વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં,
જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
કાંટા બાવળનાં એ વીંધ્યે જોબનિયુંને..(૨)
વાયરામાં ચૂંદડીના ઊડે રે લીરાં,
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા અને,
હૈયાના લોલકનાં નંદાતા હીરા..(૨)
વનની તે વાટમાં…
વનની તે વાટ મહીં તું પડે એકલી,
આવી ગઈ આડી એક ઊંડી રે ખાઈ(૨)
જાને પાછી તું વળી, સાદ કરે તારી જૂની વનરાઈ(૨)
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં(૨)
જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં…
મરીઝ સાહેબની આ ઘણી જ જાણીતી ગઝલ… આમ તો જગજીતસિંગના પ્રથમ ગુજરાતી આલ્બમ – મરીઝ સાહેબની ગઝલો -નું શિર્ષક પણ આ ગઝલથી જ અપાયું છે… પણ જગજીતસિંગને માણીશું ફરી કોઇ દિવસ. આજે તો મરીઝ સાહેબના શબ્દોની સૂરા – અને આશિત-હેમા દેસાઇ સાકી..!
સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ
.
જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.
આજે કવિયત્રી પન્ના નાયકનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મજાનું ગીત..!
આ ગીત જેમાંથી લેવાયું છે – એ આલ્બમ વિષે વધુ માહિતી કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (http://pannanaik.com) મેળવી શકો છો.
સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર: ઝરણા વ્યાસ અને સોનિક સુથાર
આલ્બમ: વિદેશિની
(આ આલ્બમનાં બધા ગીતોની ઝલક અહીં સાંભળો!)
આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક
.
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.
વાસંતી સંદેશો લઈ મન ઉડે આમ ને તેમ,
દિશ દિશમાં સુગંધી, સૂરજ છલકાવે છે પ્રેમ;
કંઠ ઝનકતી કોયલને હું કેમ કરી સંભાળું ?
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.
અહીં કવિ ભલે કહે કે નિરાંત…. પણ એકવાર મન વાળી લીધાં પછી પણ કંઈ એટલી આસાનીથી કોઇને નિરાંત મળી છે..? વાતનો સરસ અંત તો બધાને લાવવો હોય, પણ કવિ સંજુ વાળા કહે છે ને –
અને કવિ પણ પોતાની વાતના અંતને ભલે ‘સરસ અંત’ કહેતા હોય – કવિતામાં કવિ જણાવી જ દે છે કે એ સરસ અંત એટલે શું? કવિના આકાશને હજીયે ઉઘાડ નથી.. રહ્યું સહ્યું જળ હજુ ગળ્યા કરે જ છે છતમાંથી..!! સાથે કવિ રમેશ પારેખ પણ યાદ આવે –
કવિ શ્રી હરીન્દ્ર દવેનો કૃષ્ણપ્રેમ આમ તો કોઈથી અજાણ્યો નથી..! એમની અનુભૂતિના કૃષ્ણ વિષે કવિ શું કહે છે – એ તો આ ગીત ‘આ એ જ હશે વૃંદાવન‘ ની પ્રસ્તાવનામાં તમને જણાવ્યું હતું. અને એ પ્રસ્તાવના જે પુસ્તકમાંથી લેવાઈ હતી – ‘મારગે મળ્યા’તા શ્યામ’ – નું શિર્ષકગીત આજે આપણે માણીએ – હિમાલી વ્યાસના મઘ ઝબોળ્યા સ્વરમાં..!
આમ તો ટહુકો શરૂ થયો લગભગ ત્યારથી અહીં ટહૂકતી આ ગઝલ – આજે ફરી એક સાંભળવાનો મોકો આપું છું..! ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..! ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ આજે સાંભળીએ ખુદ સ્વરકારનાં સ્વર સાથે – અને હા, સાથ આપે છે – ઐશ્વર્યા મજમુદાર ..!!
આ ઉપરાંત ફિલ્મમાં જયશ્રી ટી અને રમેશ મહેતા (કે જે એમના સમયની મોટા ભાગની ગુજરાતી ફિલ્મોમાં લ.સા.અ એટલે કે, લઘુતમ સામાન્ય અવયવ…!!! 🙂 ) પણ હતા. ફિલ્મની કથા અને સંવાદ પણ રમેશ મહેતાએ જ લખ્યા હતા. આ ગીત ફિલ્મના અંતભાગમાં આવે છે. આ ફિલ્મે એ વખતે વિરાટ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી પણ એ વખતે લોકોનાં હ્રદયમાં “અભિનયસમ્રાટ”નો હોદ્દો ધરાવતા હતા. અને અધૂરામાં પૂરું, મજબૂત સ્ક્રિપ્ટ, સુંદર સંવાદો અને આ ગીત!!!
આ ગીતે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. વડીલો પાસેથી સાંભળ્યું છે કે, આ ગીત વખતે જ્યારે રાજા ભરથરી ભેખ ધારણ કરી પત્ની પિંગળા પાસે ભિક્ષા માંગવા આવે છે ત્યારે થિયેટરમાં લોકો પ્રેક્ષકો ઉભા થઈને દશિયાનો ‘ઘા’ કરતા (ભરથરીને ભેખધારી સંન્યાસી સમજીને સ્તો!!!). ફિલ્મ પૂરી થતાં જ થિયેટરના સફાઈ કામદારો અંદર ધસી આવતા અને બધા સિક્કા એકઠા કરી લેતા અને ત્યાર બાદ જ બીજો શૉ ચાલુ થતો…બોલો, છે ને માન્યામાં ન આવે એવું?
ગાયકોઃ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર
સંગીતઃ અવિનાશ વ્યાસ
(નીચેના Video માં ગીતની આગળ-પાછળના થોડા સંવાદો પણ આવી ગયા છે. ચાલશે ને?)
