદે દીવાણી મ્હારાં દરદ ન જાણ્યાં કોય
ઘાયલ રી ગત ઘાઈલ જાણ્યાં, હિવડો અગણ સંજોય 
મ્હારાં દરદ ન જાણ્યાં કોય

દરદ કી માર્યાં દર દર ડોલ્યા બૈદ મિલ્યા નહિં કોય 
મ્હારાં દરદ ન જાણ્યાં કોય

મીરાં રી પ્રભુ પીર મીટાંગા જબ બૈદ સાઁવરો હોય 
મ્હારાં દરદ ન જાણ્યાં કોય
-મીરાંબાઈ 

અષાઢે – ઉશનશ 

સ્વર: ઓસમાણ મીર 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી… અષાઢે તણખલું ના તોડીએ જી.

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી…. અષાઢે તણખલું ના તોડીએ જી.

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી…. અષાઢે તણખલું ના તોડીએ જી.

–ઉશનસ્

પ્રભુ, મારી અંધારી રાત્યુંને – સુંન્દરમ 

સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય  
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી,
મારી અંજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણજી. – પ્રભુ મારી.

પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાંજી,
મારા વગડાને દેજો એનાં ઝાડ,
કે ધરતીને દેજો એનાં આભજી. – પ્રભુ મારી.

પ્રભુ, મારી ચણને દેજો રે ચણનારજી,
મારાં પાણીડાંને દેજો એનાં તીર,
કે સમંદરને દેજો એના લોઢજી. – પ્રભુ મારી.

પ્રભુ, મારા આંગણાને દેજો એનાં બાળુડાંજી,
મારા ગોંદરાને દેજો રે તળાવ,
કે ગાયોને દેજો એનાં દૂધજી. – પ્રભુ મારી.

પ્રભુ, મારા મનડાને દેજો એના માનવીજી,
મારા દિલડાને દેજો એનું દિલ,
કે આતમાને દેજો એના રામજી. – પ્રભુ મારી.
– સુન્દરમ

હરિ! આવો ને!  – કવિ નાનાલાલ

સ્વર: ઐશ્વર્યા મજમુદાર 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

હરિ! આવો ને 
 
આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવો ને!
આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવો ને;
આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ! આવો ને!

આ ચંદરવો કરે ચન્દની, હરિ! આવો ને;
વેર્યાં તારલિયાના ફુલ; હવે તો હરિ! આવો ને!
પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ! આવો ને!

આ જળમાં ઉઘડે પોયણાં, હરિ! આવો ને;
એવા ઉઘડે હૈયાના ભાવ; હવે તો હરિ! આવો ને!
આ માથે મયંકનો મણિ તપે, હરિ! આવો ને;
એવા આવો જીવનમણિ માવ ! હવે તો હરિ! આવો ને!

આ ચંદની ભરી છે તળાવડી, હરિ! આવો ને!
ફૂલડીયે બાંધી છે પાજ; હવે તો હરિ! આવો ને!
આ આસોપાલવને છાંયડે, હરિ! આવો ને;
મનમહેરામણ, મહારાજ! હવે તો હરિ! આવો ને.

મ્હારે સુની આયુષ્યની શેરીઓ, હરિ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવો ને.
મ્હારા કાળજ કેરી કુંજમાં, હરિ! આવો ને;
મ્હારા આતમ સરોવરઘાટ; હવે તો હરિ! આવો ને.
-કવિ નાનાલાલ

(માવ: પતિ, સ્વામી, વ્હાલમ ; પાજ: પાળ, સેતુ )

હળવે હળવે હળવે હરજી -નરસિંહ મહેતા

સ્વર: ગાર્ગી વ્હોરા
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે

.

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે,
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે…

કીધું કીધું કીધું મુજને કાંઈક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે…

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઈ ફૂલી રે…

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે….

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈયાનો સ્વામી રે…

-નરસિંહ મહેતા

સાધો, હરિ સંગે હરીફાઈ – હરીશ મીનાશ્રુ

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે

.

