Category Archives: એ.આર.ઓઝા

સરવરના ઘાટ માથે પૂનમની રાત રે – અવિનાશ વ્યાસ

સ્વર – આશા ભોસલેં, એ.આર.ઓઝા
ગીત-સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – પરણેતર (૧૯૫૧)

સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

રઢીયાળી રાત માથે તારલાની ભાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

નાવલિયા તને નિરખી
મારે નૈને નર્તન જાગે
ઉરના સથવારે ઓ સજની
વીણા હૃદયની વાગે

હાથોમાં હાથ સાથે
મનને ગમતો નાથ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

દૂર દૂર ડુંગરની કોરે
ટહુકે મીઠો મોર
ટહુકે જીવનવનમાં કોયલ
કાળજડાની કોર

વગડાની વાટ માથે હીંડોળા ખાટ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

– અવિનાશ વ્યાસ

(ગીતના શબ્દો માટે આભાર – માવજીભાઈ ડોટ કોમ)

અમે મુંબઈના રહેવાસી – અવિનાશ વ્યાસ

સ્વર – ગીતા રોય, એ.આર. ઓઝા, ચુનિલાલ પરદેશી
ગીત-સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – મંગળફેરા (૧૯૪૯)

The Lost Mumbai .. Picture from Discover India

અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
ચર્નિરોડ પર ચંપા નિવાસમાં, રૂમ નંબર નેવાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

પેટલાદમાં પિયર મારું, સાસરું સુરત શહેર
વર ને વહુ અમે મુંબઈ રહેતા, કરતાં લીલા લહેર
મોકલ્યા સાસુ-સસરા કાશી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

સાડી પહેરી શોપિંગ કીધું, પાઈનેપલનું પીણું પીધું
બીલના રૂપિયા બાકી રાખ્યા ઉધાર પેટે પંચ્યાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

હું ગાડાનો બેલ !
શાકભાજી, દાતણ લઈ આવું, લાવું તલનું તેલ
હું પરણ્યો પણ સંન્યાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

પગાર રૂપિયા પંચોત્તેરમાં સાડી શેં પોષાય
મોદી ભૈયો ધોબી ઘાટી પૈસા લેવા ધક્કા ખાય
મને થઈ ગઈ થઈ ગઈ ખાંસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

રામા,
રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું
રાંધી નાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું
કાલના ભજિયા તળજે વાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા
ઐતવારચી સૂટી પાઈજે, નહિ કામ કરાયચી વેળા
આજ માઝી મરૂન ગેલી માઉસી !
લો બોલો
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

વ્હાલે વિપદ આ શું કાઢી, રામા તું ન જાતો નાસી
નહિ તો મારે વાસણ ઘસતાં, રહેવું પડશે ઉપવાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

– અવિનાશ વ્યાસ

(આભાર – માવજીભાઇ.કોમ)

રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ

ક્યાં અને ક્યારે એ તો યાદ નથી, પણ કશે તો મેં આ શબ્દો વાંચ્યા/સાંભળ્યા છે – અવિનાશ વ્યાસની કલમે બીજા કોઇ ગુજરાતી ગીત ન લખાયા હોત, તો પણ એક ‘રાખના રમકડા’ ગીતની રચનાએ એમને ગુજરાતી કાવ્ય-સંગીત જગતમાં અમર બનાવ્યા હોત.

તો એ અમર રચના – આજે મુળસ્વરૂપ સાથે ફરી એકવાર…

સ્વર : ગીતા દત્ત, એ.આર.ઓઝા

.

———————–

Posted on April 18, 2007

ઘણા વખત પહેલા મોરપિચ્છ પર મુકાયેલું આ ગીત આજે સંગીત સાથે ફરી એક વાર રજુ કરું છું
સંગીત : શ્રી અવિનાશ વ્યાસ ( જન્મ : તા. 21 જુલાઇ, 1911 )

સ્વર : આશિત દેસાઇ

.

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

———————————

ફરમાઇશ કરનાર મિત્ર : દેવેન નાયક