Category Archives: જયંત પાઠક

ગ્લૉબલ કવિતા : ૧૮૯ : વતનથી વિદાય થતાં – જયન્ત પાઠક

એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;
આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર
વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.

કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે;
આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;
હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે
આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ રમે.

ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં
પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણમાં;
ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યે શા વેઠિયા ચાલવું
સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.

આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી –
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી?!

– જયન્ત પાઠક


અરે, આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે…

જીવન ઘણીવાર વતન મૂકાવે છે. વિદ્યા, વ્યવસાય કે કોઈ પણ કારણોસર માણસને વતન છોડી અન્યત્ર સ્થાયી થવાની ફરજ પડી શકે છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં તન ભલે વતન છોડે, મન વતનમાં રહી જતું હોય છે. ‘વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’, અરે, આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે’નો ભાવ અસંખ્ય સર્જકોની કલમેથી ટપકતો આવ્યો છે, ટપકતો રહેશે. ચાલો ત્યારે, વતનવિચ્છેદની વેદનાને હળવાશથી હાથમાં લેતી જયંત પાઠકની આ રચનાને અઢેલીને બે’ક પળ બેસીએ.

વિપુલ માત્રામાં પણ ગુણવત્તાસભર કાવ્યસર્જન કરનાર જયન્ત પાઠકના બસોથી વધુ સૉનેટમાં ઊડીને આંખે વળગે એવું વિષયવૈવિધ્ય હોવા છતાં એમના સમગ્ર સર્જનની જેમ જ આ સૉનેટોમાં પણ એમની વ(ત)ન –વન અને વતન- પ્રીતિ ધ્યાનાર્હ છે. વન વતન લાગે અને વતન વન લાગે એ હદે બંને એમના જીવન અને કવનમાં રસ્યાંબસ્યાં છે. સાડા આઠ દાયકાના આયખામાંથી સાડા પાંચ શહેરોમાં વીત્યાં હોવા છતાં ગ્રામ્યવતન એમની કવિતાઓથી કદી અળગું જ ન થયું.

પ્રસ્તુત સૉનેટ કવિના પાંચમા સંગ્રહ ‘અંતરીક્ષ’ (૧૯૭૫)માં સમાવિષ્ટ છે. આ જ સૉનેટને અડીને ‘વર્ષો પછી વતનમાં’ શીર્ષકથી લખાયેલું સૉનેટ પણ જોવા મળે છે. બંનેની સર્જનતારીખ એક જ -૦૪/૦૯/૧૯૬૯- છે. એટલે સમજાય છે કે વરસો પછીની વતનની મુલાકાત અને કદાચ કાયમી વિદાય –એમ બેવડી અનુભૂતિ કવિએ આ બે સૉનેટમાં ઝીલી હશે. સંગ્રહમાં કાવ્યારંભ પૂર્વેના અભિલેખ ‘હું અર્ધો જીવું છું સ્મરણ મહીં, અર્ધો સપનમાં…’ કવિની ગઈકાલના ઓરડાની અવારનવાર મુલાકાત લઈ આજની કવિતાઓ આપવાની કાવ્યરીતિ પર પણ પ્રકાશ ફેંકે છે. કવિની રચનાઓ વર્ડ્સવર્થની વ્યાખ્યા -it takes its origin from emotion recollected in tranquillity- ને ચરિતાર્થ કરતી હોય એમ અનુભૂતિના તાત્ક્ષણિક ઊભરાના બદલે બહુધા સંચયનિધિમાંથી જન્મ લેતી હોવાનું અનુભવાય છે. સુરેશ દલાલના મતે ‘જયન્ત પાઠકની કવિતા એટલે સ્મૃતિના આરસા-વારસાની કવિતા, ગયાં વર્ષોની કવિતા. ते हि नो दिवसा गताःની કવિતા.’ કવિએ પોતે કહ્યું છે: ‘…વતન સાથેના મુગ્ધતાના તંતુઓ એક પછી એક તૂટવા લાગ્યા છે ને કઠોર વાસ્તવની તાવણીમાં તવાવાનું શરૂ થયું છે. જિંદગીનું આનંદપર્વ પૂરું થયું છે; હવે એને સ્મૃતિમાં જ સાચવવું રહ્યું.’

