Category Archives: કાવ્યપ્રકાર

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી…. – સુરેશ દલાલ

સ્વર : હંસા દવે , ગીતકાર : સુરેશ દલાલ , સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
GopalKrishna

.

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
મને સૂતીને સપને જગાડ્યા કરી

બાંવરી આ આંખ મારી આમ તેમ ઘૂમે
ને ઝાંઝરથી લજ્જા વેરાય
એકલીના મહેલમાં ઓશિકે જોઈ લ્યોને
મધુવનમાં વાયુ લહેરાય

હું તો બાહુના બંધમાં બંધાયા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

નીલરંગી છાંય થઈ તારો આ સૂર મારી
યમુનાના વહેણ માંહી દોડે
જાગીને જોઉં તો જાણું નહીં કે
કેમ મોરપીંછ મ્હેકે અંબોડે

મને અનહદના રંગમાં ડૂબાડ્યા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

પરોઢનાં ચિત્રો – ઉદયન ઠક્કર

આ ગઝલમાં જેમ સુંદર સવારનું વર્ણન છે, એમ નવા વર્ષની દરેક સવાર જીવનમાં વધુ સુંદરતા લાવે એવી દરેકને હાર્દિક શુભેચ્છાઓ… !!

happy new year

બરફવાળા ગોળાની લિજ્જત હશે
સૂરજની ઉપર, રાતું શરબત હશે !

જુઓ, સૂર્યની લાલ આંખો જુઓ !
જરૂર રાત્રે કોઇ જિફાયત હશે…

સૂરજ બૂલડોઝર અને તારલા…
એ ઝૂંપડીમાં કચડાતી રૈયત હશે !

સવારે છે માણેક, બપોરે હીરો !
સૂરજની કિંમત વિશે, બે મત હશે.

સૂરજ લિ.ના ઇસ્યૂનું ભરણું ખૂલ્યું :
દરેક ડાળે કલબલને મસલત હશે.

નકર તારલા રાતપાળી ન લે …
ટકા વીસ બોનસની સવલત હશે.

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે… – રમેશ પારેખ

રમેશ પારેખનું આ ગીત પહેલી વાર સાંભળ્યું, ત્યારે ગમ્યું તો ખરું.. પણ જેમ જેમ વધારે સાંભળ્યું, એમ એમ વધારે ગમે છે… અને હવે તો આ ગીત સાંભળું, કે તરત સેન ફ્રાંન્સિસ્કો જ યાદ આવે… કારણ કે ‘કહાની મે ટ્વિસ્ટ’.. જેવું ઘણું બધું એ શહેરમાં અનુભવ્યું છે….

ભગવાને ત્યાં ખુલ્લા હાથે કુદરતી સૌંદર્ય વેર્યું છે… ( આપણે મોરપિચ્છ પર એક વાર સેન ફ્રાંન્સિસ્કોની મુલાકાત લીધી હતી.. યાદ છે ને ? ) આમ તો જોવાલાયક બધા સ્થળો પર 2-3 વાર ગઇ છું.. પણ તો યે એ ઉંચા-નીચા રસ્તાઓ… Ferry Building થી Pier 39 સુધીની morning walk… BART કે Metro Muni ની મુસાફરી.. જ્યાં જવું હોય ત્યાં મોટેભાગે સાઇકલ પર જવું અને પાછા વળતી વખતે નવા રસ્તા explore કરવાની લાલચમાં ખોવાઇ જવું.. એવું ઘણું બધું છે જે હજુ પણ યાદ આવે છે…. એમ થાય છે કે થોડા દિવસની રજા મળે… એ ઘર અને મારી સાઇકલ પાછી મળે… તો એ શહેરને મન ભરીને માણી લઉં…


સ્વર : સોલી કાપડિયા

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

( આભાર : લયસ્તરો )

( કવિ પરિચય )

Happy Birthday…!! to ‘શબ્દો છે શ્વાસ મારા’

આજે ૨૯મી ડિસેમ્બર, ૨૦૦૬ – ગુજરાતીભાષાના સ્વરચિત કાવ્યોના સૌપ્રથમ બ્લોગ ‘શબ્દો છે શ્વાસ મારા’નો પ્રથમ જન્મદિવસ. ગુજરાતી બ્લોગજગતથી પરિચિત કોઇ પણ વ્યક્તિને ‘ડો. વિવેક મનહર ટેલર’ નામ સાથે બીજી કોઇ ઓળખાણ આપવાની જરૂર નથી.

એમના બ્લોગ પર એક વાર એક comment વાંચી હતી. “હવે ધીમે ધીમે તમારી કવિતાના પ્રેમમાં પડતો જાઉં છું” આ વાત મારા જેવા ઘણા લોકો માટે સાચી છે… !!

એમની ઘણી ગઝલો એવી છે, કે જેમાંથી ગમતા એક-બે શેર શોધી જ ન શકો… આખે આખી ગઝલ જ ખૂબ ગમી જાય… ઘણીવાર તો એવું પણ લાગે, કે આ વિવેકભાઇ મારી અંગત લાગણીને આટલું સુંદર શબ્દ સ્વરૂપ કેવી રીતે આપે છે ? એમની ઘણી બધી ગઝલોની નાયિકા એક સ્ત્રી જ હોય છે, કદાચ એટલે આવું લાગતું હશે .

વિવેકભાઇની ગઝલોમાંથી ગમતા ઘણા બધા શેરમાંથી થોડા આજે અહીં પ્રસ્તુત કરું છું.. આશા છે.. આ સંકલન ગમશે.

SCSM

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

મારી વફાદારીનો સિરો કોણ છે એ પ્રશ્નનો,
વિશ્વાસ હો તો ઠીક, બાકી વિશ્વમાં ઉત્તર નથી.
Continue reading →

ટહુકો – મધુ શાહ

tahuko

તારો એક ટહુકો દઇ દે મને
મારું જીવનસંગીત સંપૂર્ણ તારું.

અપેક્ષા તારા એક જ સ્મિતની ને
મુજ જીવનભરનું હાસ્ય તારું.

મારી તરસ માટે તારી એક જ પ્યાલી
ને મારા જીવનસાગરનું જળ તારું.

તારા ફૂલની જો એક પાંદડી મળે
મારું આ જીવનવન તારું.

તારી એક જ પળ હું માંગુ પ્રભુ
લે બદલામાં આખું જીવન મારું.

કલરવની દુનિયા – ભાનુપ્રસાદ પંડ્યા

દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોયે પગરવની દુનિયા અમારી !

કલબલતો થાય જ્યાં પહેલો તે પહોર
બંધ પોપચાંમાં રંગોની ભાત !
લોચનની સરહદથી છટકીને રણઝણતું
રૂપ લઇ રસળે શી રાત

લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી

ફૂલોના રંગ રિસાય ગયા, જાળવતી
નાતો આ સામટી સુગંધ !
સમા સમાના દઇ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !

ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી.

( સાથે વાંચો, અંધની ગઝલ – લયસ્તરો પર )  

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો.. – રમેશ પારેખ

aalap-1

આજે 27 ડિસેમ્બર. મારા ભત્રીજા – ‘આલાપ’નો જન્મદિવસ… આલાપ આવ્યો, અને ઘરની સૌથી નાની વ્યક્તિ તરીકેની મારી પદવી એણે લીધી.. સાથે સાથે ઘરના સૌથી જવાબદાર વ્યક્તિ તરીકેની પણ. ( એના આવ્યા પહેલા તો એવું હતુ ને, કે ઘરમાં કશે પણ કંઇ પણ આમ-તેમ થાય, એટલે એની જવાબદારી મારી જ હોય, એવું નક્કી.. ) એ ઘણો નાનો હતો ને, ત્યારે તો એના ઘણા બધા નામ હતા..હું કોઇકવાર ઢીંગલી કહીને બોલાવતી.. હવે જો એવું કહું તો છણકો કરે, “ફોઇ… હું કંઇ છોકરી છું ??”

મારુ ચાલે તો ઘણું બધું લખું આજે… પણ હવે તમારો વધુ સમય નથી લેવો…

ચાલો.. એક સરસ મજાનું બાળગીત સાંભળીયે.. આ ગીત સાંભળીને તમારું બાળપણ, તમારી સ્કૂલ, બાલમંદિર, કે બાળપણના એ મિત્રો યાદ ન આવે તો કહેજો..!!

સ્વર / સંગીત : ??

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ

ભીનાશનું કારણ અને તારણ – સૌમ્ય જોશી

વર્ષો પછીથી આજ પાછી શાયરી કહેવાઇ ગઇ,
મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઇ ગઇ.

તીવ્રતા બુઠ્ઠી થઇ ને ગાલગાના બંધનો,
બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઇ ગઇ.

એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.

શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું,
એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઇ ગઇ.

આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
એક નદી મારા સુઘી આવી અને ફંટાઇ ગઇ.

ઝાકળ – કિર્તીકાંત પુરોહિત

રાતભર ફૂલનું દિલ બળે,
કીર્તિ જેવું ઝાકળ મળે.

માન હો કે અપમાન હો,
બન્નેમાં દશા ખળભળે.

લાગણીને શું દઉં હવા,
સહેજ તિરાડે નીકળે.

તું કહે તે મંજૂર હશે,
જો જરા આ પાંપણ ઢળે.

વાત થઇ શકશે આપણી,
જો અહંની આડશ ટળે.

ટેકરા-ખાડા નકશામાં,
સાવ સીધા છે કાગળે.

જે દુઆ તેં દીઘી નથી,
કોણ જાણે શાને ફળે !

આંખે વરસે વર્ષા પછી,
કોઇ વાદળની અટકળે.

‘કીર્તિ’ ત્યારે બસ ચેતજો,
દોસ્ત પાછળ ટોળે વળે.

બસ ઓ નિરાશ દિલ… – મરીઝ

સ્વર : સોલી કાપડિયા


.

સંગીતમાં છું મસ્ત, સુરામાં તર છું
માનું છું ગુનાહોનું સળગતું ઘર છું
પણ તુજથી દરજ્જામાં વધુ છું ઝાહિદ
દુનિયાથી તું પર છે, તો હું તુજ થી પર છું

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે
લાગે મને કે જગમાં બધા કામયાબ છે.

એમાં જો કોઇ ભાગ ન લે મારી શી કસૂર ?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.