(કુદરતનો અનાહત નાદ….. Niagara Falls, June 09)
* * * * *
હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી જાણું છું;
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.
મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું;
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.
હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું;
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.
કોઇ ધરમ નથી કોઇ કરમ નથી કોઇ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.
અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે,
હું એમ તો મારા અનુભવમાં ઇશ્વરને લાવી જાણું છું.
હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.
તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.
ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે !
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.
આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.