Category Archives: ઉશનસ્

બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન – ઉશનસ્

આલ્બમ : સંગત
સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન:
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન !

ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાણ.

કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન.

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ !

-ઉશનસ્

અષાઢે – ઉશનશ 

સ્વર: ઓસમાણ મીર 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી… અષાઢે તણખલું ના તોડીએ જી.

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી…. અષાઢે તણખલું ના તોડીએ જી.

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી…. અષાઢે તણખલું ના તોડીએ જી.

–ઉશનસ્

એ જિંદગી – ઉશનસ્

કવિ શ્રી ઉશનસ્ હવે આપણી વચ્ચે નથી રહ્યા. એમને યાદ કરી આ કવિતા સાથે એમને શ્રધ્ધાંજલી અર્પણ.


(આભાર – ગુજરાતી સાહિત્ય પરિષદ)

 ****

આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
-ના તે નહીં,
એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું;
– તે યે નહીં.
રસ્તા વિશે એ બે ય ધારા જ્યાં મળે,
તે મેદની છે જિંદગી.

ભરતી વિષે ઉભરાય ખાડી, ખાંજણો યે આકળી;
-ના તે નહીં,
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળી યે પાંસળી,
– તે યે નહીં
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ;
તે સમુંદર જિંદગી.

ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે;
-ના તે નહીં,
ને અષાઢી મેઘ જેવી આંખડી સંતત રુવે,
– તે યે નહીં..
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું
તે સંધિક્ષણ છે જિંદગી.
 
-ઉશનસ્   

 

જે ઘર તડકો ના’વે – ઉશનસ્

કૈવિ શ્રી ઉશનસ્ નું આ મઝાનું ગીત માણીએ આજે… આ જ ભાવની કોઇ પંક્તિ.. કોઇ કહેવત.. કંઇ તો સાંભળ્યું છે – પણ હમણા યાદ નથી આવી રહ્યું. તમને કંઇક યાદ આવે તો કહેજો, હોં ને?

ઉષ્માભર જ્યાં ‘આવો’ કહી કો ભાવથી ના બોલાવે,
શું કરવા જઈએ એવે ઘર, જે ઘર તડકો ના’વે?

સપ્તભોમ આવાસ ભલે હો, આરસની હો ભીંત,
પણ જો એ ઘર કોઈ ન બોલે, અધરે ના હોય સ્મિત,
શું જવું ત્યાં જ્યાં પંખી ના’વે નભ પણ ના’વે?

એહની સંગ શુ હસવું? એહની સંગે વાત શી લેશ,
એનો હાથ પકડીએ શીદને? દઈએ શેં આશ્વેષ
જેને અડક્યાવેંત ઉમળકે હૈયે થડકો ના’વે?

– ઉશનસ્

હું જાણું – ઉશનસ્

આજે ૨૮મી સપ્ટેમ્બર – કવિ શ્રી ઉશનસ્ નો જન્મદિવસ.. (૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦). એમને આપણા તરફથી જન્મદિવસની અઢળક શુભકામનાઓ સાથે માણીએ એમની આ રચના..!

(Photo : Gujarati Sahitya Parishad)

હું જાણું : જન્મ્યા કે મરણસમું કૈં નક્કી ન બીજું
મનુષ્યે વ્હાલાના મરણ થકી ટેવાવું જ રહ્યું
બને તો મૃત્યુને શિવ-વર કહી ગાવું ય રહ્યું :

પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડ્યું !
નવું ના, મૃત્યુ મેં વળી વળી દીઠું છે અહિ થકી
જતું ધોરી રસ્તે જીવનતણી ખાંધે ચઢી ચઢી
(અને જોવા જેવી બીજી ચીજ અહિ છે ય કંઇ તે?)

બધી વેળા થોડો વધુ વધુ રહ્યો ફિલસૂફ બની
પરંતુ મૃત્યુ રે સ્વજનનું, શિરચ્છત્ર સરખા
સદા જોયા વ્યાપ્યા નભનું, અમ ગેહે જ? વસમું

છયે કોઠે જીતી ફિલસૂફી અહિ સપ્તમ ગઢે
જતી હારી, હાવાં અવ સુદૂરથી પત્ર લખતાં
મને વીંધે શૈયા સ્મૃતિશરની – દેશો ન ઠપકો
નિરાંતે ઓ મારાં નયન, અહિ એકાંત ટપકો.

પહેલી હેલી પછી – ઉશનસ્

પ્હેલા મેઘે અજળ ઉજડેલી સીમે રંગ લીધો !
ભીંજાયેલી ધરતી ઊઘડી શી ભીને વાન રમ્ય !
ધોવાઈને નીલમ સરખા જાંબલી ડુંગરાઓ !
વ્હેવા માંડ્યા ઘવલફીણના ફૂલગુચ્છે ઝરાઓ !

બીડે ઝીણું મખમલ ફૂટ્યું કો રહસ્યે અગમ્ય !
જેવી હેલી શમી, કંઈક ખેંચાઈ જ્યાં મેઘજાળ
ત્યાં ડોકાતો ગગનપરીનો શો બિલોરી મહાલ !
આભા ભીની ચકરઈ રહી પૃથ્વી યે સ્નિગ્ધઘેરી

જેમા પ્હેલાં સલિલ પુરકાસારનાં યે સુનેરી !
પ્હેલી હેલી પછીથી ઊઘડે પંકમાં યે પ્રસાદ
થોડું નીલું ગગન ખૂલતાં રંગ લેતો વિષાદ :
વાછંડોની-નયનજલશી-વ્યોમ વ્યાપી ભીનાશો
ધીમેધીમે પ્રગટતું ધનુ ઇન્દ્રનું અદ્રિશૃંગે,
સાતે વર્ણે વિકસતી ન શું વ્યોમમાં કોઈ યાદ.

– ઉશનસ્

જો હોય – ઉશનસ્

આજે બે રીતે ખાસ દિવસ… એક તો નવરાત્રીના છેલ્લા દિવસે લગભગ સવાર સુધી નાચી-નાચીને, સીધ્ધા ગાંઠિયા – જલેબીની મઝા લેવાનો… એટલે કે દશેરાનો દિવસ..! અને હા, દશેરાના દિવસે વાહનની પણ પૂજા થાય ને? પહેલાના જમાનામાં બળદગાડીની પૂજા થતી, અને હવે સ્કૂટર, મોટરસાઇકલ, ગાડી (Car) વગેરેની પૂજા થાય છે..! ખરેખર, દશેરાના દિવસે બધા વાહનોને ગલગોટાના હાર અને સ્વસ્તિક કરેલા ફરતા જોવાની પણ એક મજા હતી…!! સૌ મિત્રોને અમારા તરફથી દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!

અને હા, આજે ૨૮મી સપ્ટેમ્બર – કવિ શ્રી ઉશનસ્ નો જન્મદિવસ.. (૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦). એમને આપણા તરફથી જન્મદિવસની અઢળક શુભકામનાઓ સાથે માણીએ એમની આ ગઝલ..!

(સામે અષાઢઘન… ?   Crater Lake, OR – Sept 09)

* * * * * * *

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;

ફણગો ફૂટે અડકતાં જ,
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે,
જો આ ક્ષણે વતન હોય;

જામીય જાય મૂળિયાં,
જો થોડું બાળપણ હોય;

સિમેન્ટમાં ઢૂં ઢું છું:
એકાદ મિટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો,
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે,
બાના સમું સ્વજન હોય.

(આભાર : Readgujarati.com )

કોણ જાણે ? – ઉશનસ્

આવતા વર્ષે ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થયાને ૫૦ વર્ષ પૂરા થશે. આવતી કાલે May 1, 2009 ના દિવસે ગુજરાત રાજ્ય પોતાના ૪૯ વર્ષની ખુશી મનાવશે, ત્યારે આપણે ટહુકો પર પણ દર વર્ષની ગુજરાત દિવસ મનાવશું જ. આજે યાદ કરીએ ૪૯ વર્ષ પહેલાના સમયને !!

કેવું કેવુંક થશે ગુજરાત – કોણ જાણે ?
આ તો ઉઘડંત રાત કે પ્રભાત – કોણ જાણે ?

કંઈ પામશે કે પહેરવાં નાગાં ?
સૂવા પામશે કે છાપરું અભાગાં ?
ભૂખ્યાં પામશે કે પેટપૂર ભાત – કોણ જાણે ?