સાધો, હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ…. સાધો…

હારી જઈશું તો ઈડરિયો
…..ગઢ ધરશું હરિચરણે,
કામદૂધા દોહી દોહી
……હરિરસ ભરશું બોધરણે….
ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ…. સાધો….

અનંતની ચોપાટ પાથરી
…….હરિએ ફેંક્યા પાસા,
અમે જીત્યા તો ઢોલ વજાડો
……. હરિ જીતે તો ત્રાંસા.
છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ…. સાધો…

– હરીશ મીનાશ્રુ

‘હરિને સંગે’ – અગસ્ત્ય ફાઉન્ડેશન (અમર ભટ્ટ) ના નવા આલ્બમનું લોકાર્પણ – મે ૩, ૨૦૧૪ (અમદાવાદ)

અગસ્ત્ય ફાઉન્ડેશન દ્વારા નિર્મિત આપણી ભાષાની, આપણને અંદરથી અજવાળતી કેટલીક કવિતાઓની સંગીતમય પ્રસ્તુ તિનું આલબમ ‘હરિને સંગે’ કવિ શ્રી ચંદ્રકાંત શેઠ અને પદ્મશ્રી ડો.કુમારપાળ દેસાઈ દ્વારા તારીખ ૩/૫/૨૦૧૪ ને શનિવારે વિશ્વકોશ ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન વિમોચિત થશે.

વાનકુવર કેનેડા સ્થિત ડૉ.રાજેશ દેસાઈ અને ડૉ.સુરેન્દ્ર પટેલની ઈચ્છાથી આ આલબમ તૈયાર થયું. ડૉ.સુરેન્દ્ર પટેલનાં માતુશ્રીનું અવસાન થયું એ પછી મા સરસ્વતીની સેવા થાય અને કૈંક અવનવું કામ થાય એમાં એમને પોતાનું યોગદાન આપવું હતું. એમના પરમ મિત્ર ડૉ.રાજેશ દેસાઈએ વિચાર આપ્યો કે ફિલસૂફીથી ભરપૂર આપણો ભવ્ય સાહિત્યિક વારસો સાંગીતિક સ્વરુપે રજૂ થાય અને આદ્ય કવિથી અત્યાર સુધીના કવિઓની કવિતા જો ગવાઇને રેકોર્ડ થાય તો એક અદ્ભુત દસ્તાવેજ તૈયાર થાય. એમના સૂચનથી અમર ભટ્ટે આ આલબમ તૈયાર કર્યું છે. એનઆરઆઈઓના માતૃભાષાપ્રેમનું અને સંસ્કૃ તિપ્રેમનું આ ઉત્તમ ઉદાહરણ છે.

photo

સાચી કવિતા આપણાં ચિત્તને ઉજાગર કરે જ છે. અહીં આદ્ય કવિ નરસિંહથી લઈને અનુઅધુનિક કવિઓએ રચેલી કેટલીક દિલમાં દીવો પ્રગટાવે એવી કવિતાઓની સંગીતમય રજૂઆત છે. મધ્યકાલીન કવિઓમાં નરસિંહ, મીરાં,દયારામ- પંડિત-ગાંધીયુગનાં કવિઓમાં ન્હાનાલાલ, સુન્દરમ, ઉશનસ, આધુનિક કવિઓમાં ચંદ્રકાંત શેઠ અને રમેશ પારેખ અને અનુઅધુનિક કવિઓમાં હરીશ મીનાશ્રુ અને મિસ્કીન છે. પસંદ કરાયેલાં કાવ્યોમાં સામાન્ય તાર- ‘કોમન થ્રેડ’ એ આધ્યાત્મિક સંસ્પર્શ કે પરમ તત્ત્વનો સંદેશ કે એની સાથેનું અનુસંધાન છે. સ્વરાંકન- સંકલન અમર ભટ્ટનાં છે. પુરુષોત્તમ ઉપાધ્યાય,ઓસમાણ મીર,અમર ભટ્ટ, ગાર્ગી વ્હોરા અને ઐશ્વર્યા મજમુદારે આ રચનાઓ ગાઈ છે. તમામ રચનાઓ એક જ સૂરમાં- સ્કેલમાં રેકોર્ડ કરવામાં આવી છે, જે આલબમ પાછળનો મધ્યવર્તી વિચાર વ્યક્ત કરે છે. આલબમનો કવર ફોટો વકીલ અને સુખ્યાત ફોટોગ્રાફર દિવ્યેશ સેજ્પાલનો છે,જે પણ આ વિચારને આગળ કરે છે.

