ગઝલ – રમેશ પારેખ

ગઈકાલે ચંદ્રગ્રહણ જોયું? મારી દીકરીએ મને પુછ્યું કે મને ચંદ્રગ્રહણ જોવું કેમ ગમે છે? ત્યારે એવો વિચાર આવ્યો કે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, આપણી Solar system, દૂધગંગા… આ બધી વાતો મને યાદ કરાવે છે કે – મારા માટે જેની કલ્પના પણ શક્ય નથી એવડી મોટી આ દુનિયામાં મારું અસ્તિત્વ કેટલું?

રમેશ પારેખની આ ગઝલનો પહેલો શેર એવું જ કંઈક યાદ કરાવે છે!

કવિશ્રીની પુણ્યતિથિ એ એમને યાદ કરી આ ગઝલ માણીએ!

M

આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં

પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં

તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે
માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં

એનું કારણ શું કે મન ઝંખે સતત વરસાદને
એનું કારણ શું કે મન છોલાય છે વરસાદમાં

મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી
હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં

ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં

– રમેશ પારેખ

One reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *