આજે ફાગણ સુદ એકમ… અને હમણાં જ તો આપણે ‘ક્ષેમુ દિવેટીઆ સ્પેશિયલ’ અઠવાડિયુ ઉજવ્યું – તો પછી આજે રંગીલા ફાગણને આવકારવા આના કરતા વધારે સારું ગીત કયું હોય, બરાબર ને? ફાગણના અલગ-અલગ રંગોને કવિને ખૂબ સુંદર રીતે વણી લીધા છે ગીત માં – અને સાથે એવાજ ખુશાલીના રંગો ઉમેર્યા છે ક્ષેમુદાદાના સંગીત અને ભવન્સવુંદના સ્વરો એ..!!
આપણને ય જાણે મન થઇ જાય કે ટોપલામાં ફાગણ નાખીને વહેંચવા નીકળી પડીયે… કોઇ ફાગણ લ્યો… કોઇ ફાગણ લ્યો…!!
આ ગીત અગાઉ ટહુકો પર – ભુપિન્દરના સ્વરમાં તમે સાંભળ્યું હશે. પરંતુ જ્યારે ‘ ક્ષેમુ દિવેટીઆ‘ને ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ મળ્યાની ઉજવણી થતી હોય – તો કાશીનો દિકરો ફિલ્મનું ‘રાસબિહારી દેસાઇ’નો સ્વર મઢ્યું આ અમરગીત તો કેમ ભુલાઇ?
‘આભાસી મુત્યુનું ગીત’. કવિ સુરેશ દલાલ આ ગીતને ‘અકાળે આથમેલો સૂર્ય’ જેવું શીર્ષક આપીને કહે છે કે –
” રાવજી પટેલ અકાળે આથમ્યા, પણ ન આથમે એવું ગીત આપીને. આ કાવ્ય અંતિમ વિદાયનું છે પણ એનો ભાગ લગ્નગીતનો છે એટલે કે, વિદાયનું ગીત મિલનના લયમાં છે. આ લયનાં મૂળ લોકગીતમાં છે, પણ લયનું ફળ શોકગીતમાં છે. માણસ મૃત્યુની અંતિમ ક્ષણે શું અનુભવે છે એ તો લગભગ અકળ રહે છે. પણ માણસ અંતિમ ક્ષણ પહેંલા નજીક ને નજીક આવતા મૃત્યુનો સાક્ષાત્કાર કરે છે ત્યારે એની હ્રદયની ભાવસ્થિતિનો ચિતાર અને અત્યંત ઝીણો સૂક્ષ્મ ચિત્કાર કવિએ અહીં આપ્યો છે. આ ગીત વિશે ઘણું લખાયું છે અને લખાશે, કારણ કે આ કાવ્ય સહ્રદયને પડકારે એવું છે. ”
અને આવા કરુણાસભર શબ્દોને ક્ષેમુ દિવેટીઆ અને રાસબિહારી દેસાઇ જેવા દિગ્ગજોના સંગીત-સ્વર મળે ત્યારે કવિના શબ્દો જાણે વધુ ધારદાર થઇને હૈયામાં ઉતરે છે…
વાત સૂર-સંગીતની હોય કે પ્રેમની, રાધા-માધવ અને વાંસળી વગર અધૂરી જ કહેવાય… જાણે રાધાના આવતા એના ઝાંઝર રણકે એના અવાજ સાથે શરૂ થતું સંગીત અને એમાં આરતી મુન્શીનો વાંસળીના સૂર જેવો મીઠેરો અવાજ.. રાધા-માધવની સાથે સાથે આપણે ય સૂર સૂર થઇ જઇએ એવું ગીત…
ઘૂંટડે બુઝાતી ચિર પ્યાસ… કવિતાની, ગુજરાતી સુગમની ચિર પ્યાસને બુઝાવતો એક ઘૂંટડો પાતી ક્ષેમુ દિવેટીઆની આ રચના વિષે વધુ તો શું કહું? ખૂબ જ સુંદર શબ્દોને અનુરૂપ ગીત-સંગીત મળે ત્યારે આવી કોઇ રચના બને….
એ ગીત મુકી દીધું… ગરબાની કેટગરીમાં મુકી શકાય એવું આ લોકગીત ક્ષેમુદાદાએ ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ કર્યું છે.. અને સાથે વિભા દેસાઇ, માલિની પંડિત, હર્ષિદા રાવળ, જયશ્રી વોરા, આરતી મુન્શી અને સુધા દિવેટીયા એ સ્વર પણ એવો જ આપ્યો છે કે સાથે આપણને પણ ‘ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો…’ કરવાનું મન થઇ જાય…
આમ તો ગઝલ વિષે કેટલીય ગઝલો અને કવિતાઓ લખાઇ છે.. (કોઇવાર ગઝલ-સ્પેશિયલ ઉજવશું ટહુકો પર ! ) અને એ બધામાં ખાસ એવી આ રાજેન્દ્ર શુક્લની ગઝલ.. અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ… આહા..!! અને કવિના આ સુંદર શબ્દોને જ્યારે ક્ષેમુ દિવેટીઆનું સંગીત મળે, એમા શ્યામલ-સૌમિલની જોડીનો સ્વર ભળે…. એટલે તો કોઇ પણ ગઝલ પ્રેમી એને સાંભળ્યા જ કરે…
ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે ખુશીના સમાચાર… આપણા વ્હાલા સંગીતકાર શ્રી ક્ષેમુ દિવેટીઆને એમના સંગીતક્ષેત્રના પ્રદાન માટે ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ ‘ પૂજ્ય મોરારીબાપુ’ ના હસ્તે આવતી કાલે ’17મી ફેબ્રુઆરી’ ના દિવસે અર્પણ કરવામાં આવશે.
‘કાશીનો દિકરો’ માટે ‘શ્રેષ્ઠ સંગીતકાર’નો એવોર્ડ મેળવનાર શ્રી ક્ષેમુ દિવેટીઆની ‘સંગીત સુધા’ એ ગુજરાતી સુગમ સંગીતનો અમુલ્ય હિસ્સો છે. એમણે કેટલાય નાટકો માટે પણ સંગીત આપ્યું છે.. એમના ગીતો ગુજરાતી સંગીત જગતમાં એક અનોખું સ્થાન ધરાવે છે, અને એમનું યોગદાન માટે આપણે સર્વે એમના હંમેશા ઋણી રહીશું.
એમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આપણા બધા તરફથી શુભેચ્છાઓ સાથે આજથી એક અઠવાડિયા સુધી ઉજવીએ એમના ગીતોનો ઉત્સ્વ…
અને શરૂઆત કરીએ ‘કાશીનો દિકરો’ ફિલ્મના આ ગીતથી…
સ્વર – વિભા દેસાઇ
સંગીત – ક્ષેમુ દિવેટીયા
ગુજરાતી ફિલ્મ – કાશીનો દિકરો
Happy Valentines Day to Dear Friends and All Dear Ones… from Tahuko.com !
વેલેંટાઈન જેવો ગમતીલો દિવસ આવે એટલે જો કોઈ છોકરાનાં દિલમાં કોઈ છોકરી માટે કુછ કુછ હોતા હૈ જેવું થઈ ગયેલું હોય, તો એ છોકરીનાં સપના જરા વધારે જ આવવા માંડે. અને પ્રેમની બેકરારી વધતા કોઈ છોકરો કદાચ છોકરીને હિંમત કરીને પ્રપોઝ પણ કરી દે, પરંતુ જો એ છોકરી છોકરાને ‘ના’ પાડી દે તો…? તો બિચ્ચારા એ છોકરાના દિલની શું હાલત થાય ?!! એજ વાતને કવિ તુષાર શુક્લ આ ગીતમાં જરા હળવાશથી રજૂ કરે છે.
(છોકરાનું સપનું…)
સ્વર – સોનિક સુથાર
સંગીત – ગૌરાંગ વ્યાસ
.
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે,
કેટલુંયે સમજાવ્યું છોકરીએ છોકરાને, છોકરો ન માને કોઈ વાતે.
ચોખ્ખી ચણાક સાવ સમજી શકાય એવી છોકરીએ પાડી’તી ‘ના’,
ગલ્લા ને ઘેર કદી રાણી ના જાય એમ છોકરાને સમજાવવું આ,
લો ગાર્ડન પાસેથી છૂટા પડ્યા’તા હજુ હમણા તો સાત સાડા સાતે.
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…
મળવા છતાંયે જે ના બોલી શક્યો એણે સપનામાં કીધું મલકાતે,
ઓશિકા બદલે, ના સપના બદલાય મારી રાત હવે ગઈ ગયા ખાતે?,
‘ના’ પાડી તોયે આવી હાલત છે છોકરાની, ‘હા’ પાડી હોતે તો શું થાતે !
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…
અણગમતું આવે કે મનગમતું આવે, એ સપનું છે સપનાની મરજી,
સપનું આંજેલ આંખ કોઈથી ના ઉકલે, એ આંખો નથી રે કોઈ અરજી,
આંખોના સરનામે આવે સુગંધ, એને ઓળખવી પડતી રે જાતે.
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…