પ્રસ્તુત રચનામાં કવિએ પોતાના પ્રિય શિખરિણીના સ્થાને શાર્દૂલવિક્રીડિત છંદ ખપમાં લીધો છે. ઓગણીસ અક્ષરના આ છંદમાં વાઘ(શાર્દૂલ)ની લાં…બી ફર્લાંગની જેમ યતિ છે…ક બારમા અક્ષરે આવે છે. છંદની ગતિ અને યતિનો કૂદકો –બંને વાઘફાળની સાથે ‘મેચ’ ન કરી શકાય તો કવિતાનો યોગ્ય શિકાર ન થઈ શકે. પણ કવિએ કૌશલ્યપૂર્ણ છંદનિર્વાહ કર્યો છે અને ક્યાંય યતિભંગ થવા દીધો નથી. હા, લઘુ-ગુરુમાં હૃસ્વ-દીર્ઘનું હસ્તાંતરણ ઘણી જગ્યાએ જોવા મળે છે. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકનું બનેલું આ સૉનેટ શેક્સપિરિઅન સૉનેટ સ્વરૂપ ધરાવે છે અને પહેલા ચતુષ્કમાં અ-બ-અ-બ પ્રાસવ્યવસ્થાનું પાલન કરી એને વફાદાર પણ રહે છે. ગુજરાતીમાં જો કે શરૂથી જ કવિઓ સૉનેટના મૂળ સ્વરૂપ અને પ્રાસગોઠવણીનું ચુસ્ત પાલન કરવાથી ઉફરા ચાલ્યા છે. અહીં પણ બીજા ચતુષ્કથી પ્રાસરચના ક-ક ડ-ડ મુજબ છેવટ સુધી આગળ વધે છે. આ સિવાય કાવ્યમાં વન-જન-ક્ષણ-વતન જેવા આંતર્પ્રાસ તથા ડુંગર-કોતર-ખેતર, ઢોર-કોઢાર, કાંટાળી-ડાળી-આંગળી જેવાં અનુરણન અને વર્ણસગાઈ પણ છૂટાંછવાયાં નજરે ચડે છે, જે સૉનેટના રણકાને વધારાનું નાદમાધુર્ય બક્ષે છે.

સૉનેટના આરંભે બે વાર ‘એ’ આવે છે. આમ તો આ બંને ‘એ’ અનુક્રમે વન અને જન સાથે સંકળાયેલ છે, પણ એમાં ‘એય’વાળો તળપદી સુરતી લહેકો ન સંભળાય તો જ નવાઈ. વન અને વતન માટેનો કવિનો લગાવ સૉનેટના પ્રારંભે જ સમજાય છે. ‘વતનથી વિદાય થતાં’ની શરૂઆત વતનથી નહીં, વનથી થઈ છે. કવિ કહે છે, એ વન પણ અને એ માણસોનેય પાછળ મૂકી દીધાં છે. ઉત્તરાર્ધ ‘ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ’ વાંચતા સમજાય છે કે કવિ વરસો બાદ વતન પરત આવ્યા હશે અને થોડો સમય વતનમાં ગાળી ફરી શહેર જવા નીકળ્યા હશે એટલે ઘણાં વર્ષે જે લોકો ક્ષણભર માટે મળ્યાં હતાં એ લોકોને છોડીને જતી વેળાની અભિવ્યક્તિની આ કવિતા છે.

