આજે ૨૯મી ડિસેમ્બર, ૨૦૦૬ – ગુજરાતીભાષાના સ્વરચિત કાવ્યોના સૌપ્રથમ બ્લોગ ‘શબ્દો છે શ્વાસ મારા’નો પ્રથમ જન્મદિવસ. ગુજરાતી બ્લોગજગતથી પરિચિત કોઇ પણ વ્યક્તિને ‘ડો. વિવેક મનહર ટેલર’ નામ સાથે બીજી કોઇ ઓળખાણ આપવાની જરૂર નથી.
એમના બ્લોગ પર એક વાર એક comment વાંચી હતી. “હવે ધીમે ધીમે તમારી કવિતાના પ્રેમમાં પડતો જાઉં છું” આ વાત મારા જેવા ઘણા લોકો માટે સાચી છે… !!
એમની ઘણી ગઝલો એવી છે, કે જેમાંથી ગમતા એક-બે શેર શોધી જ ન શકો… આખે આખી ગઝલ જ ખૂબ ગમી જાય… ઘણીવાર તો એવું પણ લાગે, કે આ વિવેકભાઇ મારી અંગત લાગણીને આટલું સુંદર શબ્દ સ્વરૂપ કેવી રીતે આપે છે ? એમની ઘણી બધી ગઝલોની નાયિકા એક સ્ત્રી જ હોય છે, કદાચ એટલે આવું લાગતું હશે .
વિવેકભાઇની ગઝલોમાંથી ગમતા ઘણા બધા શેરમાંથી થોડા આજે અહીં પ્રસ્તુત કરું છું.. આશા છે.. આ સંકલન ગમશે.
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.
—
મારી વફાદારીનો સિરો કોણ છે એ પ્રશ્નનો,
વિશ્વાસ હો તો ઠીક, બાકી વિશ્વમાં ઉત્તર નથી.
—
જવા દઉં આ જીવનમાંથી તને હું, વાત ખોટી છે,
તું ભર સામાન રોજેરોજ, હું ખાલી કરું કાયમ.
—
વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.
—
ફંફોસતો રહ્યો હું જીવનભર અહીં-તહીં,
ખોલ્યાં નયન, હતી તું મારા સંનિવેશમાં.
—
બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો,
એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.
—
વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.
—
સંબંધ આપણો ટકે શી રીતે બાકી તો,
નાજુક હો તો ય તાંતણો વચમાં ખચીત છે.
—
જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !
—
કાયમ રહી ભલે ને આ આંખો અરસ-પરસ,
ભીતર કદી ન ખૂટી એ રણ ની તરસ હતી.
—
અંતર બે દિલની વચ્ચેનું વધશે નહીં જરી,
વચ્ચે જો મોકળાશનો અવકાશ હોય તો.
—
મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.
—
આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
ચાંદ સમ તું ગઈ એ દિ’ થી ક્યાં ઊગે છે ચાંદની ?!
—
સપનામાં આવી ગઈ છે તું, પાછાં જવાય નહિ,
કોશિશ છે મારી, આંખ હવે ખૂલી જાય નહિ.
—
મતભેદ સારાં આ હતાં મનભેદથી વધુ,
લડતાં તો લાગતું કે હા, છીએ હજી અમે.
—
બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.
—
અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.
—
સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.
—
સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
—
રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.
—
મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,
વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ?
—
શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.
—
ક્ષોભ શાનો ? આટલી મોટી સભામાં કોઈ નહિ,
પ્રેમની મહેફિલમાં બે બસ, પ્રેમમાં ટોળા ન હોય.
—
લૂંટાવી દીધું મેં સર્વસ્વ મારું એ જ વિશ્વાસે
કે તું દેતો નથી કોઈને પણ વચનો કદી ઠાલા.
—
લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.
—
આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?
—
જો, ધ્યાનથી જો ! ત્યાં સદા મળશે સવાર,
આ ઊંઘમાંથી જે ઘડી જાગી શકાય.
—
કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય.
—
અસ્તિત્ત્વનો ખાલીપો ભરવો શક્ય છે,
કોઈ એક ચહેરે સ્મિત જો આણી શકાય.
—
જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
—
હોઠમાં દુનિયાએ જે સીવી દીધું,
ગીત મારે એ જ ગાવું છે હવે.
—
હું જ મારામાં મને ખૂલતો જણાઉં,
માત્ર તુજને ચાહવાની આ ક્ષણે.
