ગઈકાલે મુકુલભાઈનો જન્મદિવસ હતો, અને આપણે એમને આજે અહીં શુભેચ્છાઓ પાઠવીએ… અને સાથે માણીએ એમની આ મઝાની ગઝલ..!! આમ તો બધા જ શેર ઝક્કાસ છે – પણ મને તો પેલો ચાર દિ’ પહેલાની નોટીસ વાળો શેર અને બૂટ પહેરીના નીકળતા પગના શેરમાં ખૂબ જ મઝા આવી..! 🙂
****
ખુલ્લી હદથી વધારે વાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર
તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર
ચાર દિ’ પહેલાં આપજે નોટિસ,
આમ ઓચિંતો આપઘાત ન કર
થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્યોથી મને જ્ઞાત ન કર
એ નિસાસામાં ફેરવાઈ જશે,
દૂર જઈને તું અશ્રુપાત ન કર
બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર
જીતનારાઓને જ જીતી લે,
હારનારઓને મહાત ન કર
મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દ્રષ્ટિપાત ન કર
કર, સવારો વિષે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર
April 2009 માં વિવેકના શબ્દોમાં એક ફિલ્મની કથા જેટલી Interesting વાત સાથે રજૂ થયેલ આ Lost and Found – મુકુલભાઇની ગઝલ – અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇનું સ્વરાંકન – આજે ફરી એકવાર સાંભળીએ..!! પણ હા – આજે સાથે એક બોનસ.. આ જ ગઝલ – કવિ શ્રી ના શબ્દોમાં પણ સાંભળીએ..!
ગઝલ પઠન – ડૉ. મુકુલ ચોક્સી
*************** Posted on April 29, 2009 – by Vivek
(મુકુલ ચોક્સીની ગઝલ, શ્રી રાસબિહારી દેસાઈના હસ્તાક્ષરમાં)
(સ્વરાંકન તારીખ: ૦૫-૧૨-૧૯૯૯)
મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ જ ખોવાયેલી કૃતિ પણ ક્યારેક જનેતા કવિનું સરનામું અદભુત ‘ક્લાઈમેક્સ’ સાથે શોધી કાઢે છે… નથી માનવું ? તો આ વાંચો…
મુકુલભાઈ એમની ગઝલો વિશે જણાવે છે કે ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. મુકુલભાઈ આ વાતને સો ટકા પ્રામાણિક્તાથી જીવતા આદમી છે. લખાઈ હોય ત્યારે સંઘરવાનું ચૂકી જવાયું હોય એવી મુકુલભાઈની આ અલગારીવૃત્તિની બે ઘટના અમે જાણી છે. આવી રચનાઓના ચમત્કારિક પુનર્જન્મની વાત પણ એવી જ રોચક હોય છે.
પહેલી ગઝલ હોટલ તાજ, સુરતના ગાયકે ગાઈ હતી અને મુકુલભાઈ ઊછળી પડ્યા હતા જેના વિશે વિગતે આપ લયસ્તરો પર જાણી શકો છો. અને બીજી ગઝલ આજે એક્સ્લુઝિવલી ‘ટહુકો.કોમ’ના વાચકો માટે. બે દાયકા પહેલાં લખીને ભૂલી જવાયેલ એક ગઝલ રાસબિહારી દેસાઈએ નવનીત સમર્પણના એક અંકમાં વાંચી હતી અને ડાયરીમાં ટપકાવી લીધી હતી. પાંચેક વર્ષ પહેલાં અમદાવાદ ખાતે ‘સમન્વય’ કાર્યક્રમનું સંચાલન મુકુલભાઈ પોતે કરી રહ્યા હતા અને રાસબિહારી દેસાઈએ આ ગઝલ ગાવાની શરૂઆત કરી ત્યારે આફરીન પોકારીને મુકુલભાઈએ વચ્ચે જ પૂછ્યું, ઉસ્તાદ, આ કોની ગઝલ છે? રા.દે.ને લાગ્યું કે મુકુલભાઈ મજાક કરે છે એટલે એમણે પણ ગાયકીની વચ્ચે જ માઈક પર જ એલાન કર્યું કે આ મુકુલભાઈની જ જૂની ગઝલ છે અને મુકુલભાઈને પણ ખબર નથી… લોકોને વાતમાં મજા પડી પરંતુ હકીકત એ છે કે સમયની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગયેલી આ ગઝલના ગેયતા અને શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવતા જે ત્રણ શેર રા.દે.એ ગાયા હતા એ જ આજે મુકુલભાઈ પાસે બચ્યા છે…
પણ જયશ્રીની જમાદારી અને ફળસ્વરૂપે મારી ઉઘરાણીને વશ થઈ રા.દે.એ પોતાના હસ્તાક્ષરમાં મુકુલભાઈની આ ગઝલ મોકલાવી આપી છે એ આખી ગઝલ ટહુકો પર આજે પ્રકાશિત થયા પછી જ મુકુલભાઈને ‘સરપ્રાઈઝ’ ભેટ તરીકે આપવામાં આવશે… છે ને મનમોહન દેસાઈની ફિલ્મ જેવી ‘લૉસ્ટ એન્ડ ફાઉન્ડ’ વાત ?
આજે ૨૧ ડિસેમ્બર – વ્હાલા કવિ શ્રી મુકુલ ચોક્સીનો જન્મદિવસ…. મુકુલભાઇને આજના ખાસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સાથે સાંભળીએ એમની આ ખાસ ગઝલ, એમના પોતાના જ સ્વરમાં 🙂 કવિની આ ખૂબ જ જાણીતી ગઝલ, એમના આગવા અંદાઝમાં સાંભળવાની મઝા જ કંઇ અલગ છે..!
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.
પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
આ ગીતમાં જે મીઠા મીઠા સપનાઓની વાત થઇ છે… આપના એવા અને બીજા દરેક સપના સાકાર થાય એ શુભેચ્છાઓ સાથે…. (આજે તો ધોકાનો દિવસ છે ને? એટલે સાલ મુબારક તો કાલે કરીશ 🙂 )
આજે ટહુકો.કોમને ત્રણ વર્ષ પૂરા થયા છે. જાણે હજી તો કાલે જ જન્મ્યો’તો ટહુકો, અને જોતજોતામાં તો ત્રણ વર્ષનો બાળક પણ થઈ ગયો. આપણા આ વ્હાલા ટહુકાને, ટહુકાનાં ઘર (એટલે કે જયશ્રી) અને વરને… અને ટહુકાનું ગુંજન સાંભળવા અને મોજથી માણવા આવતા બધ્ધા દેશી-વિદેશી પંખીઓને (એટલે કે આપણે બધ્ધા) ટહુકો.કોમની ત્રીજી વર્ષગાંઠ પર મારા-તમારા તરફથી તેમ જ મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને મબલખ શુભેચ્છાઓ.
થોડા દિવસથી ટહુકાનાં નવા રૂપ-રંગ તો તમે જોવા જ માંડ્યા હશે… આ સાથે જ કક્કાવાર અનુક્રમણિકા નું બદલાયેલું રૂપ પણ જોઈ લેશો. ઘણા વખતથી જયશ્રીએ ટહુકો ઉપર એક નવો વિભાગ શરૂ કરવો હતો… કે જ્યાંથી અલગ અલગ આલ્બમ ક્યાંથી મેળવી શકાય એની માહિતી મળી રહે… તો મિત્રો, આજે ટહુકોની ત્રીજી વર્ષગાંઠ પર એણે એ વિભાગનો પણ શુભારંભ કરી દીધો છે… સૂરનામા ! આ સાથે જ થોડી નાની-નાની સુવિધાઓ પણ તમને દેખાશે… કોશિશ તો એ જ છે કે વાંચક-મિત્રોને જોઈતી કોઈ પણ માહિતી એકદમ સરળતાથી મળી રહે.
