Category Archives: સૌમ્ય જોશી

વાગ્યો રે ઢોલ – સૌમ્ય જોશી

સંગીત : મેહુલ સુરતી 
સ્વર: ભૂમિ ત્રિવેદી
આલ્બમ: હેલારો 

.

વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ 
મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ,
પહોળું થયું રે પછી પહોળું થયું, 
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું.

ઝાલી મને કે, મેં જ ઝાલી મને, 
જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને,
હાંફી ગઈ રે, હું તો હાંફી ગઈ 
સહેજ અમથા હરખમાં હાંફી ગઈ.

ઉંધી જ નહિ તોયે ઊંઘી જ નહિ,
ઉંધી જ નહિ તોયે ઊંઘી જ નહિ,
થોડા સપના જોવાને હાટુ ,ઊંઘી જ નહિ 
હવે કાળો ટીકો એક કાળો ટીકો ,
મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો.

વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ 
મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ,
પહોળું થયું રે પછી પહોળું થયું, 
એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું.
– સૌમ્ય જોશી 

હૈયા – સૌમ્ય જોશી 

સંગીત : મેહુલ સુરતી 
સ્વર: શ્રુતિ પાઠક, આદિત્ય ગઢવી  
આલ્બમ: હેલારો 

.

મારા હૈયાનાં ઝાડવાની હેઠ..

ઠેક્યા મેં થોરિયા, ને ઠેકી મેં વાડ
ઠેક્યા તેં દીધેલા ઊંચેરા પ્હાડ,
ઠેકી મેં ઠોકર, ને ઠેકી મેં ઢીંક,
ઠેકી તેં દીધેલી ઊંડેરી બીક,
ઠેકી-ઠેકીને હવે પહોંચી છું ઠેઠ,
મારા હૈયાનાં ઝાડવાની હેઠ.

ઠેકયા મે થોરિયા ને ઠેકી મેં વાડ,
ઠેકયા તે દીધેલા ઊંચેરા પહાડ,
ઠેકી મેં ઠોકર ને ઠેકી મેં ઢીક,
ઠેકી તે દીધેલી ઉંડેરી બીક,
ઠેકી ઠેકી ને હવે પહોંચી છું ઠેઠ,
મારા હૈયાનાં ઝાડવાની હેઠ.

છોડ્યા મેં ઉંબરાં, ને છોડી મેં પાળ,
છોડી તે પાથરેલી આખી જંજાળ,
છોડ્યા મેં સરનામાં ને છોડ્યું મેં નામ,
છોડ્યું સીમાડાનું છેવટનું ગામ,
છોડી છોડી હવે પહોંચી છું ઠેઠ,
મારા હૈયાનાં ઝાડવાની હેઠ.

ઢોળ્યાં મેં ઢોળ્યાં તે દીધેલા ઘૂંટ,
હવે મારી ઝાંઝરી ને બોલવાની છૂટ,
ખીલેથી છૂટ્યા છે ઓરતાના ધણ,
વીરડાને ભાળે હવે મીઠાના રણ
રણના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ, 
મારા હૈયાનાં છાંયડાની હેઠ.
-સૌમ્ય જોશી 

સપના વિનાની રાત – સૌમ્ય જોશી

સંગીત : મેહુલ સુરતી 
સ્વર: આદિત્ય ગઢવી 
આલ્બમ: હેલારો 

.

હે ધીંગી ધજાઓ ફરકે રે માતાજી તારે ઘેર,
રમવા વહેલી આવજે માળી કરજે અમ પર મહેર..

વેંત છેટા અજવાસ છે અને વેંત છેટા છે તેજ,
પગલાં કે’તા બેડીઓને આજ ચાલવા દેજો સ્હેજ..

તારી નદીયુ પાછી વાળજે,
તારી વીજળી ભૂંસી નાંખજે,
તારા પગના ઝાંઝર રોકજે,
તારી કેડીએ બાવળ રોપજે,

ને માવડી પાસે માંગજે ખાલી,
સપના વિનાની આખી રાત.
– સૌમ્ય જોશી

અસવાર -સૌમ્ય જોશી

જ્યારથી ગુજરાતી ભાષા ની ફિલ્મ બનવાની શરૂ થઈ (1932થી) ત્યાર સુધીમાં કોઈપણ ગુજરાતી ફિલ્મને સુવર્ણ કમલ એટલે ભારત આખાં ની શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હોય તેવી ઘટના 2019ની ગુજરાતી ફીચર ફિલ્મ “હેલ્લારો” છે. આ ફિલ્મ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ ફિલ્મ છે જેને આવું સન્માન રાષ્ટ્રીય સ્તરે મળ્યું હોય! ગુજરાતીઓ માટે આ આનંદ અને ગૌરવની રળિયામણી ઘડી છે !

ફિલ્મના ડાયરેક્ટર અભિષેક શાહ,સંગીતકાર મેહુલ સુરતી,ગીતકાર સૌમ્ય જોશી ત્રણ વર્ષથી આ ફિલ્મ ઉપર કામ કરી રહ્યા છે,ફિલ્મનું શૂટિંગ કચ્છમાં થયું છે.ફિલ્મના દરેક ગીતો એક અદભુત જાદુ રચે છે.ગીતોનો સ્વર ઐશ્વર્યા મજુમદાર ,આદિત્ય ગઢવી,ભૂમિ ત્રિવેદી,શ્રુતિ પાઠક,મુરાલાલ એ આપ્યો છે.આ ફિલ્મ દબાયેલી લાગણીને સંગીતમય રીતે બહાર કાઢવાની વાત રજુ કરે છે જેમાં કચ્છી મહિલાઓની અભિવ્યક્તિને સુંદર રીતે દર્શાવામાં આવી છે.