‘હરિને સંગે’ શીર્ષક નરસિંહ મહેતાના અમર પદ ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે’ માંની આ પંક્તિમાંના શબ્દોમાંથી લેવાયું છે -‘જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે’. કબીરપંથી કવિ હરીશ મીનાશ્રુના આ પદના શબ્દો જુઓ- ‘સાધો, હરિ સંગે હરીફાઈ’- હરિ સાથેની હરીફાઈમાં અંતે કોણ જીતે? ઈન્ટરનેટ ઉપરથી મીરાંનું આ પદ મળ્યું-‘ હેરી મ્હાં દર્દે દિવાની,મ્હારાં દરદ ન જાણ્યાં કોય’, જેનું સ્વરાંકન રાગ દેશી ઉપર આધારિત છે. સુંદરમની રચના ‘પ્રભુ મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી’ ભજની દીપચંદી ઠેકામાં છે. અનુઆધુનિક કવિ મિસ્કીનની આ રચના ‘દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે’માં પરમ તત્ત્વને પામવા ભીતર પ્રવેશવાની વાત ગઝલના સ્વરુપમાં છે, જે રાગ ભટિયાર પર આધારિત છે.દયારામની રચના ‘નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો’ પણ અનોખા અંદાજમાં રજૂ થઇ છે. કવિ ન્હાનાલાલની રચના-‘હરિ આવોને’માં હરિને આવવા માટેનું ઇજન છે,જેનું તાલનું વજન ગરબા સ્વરુપનું છે. કવિ રમેશ પારેખે મીરાંની મનોદશામાં પહોંચીને આપેલા કાવ્યસંગ્રહ ‘મીરાં સામે પાર’નું ગીત ‘હું મારી મરજીમાં નૈ, હરિજી મુંને એવી મોહાડી ગયા સૈ’, માટે પણ જુદા જ વજનવાળો ઠેકો ઉપયોગમાં લીધો છે. કવિ ઉશનસના આ ગીતમાં,તળપદા શબ્દોમાં, જિંદગીનો સંદેશ છે- ‘અષાઢે તણખલું ના તોડીએ જી, આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી, પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી’. કવિ ચંદ્રકાંત શેઠના ગીત ‘ગોદ માતની ક્યાં?’ ‘મા’ની ગેરહાજરીમાં એનું મહિમાગાન છે. બોટાદકરની પ્રખ્યાત રચના- જનનીની જોડ સખી નહિ જડે રે લોલ- ના જેવી જ સક્ષમ આ રચના છે. તબલાંના તાલ વગર પણ લય સાથે એનું સ્વરાંકન આંખો,મન, હૃદય જરુર ભીનાં કરશે.

Attachment-1

વાદ્યસંગીતનિયોજન અમિત ઠક્કરે ભાવાનુરુપ કર્યું છે. આજકાલ વાદ્યોનો ‘સિન્થેટીક સાઉન્ડ’ સાંભળવા મળે છે ત્યારે અહીં મૂળ વાદ્યો વપરાયાં છે. તાલવાદ્યનો પણ વૈવિધ્યસભર ઉપયોગ સંજય સેજ્વલકરે કર્યો છે.

ટૂંકમાં, સંગીતનું કામ શાંતિ આપવાનું છે એ પાયાની વાતનો ખ્યાલ આ આલબમમાં રખાયો છે. રસિક ભાવકોને આ આલબમ જરુર સંતર્પક લાગશે.