(કે) પછી વધશે અહીં માળ ઉપર મજલો ?
પારકી જમીન પર મહેનતની ફસલો ?
તીડ-વાણિયાની વધશે જીવાત – કોણ જાણે ?

એ સોનેરી શમણું આંખ મારી ઝૂલે,
જાય ઊડી ઓસ સમું ન્હાની શી ય ભૂલે,
મારા શમણાની નાજુક બિછાત – કોણ જાણે ?

– ઉશનસ્

( ૧ મે, ૧૯૬૦, ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાયું તે દિવસે પ્રકાશિત )

માધો, મન માને તબ આજ્યો – ઉશનસ્

અમર ભટ્ટના અવાજ-સ્વરાંકનોના પ્રેમીઓ માટે ખુશખબર.. (આમ તો થોડા મોડા છે ખબર, પણ મને ખાત્રી છે કે એ મોળા નથી 🙂 )

અમર ભટ્ટના ૩૬ ગુજરાતી ગીતોનો સંગ્રહ (in 4 CDs) ‘શબ્દનો સ્વરાભિષેક‘ નામથી પ્રગટ થયો છે. પહેલી ૨ CDs માંના ગીતો એમના પોતાના સ્વરમાં છે, અને બીજી ૨ CDs માં ગુજરાતના ચુનંદા ગાયકોએ એમના સ્વરાંકનો રજૂ કર્યા છે.

કોઇ પણ ગુજરાતી સુગમ- કવિતાના પ્રેમી માટે આ સંગ્રહ એ અમરભાઇએ સૌને આપેલી એક અમુલ્ય ભેટ છે.. ગુજરાતના ૨૧ અલગ-અલગ કવિઓના શબ્દને મળેલા આ ‘સ્વરાભિષેક’ની ખૂબી એ છે કે દરેક ગીત-ગઝલ કે કાવ્ય રજૂ કરતા પહેલા અમરભાઇ કવિ વિષે અને એ કવિની કવિતા વિષે થોડી વાતો પણ કરે છે.. જાણે સોનામાં સુગંધ ભેળવતા હોય એમ..!

અને હા.. May 9, 2009 ના દિવસે એમનો કાર્યક્રમ ‘શબ્દનો સ્વરાભિષેક’ – ન્યુ જર્સી ખાતે યોજાઇ રહ્યો છે – એની વધુ વિગતો અહીં જુઓ.

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : અમર ભટ્ટ

.

સ્વર : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક

.

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. – માધો…

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે. – માધો…

મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો, – માધો…

– ઉશનસ્

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 5 : માધવે રાધા જ્યાં અધરે ધરી… – ઉશનસ

વાત સૂર-સંગીતની હોય કે પ્રેમની, રાધા-માધવ અને વાંસળી વગર અધૂરી જ કહેવાય… જાણે રાધાના આવતા એના ઝાંઝર રણકે એના અવાજ સાથે શરૂ થતું સંગીત અને એમાં આરતી મુન્શીનો વાંસળીના સૂર જેવો મીઠેરો અવાજ.. રાધા-માધવની સાથે સાથે આપણે ય સૂર સૂર થઇ જઇએ એવું ગીત…

સ્વર : આરતી મુન્શી
સંગીત :  ક્ષેમુ દિવેટીઆ

.

માધવે રાધા જ્યાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી
સાત સાત સૂરના મેઘના ધનુષ જેમ
રોમ રોમ રાગીણી જાગી ….

સાત સાત સૂરોનું ગૂંથેલું મોરપીંછ
જેવું જરાક નમી ઝૂક્યું
પ્રેમને જરાક પાન આખુંય સામ ગાન
વેધ વેધ વેદ જેમ ફૂંક્યું
વેગળી કરે છે તોયે વાગે છે મોરલી
એકલીય માધવની રાગી ! ….

ફૂંકે તે સૂર સૂર, ઝીલે તે સૂર સૂર
સૂર સૂર શ્યામ અને રાધા
ખીલ્યું છે સૂરધનું આંખનાં અગાધ એમાં
ઓગળે છે દ્વેત આધા આધા
સૂરનો ત્રિભંગ સોહે મોહે વરમાંડ, આજ
અદકું કંઇ વિશ્વ વરણાગી….