મારા લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
મારા દાદાનું દીધેલું લે’રિયું રે બાઈ,
મારી માતાની બાંધેલ લાંક હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
શું રે કરું તારા ડાબલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
શું રે કરું તારાં બેડલાં રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
સામી ઘોડાહારે ચાર ઘોડલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
શું રે કરું તારા ઘોડલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
નણદી લઈને અદીઠડાં થાવ હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
નણંદ-ભોજાઈ અને લે’રિયાની લૂંટાલૂંટની મજા…
તમે મારે ત્યાં જાન લઈને આવ્યા છો. ને કન્યા પક્ષના હોવાના નાતે વાંકા વળીને તમારું સ્વાગત કરવાના બદલે હું હજાર માણસોની હાજરીમાં તમને ગાળો ભાંડું છું. મારી દીકરીના થનારા સાસુ-સસરાથી લઈને જેઠ-જેઠાણી, દિઅર-દેરાણી, નણંદ-નણદોઈ બધાને હું અપશબ્દોથી વધાવું છું અને જાનૈયાઓ ગુસ્સે થઈ ચાલ્યા જવાના બદલે ખડખડાટ હસે છે, મજા લ્યે છે અને વળતી રોકડી મને ને મારા ઘરવાળાંઓને ચોપડાવે છે. નજરોનજર જોયું ન હોય તો આ વાત કોણ માને? પણ હા, એ હકીકત છે કે પ્રસંગોપાત ગાવામાં આવતાં આવાં
ફટાણાં અને અન્ય પ્રકારનાં લોકગીતો આપણને આવી વિશિષ્ટ પ્રકારની જાહેર સગવડ પૂરી પાડે છે. લોકગીત એટલે સમાજનો ખરો પડઘો. કવિની કવિતા ઘણીવાર કળાના રસ્તે ચડીને ગુમરાહ થતી પણ દેખાય પણ લોકગીત એટલે તો સાંપ્રત સમયનો સીધો અરીસો જ. સભ્ય સંસ્કૃતિની થોડે બહારના વર્તુળમાં આદિમ જીવન વ્યતીત કરતા લોકો પોતાના દુઃખસુખ, મસ્તી-મજાક, રીતરિવાજ અને સામાજિક પ્રસંગો કે દિનબદિનની ઘટમાળના નાનાવિધ રંગોને લયમાં ઢોળીને જે બહુઆયામી ચિત્ર ઊભું કરે એ લોકગીત. આજે આપણે આવા જ એક લોકગીતની વાત કરવાની છે.
લોકસાહિત્યની પરંપરા બહુ જૂની છે. માણસમાત્રને અભિવ્યક્ત થવાની ઝંખના હોય જ. અને માણસ જાત માટે એની બોલી એ અભિવ્યક્તિ માટેનું ઉત્તમ સાધન છે. એટલે જ કોઈપણ ભાષામાં બોલાતા શબ્દનું આયુષ્ય લખાતા શબ્દ કરતાં સેંકડો-હજારો વર્ષ વધારે જ હોવાનું. બોલીનો ઇતિહાસ લિપિના ઇતિહાસ કરતાં
કંઈ કેટલોય જૂનો હોવાના કારણે સદીઓની સદીઓ સુધી સાહિત્યનું વહન મુખપાટીએ થતું રહ્યું. આપણે ત્યાં સમાજમાં ચલણી આવા ગીતો પહેલાં કંઠસ્થ મુખપાટીના ગીતો કે દેશજ ગીતો તરીકે ઓળખાતાં. પણ હવે લોકગીત શબ્દ સર્વસ્વીકૃત થઈ ગયો છે. આમ, જેનો કોઈ નિશ્ચિત રચનાકાર ન હોય અને જે સમાજના લોકોમાં મોઢામોઢ ચાલતું આવ્યું હોય અથવા પુરાતન હસ્તપ્રતોમાંથી જડી આવ્યું હોય એ લોકગીત એમ કહી શકાય. લોથલમાંથી મળી આવેલા અવશેષો પરથી સમજી શકાય છે કે આપણે ત્યાં વેદસાહિત્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંથી દેશજ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હશે. શરૂઆતનું આ સંસ્કૃત સાહિત્ય ક્રમશઃ પ્રાકૃત ભાષામાં, પછી અપભ્રંશ ભાષા અને એમ શિષ્ટ ભાષામાં પલટાતું ગયું. લોકોએ રચેલાં અને લોકો દ્વારા કંઠોપકંઠ પેઢી દર પેઢી વહેતાં રહેલાં આ પદ્યસાહિત્યનું ‘લોકગીત’ નામાભિધાન તો છેક ઈ.સ. ૧૯૦૫ની સાલમાં રણજીતભાઈ વાવાભાઈએ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં અંગ્રેજી કાવ્યપ્રકાર Folk-song પરથી કર્યું હતું. જે સમય સાથે સહુએ સ્વીકારી લીધું. લોક શબ્દ મૂળે સંસ્કૃત ‘लोकृ’ ધાતુ પરથી જન્મ્યો છે, જેનો અર્થ છે ‘જોવું’, ‘જાણવું’, જેના પરથી ‘લોક’ અર્થાત્ ‘જોવાવાળો.’ ઋગ્વેદ અને ઉપનિષદોમાં ‘લોક’ શબ્દનો ઉપયોગ ‘સામાન્ય જનતા’ના અર્થમાં અવારનવાર થયેલો જોવા મળે છે. ભગ્વદગીતામાં પણ ‘લોકસંગ્રહ’ શબ્દ વાપરવામાં આવ્યો છે:
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः।
लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि।।3.20।।
સવારે ઊઠવાનું થાય ત્યાંથી સાંજે પથારીભેગા થવાનું થાય એ બે છેડાની વચ્ચે દિવસ જે જે વસ્તુઓ જુએ છે એ તમામ લોકગીતનું વસ્તુ બની રહે છે. જનમ-મરણ-પરણ, પ્રણય-પરિણય, રુસણાં-મનામણાં, વૈધવ્ય, ગરીબી, ખેતી, શ્રમ, યાત્રા, પ્રશસ્તિ, ઋતુચક્ર, પ્રભુભક્તિ – જીવનના બધા જ રંગ લોકગીતોમાં જોવા મળે છે. ઠઠ્ઠામશ્કરી કરતાં કરતાં હળવા હૈયે આવેલ પ્રસંગને ઉકેલવામાં લોકગીત મદદરૂપ નીવડે છે. શીરાની જેમ ગળે ઉતરી જાય એવા લય અને લહેકાની ગૂંથણીવાળી પ્રબળ પ્રવાહિતા લોકગીતનું જમા પાસું છે. તો એકવિધતા, નિંદા કે પ્રશસ્તિનો અતિરેક ક્યારેક એની ઉધાર બાજુ પણ બની રહે છે. જાડી ભાષામાં એમ કહી શકાય કે કવિતા અને લોકગીતની વચ્ચે આમ જોવા જઈએ તો ડાયરી અને અખબાર જેવો ફરક હોઈ શકે. કવિતા કવિની અંગત અનુભૂતિ ઝીલે છે જ્યારે લોકગીત પ્રવર્તમાન સમાજની સામૂહિક ચેતનાને પ્રતિબિંબિત કરે છે. લોકગીતની ભાષામાં કાવ્યતત્ત્વ ઓછું અને તળપદી ભાષાનો કાકુ વધુ પ્રબળ જોવા મળે છે. આ બોલચાલની ભાષા છે અને વળી એ અકૃત્રિમ છે. લાગણીની સહજ અભિવ્યક્તિ અને પ્રાદેશિક લઢણની સ્વાભાવિક્તા આમાં સાંગોપાંગ ઊતરી આવે છે. અભણ લોકો જિંદગીની પાઠશાળામાં જે ભણે એ છે લોકગીત. ક્યારેક અતિવિસ્તારના કારણે અહીં ભાવવિશ્વ પાતળું બનતું અનુભવાય છે તો ક્યારેક લોકગીત ગણીને આગળ ચાલ્યા જવામાં કાવ્યતત્ત્વ ચૂકી જવાનો ભય પણ રહેલો છે. ભગ્વદ્ગોમંડલ ‘લોકગીત’ વિશે લખે છે: ‘ગાથા
અથવા ભજનોના રૂપમાં આવિર્ભાવ પામેલું સાહિત્ય. તેમાં મંદિરો વગેરે ધર્મસ્થાનોમાં
ગવાતાં ભજનો અને કીર્તિનો તથા જાગરણ, મોળાક્ત
વગેરે પ્રસંગે શેરીમાં ગવાતા વિનોદપ્રદ ગીતોનો સમાવેશ થાય છે. મરસિયા કે રાજિયા
વગેરે શોકપૂર્ણ ગીતો તથા ભાટ, ચારણ, વહીવંચા, ગઢવીના
દુહા, કવિત તથા રાસ જેવાં ઐતિહાસિક ગીતો પણ તેમાં
સમાવિષ્ટ થાય છે. માળવા, રજપૂતાનામાં
ગવાતા માંડ, મેવાડામાં ગવાતા મેવાડા, બનારસમાં વરસાદના દિવસોમાં ગવાતા કજ્જલી, આગ્રા તથા મથુરામાં ગવાતાં રસિયા, બંગાળામાં એક જ ઢબથી ગવાતાં કીર્તનો અને ગુજરાતમાં
ગુજરાતણોના ગરબા આ બધાં લોકગીતોના જુદા જુદા પ્રકારો છે.’
લોકગીતો વિશે આટલી વાત કરી લીધા બાદ આપણે પ્રસ્તુત ગીત તરફ વળીએ. નાયિકા તાજી પરણીને સાસરે આવી છે અને એનું મનગમતું લહેરિયું સાસરિયાં લૂંટી લેવા ટાંપીને જ બેઠાં છે એવી અહીં વાત છે. લહેરિયું, લે’રિયું કે
લેરીયું એટલે વાંકડિયા લીટાની કે મોજાંની ભાતવાળો સાલ્લો. દરિયાની લહેર ઉપરથી એના જેવી ભાતવાળી સાડી લહેરિયું કહેવાઈ. વહુ પરણીને આવે ત્યારે ‘આણું’ પાથરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે, જેમાં મા-બાપે કરિયાવરમાં જે કંઈ આપ્યું હોય એ બધી જ વસ્તુઓને સાસરિયાંઓના જોવા કાજે પ્રદર્શિત કરવામાં આવે છે. કન્યાના મા-બાપની આર્થિક પરિસ્થિતિનો અહીં તાગ પણ મળે છે. આણાં વખતે એક રિવાજ મુજબ કન્યાની નણંદ એને મનગમતી કોઈપણ એક સાડી ઊઠાવી લે છે, જે એની કાયમી માલિકીની થઈ જાય છે. કન્યાને ગમે એટલી વહાલી કેમ ન હોય, નણંદ આણાંમાંથી ઊઠાવે એટલે મને-કમને એનો ત્યાગ કરવો જ પડે. સાસરિયાં પક્ષની તાકાત અને જોહુકમીનો કન્યા માટે આ પ્રથમ અનુભવ અને સ્વીકાર છે. ટૂંકમાં, આ રિવાજ નણંદની દાદાગીરીનો દસ્તાવેજ છે, જેના પર મતું મારવું કન્યા માટે ફરજિયાત છે. હવે જો કે આ રિવાજ ભૂંસાવા માંડ્યો છે.
