Category Archives: બાલમુકુન્દ દવે

ફાગણ ફટાયો આયો – બાલમુકુંદ દવે

સૌ મિત્રોને હોળી – ધૂળેટીની શુભેચ્છાઓ..!! ગયા નવેમ્બર મહિનામાં કવિ શ્રી નીનુ મઝુમદારને સ્મરણાંજલી આપતો એક કાર્યક્રમ માણ્યો હતો – એમાં ઉદયભાઇએ એક ખૂબ જ મઝાનું ગીત સંભળાવેલું..!!

સમીર મંદ મંદ મંદ વાય પુષ્પકુંજમાં… ફાગ ખેલો હો હો રી ફાગ ખેલો..

બસ, ત્યારથી વિચાર્યું હતું કે કશેથી આ ગીત મેળવીને આવતી હોળી પર ટહુકો પર મુકીશ..! પણ મુકુલભાઇનો પેલો શેર યાદ છે?

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

બસ તો, મારી એ ગીત શોધવાની ઇચ્છા પણ હજુ સુધી નથી ફળી..! એટલે એ મઝાના ગીત માટે તો .. Stay Tuned! (તમને કશેથી મળે તો મોકલી આપજો!! Please !! 🙂 )

પણ હોળી -ધૂળેટીની મઝા હોળીના ગીત વગર કંઇ પૂરી થાય? માણીએ આ મઝાનું ફાગણ ગીત..! અને હા, થોડું શેકેલું નાળિયેર મારા તરફથી પણ ખાઇ લેજો! હોં ને? 🙂

ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે............

ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે…………

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે

પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.

કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

-બાલમુકુંદ દવે

પીઠી ચોળી લાડકડી ! – બાલમુકુંદ દવે

વ્હાલી પૂર્ણિમાને… ખૂબ ખૂબ વ્હાલ સાથે.. !

તું તુલસીનો ક્યારો લાડકડી !

સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – ?

પીઠી ચોળી લાડકડી !
ચૂંદડી ઓઢી લાડકડી !
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને
કરમાં કર સોંપ્યા લાડકડી !

મીઠી આવો લાડકડી !
કેમ કહું જાઓ લાડકડી ?
તું શાની સાપનો ભારો ?
-તું તુલસીનો ક્યારો લાડકડી !

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી !
આછેરી શીમળાની છાયા :
એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધાં લાડકડી !
આંખભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને
પારકાં કીધાં લાડકડી !

-બાલમુકુંદ દવે

જૂઠી ઝાકળની પિછોડી – બાલમુકુન્દ દવે

જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા ! શીદ રે જાણીને તમે ઓઢી ?
સોડ રે તાણીને મનવા ! સૂવા જ્યાં જાશો ત્યાં તો –
શ્વાસને સેજારે જાશે ઊડી!
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવામાં –
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મોરલાને પાછા રે વાળો વીરા !
સાચાં સરવરિયે દ્યો ને જોડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા !
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરા જી !
ચૂની ચૂની લેજો એને તોડી !
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

એવું રે પોઢો મનવા ! એવું રે ઓઢો મનવા !
થીર કે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા ! એવા જી ઊંઘવા કે –
કોઈ નો શકે સુરતા તોડી,
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

-બાલમુકુન્દ દવે

અત્તરિયાને – બાલમુકુન્દ દવે

ગઇકાલે જ નિલયભાઇએ આ ગીત યાદ કરાવ્યું – તો મને થયું કે આવા મઝાના ગીતનું અત્તર દેવામાં વાર શેની? ઘટડામાં ઘેન ભરતી આ કવિશ્રી બાલમુકુન્દ દવેની ગજબની દેન… માણો અને થાઓ અત્તરભીના…!!

******

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ;
દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે
છોગાની ખોટ ખમી લીજીએ.

ઊભે બજાર લોક આવે હજાર, એની
ઝાઝી ના પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.

આઘેથી પગલાંને પરખી લઈએ, ને એના
ઉરની આરતને પ્રીછીએ;
માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ
નજરુંની ડૂબકી દીજીએ

આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને એવો
ફાયો સવાયો કરી દીજીએ;
રૂંવે-રૂંવે સૌરભની લેર્યું લહેરાય, એવાં
ઘટડામાં ઘેન ભરી દીજીએ.

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

( આભાર : Readgujarati.com)

આકાશી અસવાર – બાલમુકુન્દ દવે

ઊની રે વરાળો પહોંચી આભમાં
ધરતી પાડે રે પોકાર;
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.

આવે રે દેકારા દેતો દખ્ખણે,
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા ! આવો અનરાધાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

છૂંટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ધોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.

નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
ધરતી-આભ એકાકાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.

– બાલમુકુન્દ દવે