Category Archives: મનોજ મુની

આજે ફરીથી સાંજ પડે દિલ ઉદાસ છે – મનોજ મુની

સ્વર – સંગીત : સોલી કાપડિયા

.

આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે.
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે.

ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે.

હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે.

આ શું જુદા પડી અને મળશું ફરી કદી ?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે.

પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.

– મનોજ મુની

મારા હ્રદયની વાત – મનોજ મુની

આ ગીતનું એક અગત્યનું પાસુ છે – એનું સંગીત. ફક્ત piano અને violine નું સંગીત – શબ્દો અને સ્વર પર ધ્યાન આપવા માટે મજબૂર કરે છે જાણે..!!

અને એમ તો આખુ ગીત જ ખૂબ સુંદર છે, પણ મને સૌથી વધારે ગમે છે આ પંક્તિઓ : પૂછ્યું તમે કે કેમ છો ? પીગળી રહ્યો છું આજ…

સ્વર – સંગીત : સોલી કાપડિયા

flower.jpg

.

મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ
વર્ષો પછી મળ્યા તો વહી રહ્યો છું આજ

કાલે સવાર પડતા ને ઝાકળ ઉડી જશે
ખરતાં ફૂલો મહીં જરા સુગંધ રહી જશે
ફૂલોના આંસુઓની કથા કહી રહ્યો છું આજ
મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ

દરિયો ઉલેચ્યો પાંપણે, આંખે ઉકેલી રેત
મરજીવા થઇ મૃગજળ તણા માંડી’તી કેવી ખેપ
મોતી થવાની કોરી વ્યથા કહી રહ્યો છું આજ
મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ

નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યું
સાનિધ્ય લઇ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું
શબ્દોની શેરી સાંકડી, ભેદી રહ્યો છું આજ
પૂછ્યું તમે કે કેમ છો ? પીગળી રહ્યો છું આજ.