૫ વર્ષ પહેલાં (એપ્રિલ ૨૦૦૯) મેં અહીંં લખ્યું હતું કે આ ગીત વાંચીને મને એનું સ્વરાંકન કરવાનું મન થઇ ગયું – પણ મને ક્યાં આવડે છે એવી કલા? એટલે મારે તો રાહ જ જોવી પડી..! પણ એ રાહ જોવાનું વ્યર્થ તો ન જ ગયું! ગયા મહિને ‘ટહુકો ફાઉન્ડેશન’ની ટોળકીએ સાન ફર્નાન્ડો વેલીમાં રમેશ પારેખના અને બીજા ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી – એમાં વિજયભાઇ ભટ્ટે આ ગીતનું કરેલું સ્વરાંકન – ખૂબ જ ભાવવાહી રીતે રજુ કર્યું.
અને વિજયભાઇનું સ્વરાંકન – એમના જ અવાજમાં અહીં માણો – વારંવાર એ સાંભળવું અને ગણગણવું ગમશે એની તો ૧૦૦% ગેરંટી.!!
**************
Posted on April 9, 2009
ગઇકાલે જે ‘સ્વરાભિષેક‘ આલ્બમની વાત કરી, એમાં એક રમેશ પારેખના ગીતની રજૂઆત પહેલા અમરભાઇ પાસે આ ગીતના થોડા શબ્દો સાંભળ્યા, અને ગીત એટલું તો ગમી ગયું કે તરત જ શોધવું જ પડ્યું..
આમ તો ગીતમાં ફાગણની વાત આવે છે.. પણ આવું સરસ ગીત તમારી સમક્ષ મુકવા માટે આવતા ફાગણ સુધી રાહ જોવાઇ? ચૈત્ર મહિનામાં પણ જાણે ફાગણના કાગળો રમેશ પારેખ નામનો ટપાલી આપણે ત્યાં નાખી ગયો એમ લાગશે…!! 🙂
આવા કેટલાય ગીતો વાંચીને ઘણીવાર એમ પણ થાય – જો મને સ્વરાંકન કરતા આવડતું હોય તો? તો આવા સુંદર શબ્દોને મેં પણ સંગીતમય બનાવ્યા હોત..! 😀
(સાવ રે સુક્કુ.. ..Goa_Wildernest Resort : by Vivek Tailor)
* * * * * * *
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ગઇકાલે જ નિલયભાઇએ આ ગીત યાદ કરાવ્યું – તો મને થયું કે આવા મઝાના ગીતનું અત્તર દેવામાં વાર શેની? ઘટડામાં ઘેન ભરતી આ કવિશ્રી બાલમુકુન્દ દવેની ગજબની દેન… માણો અને થાઓ અત્તરભીના…!!
******
અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.
હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ;
દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે
છોગાની ખોટ ખમી લીજીએ.
ઊભે બજાર લોક આવે હજાર, એની
ઝાઝી ના પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.
આઘેથી પગલાંને પરખી લઈએ, ને એના
ઉરની આરતને પ્રીછીએ;
માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ
નજરુંની ડૂબકી દીજીએ
આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને એવો
ફાયો સવાયો કરી દીજીએ;
રૂંવે-રૂંવે સૌરભની લેર્યું લહેરાય, એવાં
ઘટડામાં ઘેન ભરી દીજીએ.
અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.