આમ તો આખા સાસરિયામાં માત્ર નણંદ જ પારંપારિક
હકથી લહેરિયું માંગી રહી છે. એક
સાડી આપવી જ પડવાની છે એ વાતથી નાયિકા અજાણેય નથી. ને તે છતાંય એટલામાંય નાયિકાને લૂંટાલૂંટ મચી ગઈ હોવાનું જણાય છે. આટલા પરથી લહેરિયું એને કેટલું પ્રિય છે એ સમજાય છે અને કેમ પ્રિય છે એનો જવાબ આગળ જતાં આવે છે. લોકગીતના ‘ઉપાડ’ કે શરૂઆતને ગીતનું ‘થડ’ કહે છે. મધ્યભાગને ‘પેટાળ’ કહે છે જેમાં સંવાદ, સંઘર્ષ કે આપત્તિનું નિરુપણ કરી મૂળ કથાતંતુના વેગને અંતિમ લક્ષ્યગામી બનાવાય છે. અને લોકગીતનું સમાપન એટલે ‘પીચ્છ’ કે ‘છેડો’. અહીં ગીતનો ‘ઉપાડ’ લીધા પછી ‘પેટાળ’માં સંવાદરીતિ પ્રયોજવામાં આવી છે, જ્યાં નવી પરણેલી ભાભી લહેરિયું કેમ આપી શકાય એમ નથી એના કારણો એક-એક કરીને રજૂ કરે છે અને જિદ્દી નણંદ કેમ લહેરિયું જ જોઈએ છે એનો પ્રત્યુત્તર વાળે છે. આ લહેરિયું કન્યાના દાદાએ આપેલું છે. ને વળી માતાએ એના પર લાંક યાને કે કોર બાંધી છે. આગળ જતાં
ગીતમાં ચાર-ચાર ચીજોની યાદી આવે છે. સામાન્ય સંજોગોમાં આણામાં મા-બાપ એક-એક ચીજ
મોકલાવે છે પણ અહીં ચારની સંખ્યા પિયર પક્ષની સમૃદ્ધિ નિર્દેશે છે. આવું
ભર્યું-ભર્યું આણું લઈ જે આવી હોય, એની પાસે તો સાડી પણ પેટારો ભરીને હોવાનો. એટલે
નણંદ એકાદી સાડી ઊંચકી લે એમાં કંઈ દુઃખ લગાડવા જેવું હોય નહીં. પણ આ લહેરિયું ખાસ
છે કેમકે દાદા લઈ આવ્યા છે અને માએ પોતાના હાથે પરવટ મૂકી છે. નાયિકા કહે છે કે ઘરમાં ચાર ખૂણે ચાર ડાબલા મૂક્યાં છે. એમાંથી જે ગમી જાય એ લઈ લેવાની છૂટ છે પણ લે’રીયું બક્ષી દે, બસ. નવોઢાને એના પિયરિયાં આણામાં ડાબલા આપે, જેમાં નકદ નાણું અને તેજાના ભર્યા હોય છે. તેજાના જીવનને સ્વાદિષ્ટ અને સુગંધસભર બનાવવાનું પ્રતીક છે તો પૈસો દુઃખેસુખે આર્થિક ભીડ ભાંગવામાં કામ આવે એ હેતુસર મૂકવામાં આવે છે. નવોઢાને પૈસા જેવા પૈસાનોય મોહ નથી, એ એનો લહેરિયાપ્રેમ દર્શાવે છે.
આગળ કહે છે, ચાર ખૂણે ચાર બેડલાં છે. જે પસંદ આવે એ તારું. બેડલું એટલે ઘડો-ગાગર કે હાંડો ને માણિયાની ઉતરડ. હાંડો એટલે મોટો દેગડો કે ગાગર અને માણિયો એટલે મણ જેટલું અનાજ કે પ્રવાહી ભરી શકાય એટલો મોટો ઘડો. એકની ઉપર એક ગોઠવવામાં આવે છે અને ભીતર ઘી અને અનાજ ભરવામાં આવે છે. ભાભી એની નણંદને એમાંથી જે પસંદ હોય એ લઈ લેવાની છૂટ આપે છે. નણંદ માનતી નથી તો વળી ઘોડાંની લાલચ આપે છે. ઘર સામની ઘોડારમાં પિયરથી આણાંમાં આવેલ ચાર-ચાર અશ્વો છે, એમાંથીય જે મનપસંદ હોય એ લઈ લેવા ભાભી નણંદને પ્રલોભન આપે છે. પણ નણંદ કંઈ કેડો મેલે એમ નથી. એનો જીવેય લેરીયામાંજ ભરાણો છે. આમેય માણસજાતનો મૂળ સ્વભાવ જ છે કે જે વસ્તુની ના કહેવામાં આવે એનું જ મન પહેલું થાય.
નણંદ બીજા કોઈ પણ જાતના પ્રલોભનોને વશ થતી નથી અને લહેરિયા પર જ ફેણ માંડીને બેઠી હોવાની ખાતરી થાય છે ત્યારે ભોજાઈ
નમતું જોખે છે. સાસરીની બળજબરી કેવી હોઈ શકે એ આ ગીત વડે સચોટ વર્ણવાયું છે. નાયિકાના ભાથામાં હવે કોઈ તીર બચ્યાં નથી. નણંદની માંગને તાબે થયા વિના હવે એનો છૂટકો જ નથી એ હવે એને સમજાઈ ગયું છે અને એ લેરીયું દેવા તૈયાર થઈ જાય છે. અને આ ‘પીચ્છ’ કે છેડો’ આ લોકગીતને ઉત્તમોત્તમ કાવ્યની પંગતમાં બેસાડે છે. નાયિકા નણંદને લહેરિયું હાથમાં આપવાના બદલે છણકો કરીને કહે છે કે સામી વળગણીએ લહેરિયું લટકી રહ્યું છે, એ જાતે જ લઈ લો અને અદીઠડા થઈ અહીંથી હાલતા થાવ. પિયરથી આણામાં આવેલું લહેરિયું એટલું તો વહાલું છે કે જીવ પર આવીને એનાથી જીવ છોડાવવાની ફરજ પડે છે તોય નાયિકા પોતાના હાથે એ નણંદને આપી શકતી નથી. એને ફરજ પડી છે એ અલગ વસ્તુ છે, બાકી જીવ તો હજીય ચાલતો જ નથી. એટલે એ હાથોહાથ આપવાના બદલે લહેરિયું ક્યાં મૂક્યું છે એ બતાવીને જાતતસ્દી લેવાનું નણંદને કહે છે. આટલું ઓછું હોય એમ એ એને અદીઠડાં થવાનુંય જણાવી દે છે. ‘અદીઠડાં’ શબ્દ જ કેટલો કાવ્યાત્મક છે! કવિતામાં જવલ્લે જ પ્રયોજાતા આ ‘અદીઠડું’ શબ્દનો આવો વિવેકસરનો ઉપયોગ શામળના દોહામાં નજરે પડે છે:
મારગ દીઠે સંચરે, તેમાં શો વિવેક;
પણ ચલાવીએ અદીઠડે, નિર્મળ તો એ નેક
લોકગીતોનો કોઈ એક સર્જક નથી હોતો. એનું સર્જન ટેબલ-ખુરશી કે ઘરમાં બેસીને થાય નહીં, એ તો પ્રસંગોપાત્ત લોકોની વચ્ચે જ રચતાં રચાઈ જાય અને એમાં રચનારનું કોઈ કર્તૃત્વ પણ હોતું નથી. ગીત જેવું રચાય કે તરત જ એ લોકોની માલિકીનું થઈ જાય. કવિતાની જેમ એ કાગળ પર નહીં પણ સીધું લોકોના દિલમાં જ લખાય છે અને પેઢી દર પેઢી ગળામાં સચવાતું રહે છે. આપણે ત્યાં લોકગીતોને સંગ્રહિત કરવાનું ભગીરથ કાર્ય ગામે-ગામ રખડી-રઝળીને ઝવેરચંદ મેઘાણીએ કર્યું. એમના મતે ‘લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય કૃતિઓ છે.’ લોકગીત એ સંઘોર્મિનું ગાયન છે અને એટલે જ સમય-સમયાંતરે લોકસમૂહ એમાં નવું ઉમેરતો પણ રહે છે અને જૂનું ક્યારેક વાઢતો પણ રહે છે. નણદલ અને લેરિ’યાંની વાત કરતા આ લોકગીતનું થોડા ફેરફારવાળું અન્ય એક સંસ્કરણ પણ હાથ જડે છે, જેમાં નણંદનો સંવાદ ભાભીના સંબોધન સાથે પ્રયોજાયો છે, એ પણ જોઈએ:
નણદલ માગે લે’રિયું રે બાઈ
નણદી, જે જોઈએ તે લ્યો રે… નણદલ…
મારા દાદાનું દીધેલું લે’રિયું રે,
મારી માતાની બાંધેલ લાંક હો… નણદલ…
ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
નણદી, સારે રાં જોઈ જોઈ લ્યો રે… નણદલ…
શું રે કરું તમારા ડાબલા રે ભાભી,
મને લે’રિયાની ઘણી ઘણી હામ હો… નણદલ…
ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ,
નણદી, સારે રાં જોઈ જોઈ લ્યો રે… નણદલ…
શું રે કરું તારાં બેડલાં રે ભાભી,
મને લે’રિયાની ઘણી ઘણી હોંશ હો… નણદલ…
સામી ઘોડા’રે ચાર ઘોડલા રે બાઈ,
નણદી, સારે રાં જોઈ જોઈ લ્યો રે… નણદલ…
શું રે કરું તારા ઘોડલા રે ભાભી,
મને લે’રિયું પહેર્યાની ઘણી હામ હો… નણદલ…
.
સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
નણદી લઈને અદીઠડાં થાવ હો… નણદલ…
હવે આ તો થઈ જે જમાનામાં શહેરો નહોતાં કે નહોતાં બરાબર હતાં એ જમાનાની વાત. હવે માનો કે આ જ ગીત આજના યુગના કોઈ કવિ લખે તો કઈ રીતે લખે? બેમાં શો ફરક પડે? તો ચાલો, આ સાથે ભાવનગરના કવયિત્રી નેહા પુરોહિતે આ ગીતની જમીન ઉપર જ રચેલું ગીત જોઈએ. સૌથી પહેલો તફાવત તો લંબાણનો નજરે ચડે છે. આજનો જમાનો ઝડપનો અને લાઘવનો છે. એટલે આજનું ગીત પહેલાંના ગીત કરતાં કદમાં ખાસ્સું મર્યાદિત છે. બીજું, આજનો માણસ પહેલાં કરતાં વધુ સાધનસંપન્ન થયો છે પણ સાથોસાથ એનો જીવ પણ ટૂંકો થયો છે. નફો ન થાય એવો વેપાર હવે ભાગ્યે જ કોઈ કરે છે. પરમાર્થની જગ્યા સ્વ-અર્થે ક્યારની પચાવી પાડી છે. કવયિત્રીના પોતાના જ શબ્દોમાં, ‘નણંદ માગે ને આધુનિક નાયિકા પોતાનું મનપસંદ લે’રિયું આપી દે ખરી?’ ન જ આપે… એમ કહી શકાય કે પ્રસ્તુત લોકગીત કવયિત્રીની પેઢી સુધીનું પ્રતિનિધિત્વ કરે છે, તો કવયિત્રીની આ રચના એમના પછીની પેઢીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજું, નાયિકા લેરિયું તો આપવા તૈયાર નથી જ પણ લેરિયાના બદલામાં નણંદને ડાબલો, બેડું, ઘોડો તો ઠીક, એકેય વસ્તુનું પ્રલોભન આપવા સુદ્ધાં તૈયાર નથી. ચોથું, આજે માનવી બુદ્ધિજીવી થયો છે. લે’રિયું ન આપવા માટે આજની વહુ એવા અદભુત કારણ રજૂ કરે છે કે પછી એના વરની બહેન લેરિયું માંગી જ ન શકે. એ કહે છે કે તારા ભાઈને જ આ લેરિયું એવું ગમે છે કે મેં એ પહેર્યું નથી કે એણે મને બાથમાં લીધી નથી. અને આ સિવાય લેરિયું ન દેવા પાછળનું સૌથી અગત્યનું કારણ તો એ છે કે એમાં વરવધૂની પ્રથમ રાતના સંભારણાં સાચવીને વીંટી રાખ્યા છે… માણીએ નેહા પુરોહિતની કલમે નવા જમાનાની વહુનું આ ગીત:
મારાં લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો.. નણદલ માગે લે’રિયુ રે બાઇ !
મારા દાદાનું વ્હોરેલ લેરિયું રે બાઇ ;
મારી માડીએ પાડી એમાં ભાત હો.. નણદલ માગે લે’રિયું રે બાઇ !
મારા વીરાએ દોર્યો એમાં મોરલો રે બાઇ ;
મારી ભાભીએ પૂર્યાં એમાં હીર હો… નણદલ માગે લે’રિયું રે બાઇ !
તારા વીરે વખાણેલ લેરિયું રે બાઇ ;
હું તો પે’રું ને ભરે મુંને બાથ હો… નણદલ માગે લે’રિયું રે બાઇ !
હું તો આપું નંઇ મારું લે’રિયું રે બાઇ ,
એમાં વીંટીને રાખી પે’લ્લી રાત હો… નણદલ માગે લે’રિયું રે બાઇ !
(પૂરક માહિતી: (૧) ગુજરાતનાં લોકગીતો – સં. ખોડીદાસ પરમાર, (૨)
ભમ્મરિયા કૂવાને કાંઠડે –સં. સુરેન ઠાકર ‘મેહુલ’)