ભારતમાં આ ફિલ્મ આઠ નવેમ્બરે રિલીઝ થઇ રહી છે,તો એની સાથે આ પહેલું ગીત ટહુકો ઉપર મૂકતા ખુબ આનંદ અને ગર્વ અનુભવું છું.
ફિલ્મનું ટ્રેલર ;https://www.youtube.com/watch?v=qb8uOylK3R4

સંગીત : મેહુલ સુરતી 
સ્વર: ઐશ્વર્યા મજુમદાર , મુરાલાલ મારવાડા 
આલ્બમ: હેલારો 

.

જેના હાથમાં રમે છે મારી મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીયો…..
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે … 
હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે ને હું તાલી દઉં 
 
એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે.. 
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે ..
એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં… 
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે … 
હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે ને હું તાલી દઉં
  
એણે ચાલતી ન’તી હું તોય આંતરી ..
મારે છેતરાવું’તું એવી છેતરી ..
એણે પગલી પાડી હું કેડી થઉં .. 
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે … 
હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે ને હું તાલી દઉં  
– સૌમ્ય જોશી

કેટલાક તડકા કેટલા આકરા હોય છે – સૌમ્ય જોશી

કેટલાક તડકા કેટલા આકરા હોય છે
[ઘઉંની ગૂણ ઉપાડતા મજૂરનું અછાંદસ]

કાવ્ય પઠન : સૌમ્ય જોશી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયા એનાં છેલ્લાં ચપ્પલ.
હવે,
કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે.
ને હરામખોર સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.

ભગવાન મહાવીર અને જેથો ભરવાડ –સૌમ્ય જોશી

કવિ અને નાટ્યકાર સૌમ્ય જોશીનું ખૂબ જ જાણીતું અને માનીતું આ અછાંદસ કાયમ મુશાયરામાં અને કવિ સંમેલનોમાં હજીયે ખૂબ્બ જ દાદ લઈ જાય છે… આ અછાંદસ વાંચવા માટેનું નથી, સાંભળવા માટેનું છે.  એટલે જ્યારે તમે પહેલીવાર આને સાંભળો, ત્યારે શબ્દો વાંચ્યા વિના માત્ર આંખો બંધ કરીને જ સાંભળજો… પછી અમને કહેજો કે તમને એ કેવું લાગ્યું.   :-)

mahavir-bharavaad

આ સ્યોરી કે’વા આ’યો સુ ને ઘાબાજરિયું લા’યો સુ.
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
અવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય ને સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી, સાચ્ચેન.
અવે પેલાએ ખીલ્લા ઘોંચ્યા એ ખોટું કર્યું, હું યે માનું સું,
પણ એને ઓસી ખબર અતી કે તું ભગવાન થવાનો સ!
અને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો.
એનું તો ડોબું ખોવાઈ ગ્યું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તાર લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલ્લા.
વાંક એનો ખરો,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
અવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
અવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ !
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછીયે તને ઈમ થ્યું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂસવા,
ઉં ખાલી એટલું કઉ’સું.
કે વાંક બેનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સે તારા આરસના,
એક પાઠ નહિં ઓય તો કંઈ ખાટુંમોરું નઈં થાય,
ને તો ય તને એવુ હોય તો પાઠ ના કઢાઈ, બસ !
ખાલી એક લીટી ઉમરાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ ગ્યો સે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો સે!

– સૌમ્ય જોશી

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર – સૌમ્ય જોશી

વિવેક આ ગઝલ માટે કહે છે:
ઈશ્વર ઉપર લખાયેલી ઢગલાબંધ કવિતાઓમાં આ ગઝલ એનું અલગ જ પોત લઈને મોખરે પહોંચતી હોય એવું નથી લાગતું? ભગવાનની આવી સુંદર ધોલાઈ કદી જોઈ છે ખરી? છ એ છ શે’ર એવા નિપજ્યા છે કે ભગવાન જો ક્યાંય હોય અને આ ગઝલ વાંચી બેસે તો અચૂક હાર્ટ-એટેક આવી જાય…

મન વગર મેં એ રીતે દર્શન કર્યું,
દોસ્ત, એણે જે રીતે સર્જન કર્યું

* * * * *

ગઝલ પઠન – સૌમ્ય જોશી

.

સ્વર – સંગીત : આલાપ દેસાઇ

.

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

– સૌમ્ય જોશી

ભીનાશનું કારણ અને તારણ – સૌમ્ય જોશી

વર્ષો પછીથી આજ પાછી શાયરી કહેવાઇ ગઇ,
મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઇ ગઇ.

તીવ્રતા બુઠ્ઠી થઇ ને ગાલગાના બંધનો,
બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઇ ગઇ.

એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.

શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું,
એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઇ ગઇ.

આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
એક નદી મારા સુઘી આવી અને ફંટાઇ ગઇ.