તમને જરૂર થતું હશે કે ટહુકાની બર્થ-ડે પર અહીં ટહુકવાનું મૂકીને બુલબુલ ક્યાં ચાલી ગઈ ?? તો મિત્રો, એણે કહેલી ખાનગી વાત હું પણ તમને ખાનગીમાં જ કહું છું કે એ ટહુકાવાળી દસ દિવસની છુટ્ટી લઈને ટહુકાની બર્થ-ડે મનાવવા ગઈ છે…! મતલબ કે આજે ટહુકાની બર્થ-ડે કેક પણ આપણે જ કાપવાની છે, અને આપણે જ ખાવાની છે. 🙂
ટહુકાની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે મુકુલભાઈએ ખાસ એક ખૂબ જ મજાનું ગીત લખ્યું છે… જેને મેહુલ સુરતીએ ફિલ્માવીને અહીં સુધી મોકલ્યું છે… એ ગીત આપણે મુકુલભાઈનાં મુખે જ અને એ પણ એમને જોતા જોતા સાંભળીએ અને માણીએ. (આભાર મુકુલભાઈ… આભાર મેહુલ…)
ટહુકો ત્રણ વર્ષનો થયો…
ટહુકો ત્રણ વર્ષનો થયો…
કવિતા ને સંગીતનો આજે અર્થ એટલો જ રહ્યો,
કે ઉમળકો પુસ્તકથી નીકળી નેટમાં પહોંચી ગયો !
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…
ટહુકો એટલે જય હો થી પણ આગળ એક જયશ્રી હો,
આવતા ભવમાં કાશ કે આ ટહુકાની જાતી સ્ત્રી હો…
પ્રેમમાં જેના કાવ્યપ્રેમી એક સમૂહ ખેંચાઈ ગયો,
એ ટહુકો ત્રણ વર્ષનો થયો…
ત્રીજે વર્ષે એના ત્રણ અક્ષરને સાર્થક કરીએ,
ચાલો, આ ટહુકાને ભરચક પંખીઓથી ભરીએ..
પછી ગમે ત્યાં એ રહેતો અમને તો ભયો ભયો,
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…
આજકાલ ભારતમાં ચૂંટણીની હવા ફૂંકાઈ રહી છે. આપણે સૌ ભારતીયો ગંદા રાજકારણને સુધારવાની કાયમ વાત કરતા હોઈએ છીએ. એ જ રાજકારણ અને નેતાઓને બદલવાનો મોકો દરેક નાગરીક પાસે છે જ, મતદાન ! પરંતુ જ્યારે ચૂંટણીમાં મત આપવાની વાત આવે ત્યારે સાવ નિરાશાવાદી વલણ અપનાવીએ છીએ… કે આપણા એક મતથી શું થવાનું હતું? પરંતુ જેમ કાંકરે કાંકરે પાળ બંધાઈ અને ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે એક એક નહીં અપાયેલાં મતોની સંખ્યા કેટલી હશે એ કદી વિચાર્યું છે? બની શકે કે એ નહીં અપાયેલા મતો જ રાજકારણનો આખો ઈતિહાસ બદલવા માટે સમર્થ હોઈ…! પરંતુ જ્યાં સુધી મત આપશો નહીં ત્યાં સુધી તમને કેમ ખબર પડશે…?!
તો દરેક નાગરીકને મત આપવા માટે ઉત્સાહિત કરવા માટે મુકુલ-મેહુલની જોડીએ સૌને મતદાન કરવાની પ્રેરણા આપવા માટે એક અભિયાન હાથ ધર્યુ છે… લાઈન લગાવો… તો ચાલો મિત્રો, અત્યારે આ ગીતને સાંભળવા માટે તો તમારે લાઈન લગાવવાની બિલકુલ જરૂર નથી… પરંતુ હા, એપ્રિલની 30મી મતદાન કરવા માટે તો તમે જરૂર લાઈન લગાવશો ને?!