—
બળતું અફાટ રણ અને છાંયો શીતળ મળે ?
મુમકિન છે, તારા વિશે વિચારી શકું અગર.
—
લાગી આવ્યું ઓસને, ઊડી ગયું…
ફૂલે ખુશ્બૂને કહ્યું શું ગેલમાં ?
—
કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.
—
તને ઘાનું રૂઝવું શેં ગમતું નથી ?
શું પાછો જવાને તું પાછો ફર્યો ?
—
ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.
બહુ સુદર પકીતઔ આભાર
પ્રિય જયશ્રીબહેન,
તમારી ટહુકા.કોમના મેદાનમાં ફરતાં ફરતાં કંઇકને કંઇક મળી જ જાય છે. ડૉ.વિવેકભાઇ મને પોસ્ટો મોકલે જ છે પણ ઘણી વાર જુનું પણ નવું અને મીઠું લાગે છે.બાકી તો શ્રી વિવેકભાઇની આભારની પોસ્ટ પણ વાંચી કે ‘અચાનક આ પૉસ્ટ જોઈને હું અવાચક થઈ ગયો છું… આભાર માનવાને જ્યારે શબ્દો ન જડે ત્યારે સમજવું કે જરૂરતથી વધુ બહુમાન થઈ ગયું છે. મારા માટે આ સમયથી વહેલું અને લાયકાતથી વધારે છે… આ ભાર હું ઉપાડી શકું તો સારું’
ખરેખર તેઓની એક મહાનતા છે કે તેઓ વધુ બહુમાન ના હક્કદાર હોવા છતાં તેઓ વિચારે છે કે જરૂરતથી વધારે માન આપેલું છે.
લી.પ્રફુલ ઠાર
[…] Posted by Jayshree on 03/15/08 in agreegator એવા આપણા વ્હાલા વિવેકભાઇને આજે ફરી કહીએ – Happy Birthday..!! સુરેશ દલાલના આ શબ્દો કોઇક પુસ્તકમાં વાંચ્યા હતા એકવાર – કવિનો જન્મદિવસ ઉજવવાની સૌથી ઉત્તમ રીત – એમની રચનાઓ માણીને ! આ પહેલા વિવેકભાઇના કેટલાક શેરોનું સંકલન આપણે એકવાર માણ્યું છે – એમના બ્લોગના જન્મદિવસે. આજે એમના જન્મદિવસે પણ એવું જ એક મારા ગમતા શેરોનું સંકલન આપવાનો પ્રયાસ કરું છું. આશા છે કે આપને ગમશે. કોયલ બેઠી પર્ણઘટામાં; હવે વૃક્ષ ટહુકે !! ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર, ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ. […]
બાવફા ને બેવફા ફક્ત માત્રાનો ફરક ટૂઁકમાઁ કેટલું બધું કહી દે છે.
અચાનક આ પૉસ્ટ જોઈને હું અવાચક થઈ ગયો છું… આભાર માનવાને જ્યારે શબ્દો ન જડે ત્યારે સમજવું કે જરૂરતથી વધુ બહુમાન થઈ ગયું છે. મારા માટે આ સમયથી વહેલું અને લાયકાતથી વધારે છે… આ ભાર હું ઉપાડી શકું તો સારું…
જયશ્રી,
સુંદર… શબ્દોને માન આપવા બદલ આભાર.
જયશ્રી,
આવા સરસ સંકલન બદલ આભાર,
ડૉ.વિવેક – આવી સરસ રચનાઓ બદલ ખુબ ખુબ અભિનંદન.
જયશ્રી,
બહુ જ સરસ સંકલન. વિવેકભાઇની આ સુંદર રચનાઓનુ સંક્લન કદાચ માનવીના જીવનમાં અનુભવાતાં ભાવો ને વાચા આપતું જણાય છે. ‘અંતર બે દિલની વચ્ચેનું વધશે નહીં જરી,વચ્ચે જો મોકળાશનો અવકાશ હોય તો.’ થી જરૂર દિલોની લાગણી, સંવેદના અને ‘ભાવની ભીનાશ’ ને જીવન મળશે.
પ્રિતમ લખલાણી ની કાવ્યપંક્તિઓ ટાંકું છુ. ‘મારાં ઘરની ભિંત પછી ફક્ત ભિંત ન રહે એટલે, મીરાં, મેં ત્યાં તારી છબી મૂકી છે.’
જય
Excellent Collection!!! Really nice.. Thanx for posting it!!!