જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા ! શીદ રે જાણીને તમે ઓઢી ?
સોડ રે તાણીને મનવા ! સૂવા જ્યાં જાશો ત્યાં તો –
શ્વાસને સેજારે જાશે ઊડી!
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવામાં –
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મોરલાને પાછા રે વાળો વીરા !
સાચાં સરવરિયે દ્યો ને જોડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા !
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરા જી !
ચૂની ચૂની લેજો એને તોડી !
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
એવું રે પોઢો મનવા ! એવું રે ઓઢો મનવા !
થીર કે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા ! એવા જી ઊંઘવા કે –
કોઈ નો શકે સુરતા તોડી,
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
-બાલમુકુન્દ દવે
સુઁદર ભાષા….સુઁદર શબ્દો !
સુઁદર ભાવ….બધુઁ જ સુઁદર !