આજે ટહુકો કરશે અમદાવાદ આકાશવાણી 🙂 (એટલે કે આકાશવાણીના એક Programનું Live Recording તમારા માટે) – પ્રસ્તુતકર્તા – સૌના જાણીતા અને માનીતા કવિ તુષાર શુક્લ.
સ્વર – સંગીત : દિલીપ ધોળકિયા

.
ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો
જીરણ એની કાયા,
રે હો જીરણ એની કાયા:
કાંકરી-ચૂનો રોજ ખરે ને
ધ્રૂજે વજ્જર-પાયા,
રે હો ધ્રૂજે વજ્જર-પાયા !–ભીંત.
પાંદડે પાંદડે તેજ ફરૂકે,
મૂળ ઊંડેરા ઘાલે,
રે હો મૂળ ઊંડેરા ઘાલે :
ચોગમ આડા હાથ પસારી
ગઢની રાંગે ફાલે,
રે હો ગઢની રાંગે ફાલે–ભીંત.
કોક કોડીલી પૂજવા આવે,
છાંટે કંકુ-છાંટા,
રે હો છાંટે કંકુ-છાંટા :
સૂતરનો એક વીંટલો છોડી
ફરતી એકલ આંટા,
રે હો ફરતી એકલ આંટા–ભીંત.
ભીંત પડી, પડ્યો પીપળો એક દી
ડાળિયું સાવ સૂકાણી,
રે હો ડાળિયું સાવ સૂકાણી :
ચીરતો એનું થડ કુહાડો,
લાકડે આગ મુકાણી,
રે હો લાકડે આગ મુકાણી-ભીંત.
જડને ટોડલે ચેતન મ્હોરે,
પૂજવા આવે માયા,
રે હો પૂજવા આવે માયા :
લાખ કાચા લોભ-તાંતણે બાંધે,
મનવા ! કેમ બંધાયા?
મારા મનવા !કેમ બંધાયા ?–ભીંત.