સ્વર – ??
ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….
ભેખ રે ઉતારો રાજા ભરથરી…(૨)
હૈયું કરે છે પોકાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…
જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…(૨)
અલખ નિરંજનની ધૂણી ધખાવી…(૨) થાવા ભવસાગર પાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….
ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…
ભિક્ષા દે ને મૈયા પિંગળા…
રાજા ભરથરીની મૂળ વાર્તા અને ફિલ્મની વાર્તા થોડે ઘણે અંશે જુદી પડે છે. વાર્તા કંઇક આમ છે –
રાજા ભર્તુહરિ (આપણે અપભ્રંશ કરી “ભરથરી” કરી નાંખ્યું છે!!) બત્રીસલક્ષણો રાજા છે. સુંદર રીતે રાજ કરે છે. તેના રાજ્યમાં પ્રજા સુખી છે. રાજા પ્રજામાં ખૂબ જ પ્રિય છે. ભર્તુહરિની પત્ની પિંગળા અતિ સુંદર હોય છે. ભર્તુહરિ પિંગળાને ખૂબ જ પ્રેમ કરે છે. રાજ્યનાં કામ-કાજ સિવાયનો મોટાભાગનો સમય રાજા પિંગળા સાથે જ વિતાવે છે.
એકવાર રાજ્યમાં એક મહાત્મા આવે છે. રાજાની પ્રજાવત્સલતા અને વહીવટ જોઈ મહાત્મા અત્યંત પ્રસન્ન થાય છે અને રાજાને અમરફળ પ્રદાન કરે છે, કે જે ખાઈને રાજા ‘અમરત્વ’ પ્રાપ્ત કરી શકે. રાજા પિંગળાને બેહદ પ્રેમ કરે છે. તે વિચારે છે કે મારે અમર થઈને શું કરવું છે? પિગળાની અપ્રતિમ અને અનુપમ સુંદરતા શાશ્વત રહેવી જોઈએ. એટલે રાજા આ ફળ ખાતો નથી અને એ લઈને રાણીવાસમાં પિગળા પાસે જઇ તેને આપી દે છે. રાણી પિંગળા ત્યારે ને ત્યારે ફળ ખાતી નથી. તે રાજ્યનાં અશ્વપાળને પ્રેમ કરે છે, અને તેને ચોરી છૂપીથી મળતી હોય છે. પિંગળા એમ વિચારે છે કે હું અમર થઈને શું કરીશ? મારે તો મારા પ્રેમને અમર બનાવવો છે. એટલે પિંગળા એ અમરફળ અશ્વપાળને આપે છે. હવે અશ્વપાળ તરફનો પિંગળાને પ્રેમ એકતરફી છે. વાસ્તવમાં અશ્વપાળ રાજનર્તકીને પ્રેમ કરે છે. એ વિચારે છે કે હું અમર થઈને શું કરુ? રાજનર્તકીની અલૌકિક નૃત્યકલા સદાકાળ રહે તે જ વધુ ઉત્તમ. એટલે તે ફળ રાજનર્તકી પાસે આવે છે. હવે રાજનર્તકી ખૂબ સમજદાર છે. એ પણ ફળ ખાતી નથી અને વિચારે છે કે હું ખરેખર અમર થવા યોગ્ય નથી. અમર તો એ વ્યક્તિ થવી જોઇએ કે સમાજને માટે પોતાનું જીવન ઘસી નાંખે. ઘણો વિચાર કર્યા પછી તેણે નિર્ણય કર્યો કે આ અમરફળ માટે રાજા ભર્તુહરિ સિવાય કોઇ અન્ય યોગ્ય ન હોઈ શકે.
બીજા દિવસે સવારે રાજનર્તકી રાજદરબારમાં અમરફળ લઈને આવે છે અને રાજાને આપે છે. રાજા પર જાણે વિજળી પડે છે. તે એક પળ માટે વિચારશૂન્ય થઈ જાય છે. તરત જ તેને આખું ચક્કર સમજાઈ જાય છે અને વૈરાગ્ય આવી જાય છે. તે જ ક્ષણે રાજપાટ ત્યાગી, સંસાર છોડી દે છે અને જોગી-ભિક્ષુકના વેશે મહેલમાં પિંગળા પાસે ભિક્ષા માગવા આવે છે. હવે ભર્તુહરિ સંસારી નથી, રાજા નથી, કોઇનો પતિ નથી, માત્ર સંન્યાસી છે. તે તમામ દુન્યવી સંબંધોને વેગળા મૂકીને આવ્યો છે અને ભિક્ષા માગતી વખતે પિંગળાને “મૈયા” એવું સંબોધન કરે છે. આ પ્રસંગ આ ગીતમાં ફિલ્માવવામાં આવ્યો છે.
નોંધઃ ઉપરોક્ત વાર્તા ફિલ્મની નથી, પણ અમુક પુસ્તકોમાં વાંચેલી કે પછી ક્યાંક સાંભળેલી છે. ફિલ્મમાં આ જ વાર્તા કંઈક અલગ રીતે રજૂ થયેલી છે. ફિલ્મની વાર્તા અનુસાર પિગળા બેવફા નથી પણ એક પતિવ્રતા અને સતી સ્ત્રી છે. અને માત્ર સંજોગો અનુસાર રાજા પિંગળા પર શંકા કરી સંસારત્યાગ કરે છે. ફિલ્મમાં ગુરુ ગોરખનાથ અશ્વપાળ સ્વરુપે આવીને રાજાને સંસારથી વિમુખ કરવાના પ્રયત્નો કરે છે. અશ્વપાળનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું છે. રાજનર્તકીના પાત્રમાં જયશ્રી ટી છે.