ડુંગર, નદી, ખેતર-કોતર બધું પાછળ છોડીને કથક વતનથી દૂરના માર્ગે આગળ ધપી રહ્યો છે. પણ આ મુસાફરી સરળ નથી. થોડી થોડી વારે ડોકું ફેરવીને પોતે પાછળ શું-શું છોડી જઈ રહ્યા છે એ જોવાની ફરજ કથકને પડે છે. આંખો વળી વળીને પાછળ જોઈ રહી છે. કવિએ લખ્યું છે: ‘શરીર ગાડામાં બેસીને શહેરમાં જવા નીકળ્યું છે. હૃદય ભૂતકાળને પકડવા પાછું દોડી રહ્યું છે, ગાડાની પાછળ બાંધેલા ઢોરની જેમ ઘસડાતું નાછૂટકે આગળ વધી રહ્યું છે. હું વનાંચલ છોડીને વસ્તીમાં જઈ રહ્યો છું. જંગલ, ડુંગરા ને નદી મને પાછળથી ખેંચી રહ્યાં છે. આ ધરતી સાથે મારે અટલો ગાઢ સંબંધ હતો તે તો આજે વિખૂટા પડતી વખતે જ જાણવા મળ્યું.’ બંધ ઘર વેચાઈ ગયું એટલે પાછાં આવવાની આખરી સંભાવના પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું. આ અવસ્થાને કવિ મૂંગા ઢોરના કોઢાર માટેના તરફડાટ સાથે સરખાવે છે. જાનવરને ન માત્ર પોતાનું ગમાણ, પણ ધણ સુદ્ધાં છોડી દેવાની ફરજ પડી હોય એવી વેદના અહીં તીવ્રતર થઈ છે. અને જો ઢોર કોઢાર માટે તલખતું હોય તો મનુષ્યની પીડા તો કેવી હોય! ‘એક વારનું ઘર’ કાવ્યમાં કવિ સોંસરો સવાલ કરે છે: ‘-લીલારો ચરવા આપણી ગાય/આઘેના વગડામાં નીકળી ગઈ છે./…/ અને આપણે?… આપણે પણ…’ આ વતનઝુરાપો કવિની રચનાઓમાં સતત વર્તાતો રહે છે: ‘ક્યાં છે મારું ટેકરીઓનું ગામ,/ ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં/ અંધારાની કાળી ગાયને દોતી મારી બા?/ક્યાં છે…’ (ક્યાં છે?)

કવિ કહે છે, કેડી આગળ જાય છે પણ પગ અવળા પડે છે. આ મૂર્ત વિરોધાભાસ અમૂર્ત વ્યથાને આબાદ ચાક્ષુષ કરે છે. ‘ઘેર પાછો ફરું છું’ સૉનેટમાં કવિ લખે છે:

‘આ તે કેવો અનુભવ! બધું બે જણાતું અહીં આ
ભોમે: જૂનું નવું અતીત ને આજનું એક સાથે!

લાગે સાથે સમયની હુંયે આવજાઓ કરું છું,
ચાલું થોડે દૂર લગી, વળી ઘેર પાછો ફરું છું.’

પ્રસ્તુત સૉનેટ પણ ઊર્મિઓની આવી જ આવજાનું, વતનવિચ્છેદ અને વતનપ્રેમના દ્વંદ્વનું જ ગાન કરે છે. અન્ય એક સૉનેટ ‘વરસાદે વતન સાંભરતાં’માં પણ કવિ આ જ લાગણીને ઉદ્દેશે છે: ‘પડે ધીમાં કાળી સડક પર શાં ખિન્ન પગલાં!/ ચડે ઊંચા વેગે ધવલ સ્ત્રગ શાં વ્યોમ બગલાં!’ સફેદ બગલાંની ગતિ અને કાળી સડક પર પગલાંની ખિન્ન મથામણનો વિરોધાભાસ અહીં એ જ રીતે રજૂ થયો છે જે રીતે પ્રસ્તુત સૉનેટમાં કેડીના આગળ જવાની સાદૃશે કવિએ પગલાંના પાછળ પડવાની વાતે રજૂ કર્યો છે. પગલાં કેમે કરીને ઊપાડ્યાં ઊપડતાં નથી. અહીં બાલમુકુન્દ દવેના અમર સૉનેટ –જૂનું ઘર ખાલી કરતાં-ની અમર પંક્તિઓ ‘ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા! /ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા!’ યાદ આવ્યા વિના નથી રહેતી. કવિની આંખો ઝળઝળિયાંથી ભરાઈ જાય છે અને પગ કેમે કરી ઉપડતાં નથી. રસ્તે કાંટાળી વાડ નડે છે પણ ઉઝરડા શરીરના બદલે હૈયા પર થાય છે. વેદનાના રક્તટશિયાઓ ફૂટી નીકળે છે અને ધીમે ધીમે ઝમે છે. દૂરથી જ નદીકાંઠાની ઝીણી કાંકરિયાળ રેતી જોઈને કવિની આંગળીઓ રેતીમાં રમતી હોય એમ આપોઆપ હાલવા માંડે છે. આંગળીઓની આ હિલચાલ કવિ બાળપણની નદીકાંઠાની રેતીમાં રમેલી રમતોમાં પહોંચી ગયા હોવાનું ઇંગિત કરે છે. ‘વનવતનની કેડીઓએ ફરી ડગલાં ભરું’ (‘વતન’)ની અનુભૂતિ અહીં સાક્ષાત્ થાય છે.

આઠ પંક્તિ પછી ભાવપલટાના સૉનેટના વલણને અનુરૂપ પ્રથમ બે ચતુષ્કમાં વર્ષો પછીની વતનની આ મુલાકાત આખરી હોવાની પ્રતીતિને લઈને જન્મેલી કશ્મકશ રજૂ થયા બાદ ત્રીજા ચતુષ્કમાં વાસ્તવનો સ્વીકાર આલેખાયો છે. ‘ચાલો જીવ’ કહીને કવિ જે આત્મસંબોધન કરે છે, એ સૉનેટને એકદમ ભાવકના હૈયાસરસું આણે છે. પ્રારંભે ‘એ’ના લહેકામાં જે આત્મીયતા અનુભવાઈ હતી, એ અહીં પુનઃ વર્તાય છે. ‘ચાલો જીવ’ સંબોધનમાં મનોદ્વંદ્વના અંતે હથિયાર ફેંકી દઈ વાસ્તવિકતાનો સ્વીકાર પણ સંભળાય છે. નિરાશાના સૂર સાથે કવિ અવઢવમાં પડેલી જાતને આગળ વધવા સૂચવે છે, કેમકે કાળની આ નદીમાં પાછાં ઉપરવાસ વહેવું તો શક્ય જ નથી. વાત કાળનદીના વહેણમાં તણાવાની છે, પણ નદી તો આંખોમાં ઊમડી આવી છે. આંખો લૂંછીને, વતનની યાદોને પાછળ મૂકીને અહીંથી આગળ જવાનું છે. ‘ભૂતકાળ ભૂંસાઈ ગયો છે, ભૂંસાઈ રહ્યો છે; એ કંઈક સચવાયો છે આ ડુંગરાઓની વજ્ર મુઠ્ઠીમાં ને કંઈક મારા મનમાં,’ આમ કહેનાર કવિ જો કે સમજે છે કે કોઈના કહ્યા-કારવ્યા વિના સ્વયંભૂ માથે ભૂતકાળનાં પોટલાં ઊંચકીને વેઠિયા મજૂરની જેમ ક્યાં લગી ઢસરડા કરવા? શેરીમાંના શ્વાને કદાચ વતન ત્યાગતા કવિની સંગત કરી હશે, એણેય હવે વતનની આખરી હદ આવતાં પાછાં વળવાનું થશે. સંગાથી શ્વાનનું આ ચિત્ર મહાભારતમાં મહાપ્રસ્થાને નીકળેલા પાંડવોના એકમાત્ર સંગી બનેલા શ્વાનની યાદ અપાવતું હોવાથી આપણને કેટલું ચિરપરિચિત લાગે છે, નહીં!

સૉનેટની આખરી બે પંક્તિઓ સૉનેટની ચોટની, કવિતાના અર્કની પંક્તિઓ છે અને જયન્ત પાઠક એમના મોટાભાગના સૉનેટોની જેમ અહીં પણ આ કવિકર્મ બજાવવામાંથી ચ્યુત થયા નથી. ગામની હદ પૂરી થઈ છે. હવે એકવારનું પોતાનું ખેતર પણ આઘે નજરે ચડે છે. ખેતરમાં લણ્યા વિનાનો પાક કદાચ હજીયે લહેરાતો હશે, તેમાં કવિને કોઈ બે હાથ ઊંચા કરીને કોઈ પોતાને બોલાવતું ન હોય એવો ભાસ થાય છે. એક પળ માટે સભાન કવિ જાતને ટકોર પણ કરે છે કે આ પોતાની ભ્રમણા તો નથી ને? પણ બીજી જ પળે એમને રિસાઈ ગયેલા બાળકને જે રીતે બા બે હાથ ઊંચા કરીને બોલાવે એ રીતે પોતાનું ખેતર પોતાને બોલાવતું હોવાનું લાગે છે. જેણે તનમનમાં વન-વતન સાથે એકત્વભાવ સેવ્યો-સાધ્યો હોય એના માટે આ વિચ્છેદ કેટલો દોહ્યલો હશે એનો આપણને આ ઉપમા ઉપરથી ખ્યાલ આવે છે. ક્યાંક આપણી આંખોના ખૂણે ભેજ ને હૈયે ઉઝરડા સહેજ થયા હોવાનું ન અનુભવાય તો જ નવાઈ!

સુરેશ દલાલની કવિ માટેની ટિપ્પણી, ‘કવિતામાં કોઈપણ વલણ એ વળગણ ન થવું જોઈએ. જયન્ત પાઠક માટે શૈશવનું સ્થળ એક વ્યક્તિ જેટલું મહત્ત્વ ધારણ કરે છે,’ સાવ સાચી છે. જે રીતે થોમસ હાર્ડીની નવલકથાઓમાં તત્કાલિન ઇંગ્લેન્ડની ગ્રામ્ય પૃષ્ઠભૂએ એક પાત્ર જેટલું મહત્ત્વ પ્રાપ્ત કર્યું છે , એ જ રીતે જયન્ત પાઠકની રચનાઓમાં વન અને વતન વ્યક્તિવિશેષ બની રહ્યાં છે. પરંતુ, અતિની આ ગતિથી કવિતાની મતિ બગડી નથી એ જ આપણું સદનસીબ.

વગડાનો શ્વાસ – જયંત પાઠક

૨૦ ઓક્ટોબર ૧૯૨૦ – કવિ શ્રી જયંત પાઠકનો જન્મદિવસ… એટલે કે ગઇકાલથી એમનું જન્મ શતાબ્દિ વર્ષ શરૂ થયું…. કવિ ની આ ખૂબ જ જાણીતી કવિતા – વગડાનો શ્વાસ – દ્વવિતા ચોક્સીના અવાજમાં અને મેહુલ સુરતીના સ્વરાંકન સાથે ટહુકો પર વર્ષોથી ગૂંજે છે – આજે આ જ ગીત – અમરભાઇના સ્વર – સ્વરાંકન સાથે માણીએ – અને કવિ શ્રી ને ફરી યાદ કરીએ….

સ્વર અને સ્વર-રચનાઃ અમર ભટ્ટ

.

——————

Posted on March 11, 2017

ટહુકો પર મુકાયેલી મોટાભાગની પોસ્ટની સાથે કોઇક એવુ ચિત્ર હોય છે, જે કુદરતે આપણને બક્ષેલા અફાટ સૌંદર્યની એક નાનકડી ઝલક બતાવી જાય… અને આપણી કવિતાઓ અને ગીતોમાં કવિઓએ પણ કુદરતના જુદા જુદા રંગોને આબાદ રીતે ઝીલ્યા છે..
તો ચાલો, ટહુકો પર થોડા દિવસ આ કુદરતી સૌંદર્યનો ઉત્સવ ઉજવીએ.
અને શરૂઆત કરીયે જયંત પાઠકના આ ગીતથી…
અરે ઉભા રહો… ગીત સાંભળતા પહેલા જરા કુદરતની વધુ નજીક પહોંચીયે…. કલ્પના કરો ડાંગ જિલ્લાના કોઇ પહાડ પરથી વહેતો એક નાનકડો ધોધ… વહેલી સવાર… એક આદિવાસી કન્યા ત્યાં બેઠી બેઠી કુદરતને ભરપૂર માણે છે… ત્યાં સંભળાય છે એને દૂરથી વહી આવતા કોઇની વાંસળીના સૂર….

સંગીત : મેહુલ સુરતી
સંગીતઃ મેહુલ સુરતી
સ્વર : ધ્રવિતા ચોક્સી

tile3

.

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર;

છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ;
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;

થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

અનુભવ ગહરા ગહરા – જયન્ત પાઠક

અનુભવ ગહરા ગહરા
નિશદિન આઠે પ્રહરા:
કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા!

ચલત ફિરત મેં અપની ગતમેં
ગજ સમ ડોલત શિરા,
જલમેં લહર, લહરમેઁ જલકા
સુન સુન ગીત ગંભીરા!

ઊઠકર નાચન લગા ચરણ દો
જ્યું નાચત હો મીરા,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં
ભીની ભયી કબીરા!

– જયન્ત પાઠક

(લયસ્તરો પર ધવલભાઇની વાત)જીવન-ઉત્સવને ભરપેટ ઉજવતું આ કાવ્ય પાઠકસાહેબનું અંતિમ કાવ્ય છે. (આ કાવ્ય 30 ઓગસ્ટે લખેલું અને પહેલી સપ્ટેમ્બર, 2003એ એમનું અવસાન.) એક એક ક્ષણમાં ઊંડા અનુભવથી ભરેલા જીવનને કવિ સનાતન સંગીત સાથે સરખાવે છે. એ સુરમાં હળવેકથી માથું હલાવતા પોતે પસાર થતા હોય એવું સહજીક ચિત્ર કવિ દોરે છે. પાણી પરના તરંગોમાં પણ કવિને એ જ ગંભીર ગીતની પંક્તિઓ દેખાય છે. મન મીરાંની જેમ નાચી ઊઠે અને (જીવનરૂપી) ચાદર જ્યારે ખરે જ તરબતર થઈ જાય એ ક્ષણે વધારે તો શું કરવાનું બાકી રહે ? આટલી સંતૃપ્તિ પછી કદાચ ‘આવજો’ કહેવાનું જ બાકી રહેતું હશે. – ધવલ શાહ

વગડા વચ્ચે – જયંત પાઠક

વગડા વચ્ચે તલાવડી ને તલાવડીમાં ફૂલ
ફૂલમાં ફોરમ થૈને પોઢો તમે ભલાજી…
એક કરી લો ભૂલ !

ઉપર ઝૂક્યાં ઝાડ ભલાજી લ્હેર લ્હેરમાં ડોલે,
ભીતર ભીના પ્હાડ, પ્હાડમાં લીલી કોયલ બોલે;
તમે પ્હાડમાં સૂરજ થૈને ઊગો ભલાજી…
એક કરી લો ભૂલ !

સળવળ સળવળ તલાવડીમાં રમે રાતની પરી
પાંખો હેઠળ ચાંદ લઈને તને ચાંદની નરી
ચાંદ થઈને ઊંચીનીચી સળવળ સળવળ
થતી છાતીએ ભલાજી…
એક કરી લો ભૂલ !

ચારે કાંઠે તલાવડીના લીલું લીલું ઘાસ,
ભીના ભીના પાથરણામાં ભીની માટીની વાસ;
માટી થૈને ભરી દિયો મઘમઘથી
મારા શ્વાસ ભલાજી….
એક કરી લો ભૂલ !

– જયંત પાઠક

વર્ષાગમન – જયંત પાઠક

રકૃતિના કવિ શ્રી જયંત પાઠકને ૨૦ ઓક્ટોબર – એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. અને આજકલ ભલે દિવાળીના દિવસો છે, પણ સાથે સાથે અહિં અમારા Bay Area માં ચોમાસું પણ આવું-આવું કરી રહ્યું છે..! તો એ જ બહાને માણી લઇએ આ મઝાની રચના..

मौसमकी पहेली बारिश ...... Oct 3 - City College of SF

(૧)
ઝટ ઝટ, અગાશીમાં પડ્યું છે
તે બધું અંદર ખસેડો:
સૂક્વવા મૂકેલ તે ભીંજાઇ જશે ગોદડાં:
અંદર લઇ લો જાજરૂનાં ખાસ આ જૂતાં જૂનાં.
કપડાં, રખડતાં કિન્નરીનાં કૈં રમકડાં:
આ કોલસાની ડોલ, સાવરણી વળી
– સળગે નહીં બળતણ, સડી જાશે સળી –
લીધું બધું ?
હાશ, હવે ભલે થાય
પ્રલે !

(૨)

આ વાદળાં આવી રહ્યાં ઓરાં
ટપ ટપ
સૂણો ફોરાં.
અગાશીમાં ચાલો
વાયરો કેવો લાગે છે
વ્હાલો !
રહી ન જવાય જો જો ક્યાંય આજ કોરાં !
વીજળી હસે છે? વાદળાં ‘નફફટ’ કહે છે?
કોણ જુએ, કોણ એને સાંભળે છે?
ટપ ટપ… કશી ટાઢક વળે છે!
હાશ, હવે ભલે થાય
પ્રલે !

– જયંત પાઠક

કવિતા – જયન્ત પાઠક

કોઇક અખબારના Classified section માં (કે પછી monster.com / LinkedIn.com પર) એક ‘કવિ’ની નોકરી માટે જો જાહેરખબર આપવી હોય, તો એના Job Description માટેની વિગત અહીં પ્રસ્તુત કવિતામાં જોઇ લો.. 🙂

*********

ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.

– જયન્ત પાઠક

—————-

આ કવિતાના સંદર્ભમાં – કવિ શ્રી જયન્ત પાઠકની બીજી એક કવિતા – કવિતા ન કરવા વિશે કવિતા – પણ માણવા લાયક છે..!!

વરસાદ પછી વગડો – જયંત પાઠક

તમને થશે કે આ વસંતના દિવસોમાં વરસાદ? Busy Season માં overtime કરી કરીને આ જયશ્રી હોળી – ઉનાળો.. વચ્ચેનું બધું ભૂલી ગઇ? અને ના સાહેબ.. એવું નથી..! આ અમારા કેલિફોર્નિયામાં આજકલ ‘गरजत बरसात सावन आयो रे…’… પણ હા – દેશનું ચોમાસું જોયા પછી આ ચોમાસું કંઇ ખાસ જામતું નથી..! પણ એ તો – ‘તુ નહીં, તેરા ગમ હી સહી..

*******

પડી ગયો વરસાદ
ટપક ટપ ટપક્યાં કરતા પાન
પછી અચાનક
આભ ઉઘડ્યાં
સૂરજના કર અડકે
ઝલમલ તડકે
તરૂને ભીનલ વાન
રડતાં રડતાં હસી પડ્યું લો રાન !

– જયન્ત પાઠક

એક એવી તે પ્રીત અમે કીધી – જયંત પાઠક

એક એવી તે પ્રીત અમે કીધી, ઘૂંટમાં આખી પિયાલી પીધી.

પીંછામાં એક, અમે પંખીને પામિયા, ને તારામાં એકલ આકાશ,
લહરીમાં એક લીધો સાગરને તાગી, ને એક જ કિરણમાં પ્રકાશ;
એક એવી તે પ્રીત અમે કીધી, કે મીટમાં નજરું હજાર બાંધી લીધી.

એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ, ઊઘડ્યાં ફટોફટ ફૂલ,
એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં, વનવનનાં પર્ણો વ્યાકુળ;
એક એવી તે પ્રીત અમે કીધી, કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી.

– જયંત પાઠક

( આભાર – Webમહેફિલ)

વાળી લીધું મન – જયંત પાઠક

હજુ થોડા મહિનાઓ – એપ્રિલ ૨૦૧૦ માં જ ટહુકો પર માણેલી આ કવિતા – આજે ફરી એકવાર, એક સૂરીલા સ્વર અને મઝાના સ્વરાંકન સાથે..!!

સ્વર : દિપાલી સોમૈયા
સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુન્શી

પ્રિય, લો મેં તમારાથી વાળી લીધું મન
હવે તો નિરાંત ? નહિ વિરહ નહિ મિલન

સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન
રંગ રંગી, પ્હેરી લીધું ચીતર્ નિ:સંગ
ગલી ભણી નહીં, હવે ઉલટો જ પંથ !

પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !

એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે ;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનેમાનો
બાંધી લિયે આપણને પાકા કોઇ તારે.

વરસી વરસી પ્રિય વેરાયું વાદળ
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.

– જયંત પાઠક

અહીં કવિ ભલે કહે કે નિરાંત…. પણ એકવાર મન વાળી લીધાં પછી પણ કંઈ એટલી આસાનીથી કોઇને નિરાંત મળી છે..? વાતનો સરસ અંત તો બધાને લાવવો હોય, પણ કવિ સંજુ વાળા કહે છે ને –

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

અને કવિ પણ પોતાની વાતના અંતને ભલે ‘સરસ અંત’ કહેતા હોય – કવિતામાં કવિ જણાવી જ દે છે કે એ સરસ અંત એટલે શું? કવિના આકાશને હજીયે ઉઘાડ નથી.. રહ્યું સહ્યું જળ હજુ ગળ્યા કરે જ છે છતમાંથી..!! સાથે કવિ રમેશ પારેખ પણ યાદ આવે –

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

કવિતા ન કરવા વિશે કવિતા – જયંત પાઠક

લયસ્તરો.કોમ ને પાંચમી વર્ષગાંઠ પર આપણા બધા તરફથી ખૂબ ખૂબ.. ખોબલો ખોબલે… આકાશ ભરી પ્રિતે.. હ્રદયપૂર્વક શુભેચ્છાઓ અને અભિનંદન.. અને હા, લયસ્તરો પર birthday special – યાદગાર ગીતો શ્રેણી માણવાનું ભૂલશો નહીં.

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?

ના, ના, એવું એવું તો ના થાય –
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
– એટલે કે કશું થાય જ નહીં !

– જયંત પાઠક

કવિતા કરવા વિશે તો ઘણી કવિતાઓ રચાઈ છે પણ કવિતા ન કરવા વિશે તો આ એક કવિતા જોવામાં આવી છે ! કવિએ કવિતા ન હોય તો શું થાય એના વર્ણનમાં બહુ નાજુક રૂપકો વાપર્યા છે. (જલપરીના પવનવસ્ત્રોથી વધારે નાજુક શું હોઈ શકે ?!!) પણ કવિની ખરી ખૂબી તો અંતની ચોટમાં દેખાય છે. કવિતા વિના એક રીતે તો કશું જ થાય એ કેટલી સરસ રીતે – વિચારતા કરી મૂકે એવી રીતે – આવે છે એ કવિની સિદ્ધહસ્તતાની સાબિતી છે. – ધવલ શાહ
(આભાર : લયસ્તરો.કોમ)