‘શયદા’ની આ ગઝલના એક એક શેર પર આખેઆખા ગઝલસંગ્રહ કુરબાન… !! અને સાથે સોલીભાઇનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? આમ તો સોલીભાઇનું ‘પ્રેમ એટલે કે..’ આબ્લમના એક એક ગીત એવા છે ને તમે એમાંથી સૌથી ગમતું ગીત પસંદ જ ના કરી શકો… જાણે કે ગુજરાતી કાવ્ય-ગઝલ જગતમાંથી શોધી શોધીને અનમોલ મોતીઓનો ખજાનો લઇ આવ્યા છે એમાં… અને આ ગઝલ પણ એ જ માળાનું એક અમૂલ્ય મોતી છે.
સ્વર – સંગીત : સોલી કાપડિયા
.
હોય ગમ લાખો ભલે, એ ગમનો મુજને ગમ નથી
આપ શ્વાસે શ્વાસમાં છો એ ખુશી કંઇ કમ નથી
એક છે એની જુદાઇ એક એની યાદ છે
બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી
એની ત્યાં દ્રષ્ટિ ફરી ને અહીંયા મુજ ભાવી ફર્યું
દમ વિનાની વાત છે, આ વાતમાં કંઇ દમ નથી
—
તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે
યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે
આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે
હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે
અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે
સૌથી પહેલા તો ‘બેસ્ટ ગુજરાતી બ્લોગર’ તરીકે મારી પસંદગી થઇ.. એ માટે દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. 6 મહીના પહેલા ફક્ત શોખ માટે શરુ કરેલા બે બ્લોગ : ‘ટહુકો અને મોરપિચ્છ’ એક દિવસ અહીંયા સુધી પહોંચશે, એવો જરા ખ્યાલ નો’તો.
તો ચાલો.. આજના દિવસનો થોડો વધુ ખાસ બનાવીએ. ગુજરાતી સંગીત સાથેનો મારો પ્રેમ વધુ ગાઢ બનાવવામા સોલી કાપડિયાના આલ્બમ ‘પ્રેમ એટલે કે..’ નો ઘણો મોટો ફાળો… જ્યારે ગુજરાતીમાં, પણ કંઇક નવું શોઘતી હતી, ત્યારે સુરત સ્ટેશન પરના એકદમ નાની એક કેસેટ સ્ટોરના માલિકે મને આ કેસેટ આપેલી.. અને પૂરા આત્મવિશ્વાસ સાથે એમણે કહેલુ.. ‘લઇ જાઓ.. ચોક્કસ ગમશે’. અને પછી તો સોલીભાઇ સાથે ફોન પર વાત કરી.. એમના બીજા આલ્બમ લેવા અમદાવાદના ‘ક્રોસવર્ડ’ ગઇ.. તો ત્યાંથી ‘હસ્તાક્ષર’.. ‘મારી આંખે કંકુના સૂરજ’.. એવા ઘણા બીજા આલ્બમ લીધા…
ઓહ… ચલો હવે વધારે લાંબી વાત નહીં કરું… સાંભળો સોલીભાઇના મધુર કંઠમાં આ મારું અતિપ્રિય ગીત.
.
પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો
(આ ચોર્યાશી લાખ વહાણો ક્યાંથી આવ્યા એ ખબર છે ? વાંચો.. કાવ્યને અંતે)
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.
પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી
પ્રેમમાં તો
ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…
પ્રેમ એટલે કે…
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
( આ ગીતમાં આવતી ‘ તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો… ‘ કે કડી સાંભળવાની મને ઘણી જ મજા આવે.. પણ આ ચોર્યાશી લાખ વહાણોની વાત શું છે, એ પ્રશ્ન દિમાગમાં જરૂર આવ્યો હતો… એટલે એક દિવસ મમ્મીને પૂછ્યું, ત્યારે ખબર પડી, કે પહેલાના જમાનામાં જ્યારે સુરત એક ધમધમતું બંદર હતું, ત્યારે ચોર્યાશી અલગ અલગ બંદરોના વહાણો ત્યાં આવતા.. એટલે એવું કહેવાતું કે સુરતમાં ચોર્યાશી બંદરોના વાવટા ફરકે.. વખત જતાં એ ચોર્યાશી નું અપભ્રંશ થતા, કહેવતમાં ચોર્યાશી લાખની વાત આવતી થઇ ગઇ. )
અને મારો આ ભ્રમ દૂર થયો વિવેકભાઇની વાત પરથી :
ચોર્યાસી બંદરની વાત ભલે સાચી હોય, પણ અહીં કવિએ નથી સુરતની વાત કરી કે નથી એના કાંઠે આવતા ચોર્યાસી બંદરોના જહાજની વાત. આખી કવિતામાં બીજે ક્યાંય સુરતનો સંદર્ભ આવતો નથી. આ ચોર્યાસી લાખ જહાજ એટલે મારી દૃષ્ટિએ ચોર્યાસી લાખ જન્મોના ફેરા. પ્રેમિકાના ગાલના ખંજન પર ચોર્યાસી લાખ ભવ ઓવારી દેવાનું મન થાય એ પ્રેમ…
રમેશ પારેખનું આ ગીત પહેલી વાર સાંભળ્યું, ત્યારે ગમ્યું તો ખરું.. પણ જેમ જેમ વધારે સાંભળ્યું, એમ એમ વધારે ગમે છે… અને હવે તો આ ગીત સાંભળું, કે તરત સેન ફ્રાંન્સિસ્કો જ યાદ આવે… કારણ કે ‘કહાની મે ટ્વિસ્ટ’.. જેવું ઘણું બધું એ શહેરમાં અનુભવ્યું છે….
