અમે શરદનાં વાદળાં
કે નદિયું ને કે’જો કે ઝંખે ના નીર !
હરણાં હવાનાં થઇ હાલીએ
પારધીને કે’જો કે તાકે ના તીર !
હસીએ ટગર ફૂલ જેમ,
કોઇ ડોલરની મશે ના આવજો સમીપ !
અમે અંધારે કેડિયું ઓળખી
માઢ મેડીને ગોખલે મેલો મા દીપ !
ચાર ભીંત્યુંની સંકડાશ મેલી
કે આભ આ લેતું ઓવારણાં !
મ્હેલ, રોશો મા પીંગળાની જેમ
કે વનનાં ઝીલીએ વધામણાં !