Category Archives: રવિન નાયક

કેસૂડાના રંગ ભરી… – અમિત ત્રિવેદી

સ્વર – સ્વરાંકન : રવિન નાયક

(Picture from : Flicker.Com)

કેસૂડાના રંગ ભરી, સપનાનો સંગ કરી આવ્યો પવન
સાંવરિયો નેહ ભરી,ઘરનું સરનામું લખી લાવ્યો પવન

સર સર સરતો સમીરા ,
ફર ફર ફરતી ફોરમ
રંગ રંગ મ્હોર્યો ઊમંગ,
બારસાખે બાંધીને તોરણ

હૈયામાં ગીત ભરી, કોકિલ કંઠ બની આવ્યો પવન
સોનેરી રંગ ભરી સાંવરનું નામ લખી લાવ્યો પવન

ધોમ ધોમ વૈશાખી તાપનો ,
અગન ઠારતો પવન
અષાઢી મેઘલી રાતે,
રોમ રોમ છલકે મધુવન

મખમલિયા સપના, મનગમતા ઠામે દોરી લાવ્યો પવન
ખાલીખમ આંખોમાં, રેશમિયું અજવાળું લઇ આવ્યો પવન

– અમિત ત્રિવેદી

બીજું હું કાંઇ ન માગું – ‘બાદરાયણ’

ટહુકો શરૂ કર્યાના બસ થોડા જ દિવસોમાં ફક્ત શબ્દોમાં પ્રસ્તુત કરેલી આ સ્તુતિ – આજે રવિન નાયકના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર….

થોડા દિવસો પહેલા જ વડોદરાના ‘રે મ પ ની’ ગ્રુપની સી. ડી. – અંતરનો એક તાર (ભાવગીતો) જે Children’s University, Gujarat દ્રારા બહાર પાડવામાં આવી છે.

Aapne taaraa

 

 

********

સ્વર-સ્વરાંકન : રવિન નાયક

********

Posted on June 25, 2006

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.

સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઇ મસ્ત હું રાચું.

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું

‘બાદરાયણ’ – ભાનુશંકર બા. વ્યાસ

આ વાયરાના તોફાને આવેલા વરસાદે – ભાગ્યેશ જહા

આજે કવિ શ્રી ભાગ્યેશ જહાના મઝાના શબ્દોને માણીએ – રવિનભાઇના એવા જ મઝાના સ્વરાંકન સાથે. કઈંક તો એવું છે સ્વરાંકન શબ્દો અને ગાયકોના સ્વરમાં, કે બસ – વારંવાર વારંવાર સાંભળ્યા જ કરીએ..!! અને આમ ભલે હમણાં જ વસંતપંચમી ગઇ એટલે બધા વાસંતી મૂડમાં હશો – પણ અહીં ‘બે એરિયા’માં અમે હજુ વરસાદની રાહ જોઇએ છીએ..! આ વર્ષે વરસાદે ભીંજવાનું ઓછુ અને હાથતાળી આપવાનું કામ વધારે કર્યું છે – તો આ ગીત સાથે જરા વરસાદને આમંત્રણ પણ આપી દઉં મારે ત્યાં આવવા માટે…

સ્વર – રવિન નાયક અને સાથીઓ
સ્વરકાર – રવિન નાયક

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને....

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને…. Oct 2011 – San Francisco, CA

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે એણે આભ સાથે વાર્તા જોડી.

આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને, ને આભે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.

વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.

આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.
– ભાગ્યેશ જહા

રાત આખી આસપાસ – અંકિત ત્રિવેદી

સ્વર / સંગીત – રવિન નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી,
આંસુથી મેલા આ આંખોનાં આંગણાને,
વાળીને હમણાં પરવારી હો..

સૂરજનાં તાંતણામાં ડૂબેલી ઘટનાઓ,
ફાનસનાં અજવાળા ચૂએ;
પડછાયા ઓગળીને અંધારું થાય,
અને શમણાની ઓસરીમાં રૂએ.
બારીને ઝાપટીને ચોક્ખી કરૂં ત્યાંતો,
સેપટ ઉડે છે અણધારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી…

ચુલા પર સાચવીને કરવા મૂક્યો છે,
મેં પાછલી ઉમરનો વઘાર;
આંખોની નીચેનાં કુંડાળા શોભે છે,
વેદાનાનો લીલો શણગાર.
સૂની અગાસીનાં ટેકાએ ઉભેલી,
પૂનમ થઈ છે અલગારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી ….

– અંકિત ત્રિવેદી

રંગ રંગ વાદળિયાં – સુન્દરમ્

ધવલભાઇએ ‘યાદગાર ગીતો‘ શ્રેણીમાં કવિ શ્રી સુન્દરમ્ નું આ ગીત મુક્યું હતું, ત્યારથી જ એને અહીં મુકવાની ઇચ્છા હતી..! લો, આજે મુહુર્ત આવી ગયું. દિનેશઅંકલનું મઝાનું ગાડાવાળું ગીત સાંભળીને ગામડું.. અને બચપણ.. અને એવું બધું યાદ આવી જ ગયું, તો ચલો ને આ ઝાકમઝોળ બાળગીત સાંભળી જ લઇએ..!

અને હા – કવિ શ્રી સુન્દરમ્ ની જન્મતિથિ પણ ૨૨મી માર્ચે જ ગઇ..! તો એમને પણ યાદ કરી લઇએ..! મને સાચ્ચે અમદાવાદીઓની ઇર્ષ્યા થાય ઘણી વાર. જુઓ ને, ૨ દિવસ પછી ૪થી એપ્રિલે – કવિ શ્રી સુન્દરમ્ ના ગીતો સ્વરકાર અમરભાઇ પ્રસ્તુત કરશે (ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ – લલિતકલાકેન્દ્ર, અમદાવાદ). ચલો, મારા બદલે તમે જ જઇ આવજો :)

તો સાંભળો – કવિ શ્રી સુન્દરમ્ ના શબ્દો, રવિન નાયકનું એવું જ મઝાનું સ્વરાંકન – અને બાળમિત્રોની એટલી જ addictive પ્રસ્તુતિ.

સંગીત: રવિન નાયક
સ્વર: બાળવૃંદ

અમે નાહ્યાં હો રંગના ઓવારે...  Lower Yosemite Falls, CA - April 2008

અમે ગ્યાં’તાં હો રંગના ઓવારે... Lower Yosemite Falls, CA - April 2009

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

(જન્મ: ૨૨-૩-૧૯૦૮, મૃત્યુ: ૧૩-૧-૧૯૯૧)