ભગવાને ત્યાં ખુલ્લા હાથે કુદરતી સૌંદર્ય વેર્યું છે… ( આપણે મોરપિચ્છ પર એક વાર સેન ફ્રાંન્સિસ્કોની મુલાકાત લીધી હતી.. યાદ છે ને ? ) આમ તો જોવાલાયક બધા સ્થળો પર 2-3 વાર ગઇ છું.. પણ તો યે એ ઉંચા-નીચા રસ્તાઓ… Ferry Building થી Pier 39 સુધીની morning walk… BART કે Metro Muni ની મુસાફરી.. જ્યાં જવું હોય ત્યાં મોટેભાગે સાઇકલ પર જવું અને પાછા વળતી વખતે નવા રસ્તા explore કરવાની લાલચમાં ખોવાઇ જવું.. એવું ઘણું બધું છે જે હજુ પણ યાદ આવે છે…. એમ થાય છે કે થોડા દિવસની રજા મળે… એ ઘર અને મારી સાઇકલ પાછી મળે… તો એ શહેરને મન ભરીને માણી લઉં…
સ્વર : સોલી કાપડિયા
આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં
ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં
સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં
દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં
મારા ગુજરાતી સંગીત પ્રત્યેના લગાવની શરૂઆત ત્યાંથી થયેલી… પરંતુ આજે પણ જો કોઇ મને ગુજરાતીમાં કંઇ ગાવા કહે ( નસીબ સાંભળનારના, બીજુ શું? ) , કે કોઇ પ્રોગ્રામમાં મારે ફરમાઇશ કરવાની હોય, તો મને સૌથી પહેલા યાદ આવતું ગીત એટલે વેણીભાઇ પુરોહિતની કલમે લખાયેલું આ અમર ગીત. “તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી”.
આ ગીતના વખાણ કરવા, કે એના વિષે કંઇક પણ કહેવું એ કદાચ મારા ક્ષમતાની બહાર છે. પણ હા, મને એક વાત કહેવાની ઇચ્છા જરૂર થાય છે. ગુજરાતી પ્રણય ગીતોના કોઇ કાઉન્ટ ડાઉન કાર્યક્રમનું સંચાલન મને આપવામાં આવે, તો મારે એ જ વિચારવું પડે કે 2 થી 10 નંબરમાં કયા કયા ગીતો મુકવા? પ્રથમ સ્થાન તો આ જ ગીત ને મળે.
અને આજે આવું ખાસ ગીત મુક્યં હોય, તો એને જરા વધુ ખાસ બનાવીએ, તો કેવું ?
સૌથી પહેલા તો સાંભળો દિવાદાંડી ફિલ્મમાં શ્રી દિલિપભાઇ ધોળકિયાના કંઠે ગવાયેલું અને અજિત મર્ચન્ટનું સ્વરાંકિત થયેલું આ ગીત.
આજે પણ કંઇક એવું જ…. “તમે અહીંયા રહો તો … ” અને “તમે વાતો કરો તો..” સુરેશ દલાલના હસ્તાક્ષરમાં “તમે વાતો કરો તો.. ” સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને ‘તમે અહીંયા રહો તો, ‘ભાગ્યેશ જહા’ની બીજી રચનાઓ સાથે ‘આપણા સંબંધ’ આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.
સ્વર : સોલી કાપડિયા
.
તમે અહીંયા રહો તો મને સારું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
તમે આંખોથી આંસુ નીચોવી લીધું
આ વાદળને રડવાનું કાનમાં કીધું
તમે આવજો કહીને પછી આવશો નહીં
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં
આ શબ્દોને ઉંડું એક વળગણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
હવે સૂરજ આથમશે તો ગમશે નહીં
આ સપનાનો પગરવ વર્તાશે નહીં
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં
અને આભ સાથે કોઇ’દિ બોલશું નહીં
મારા દર્દોનું એક મને મારણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
એક પંખી સૂરજ સામે સળગી જશે
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં
આ ખારા સાગરને ખૂંદતા નહીં
અહીં વરસાદે વરસાદે ભીનું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ
આંખ રડશે કે તડકામાં સળગી ‘તી ભૂલ
તમે આશાની આશામાં રડશો નહીં
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં
અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે