Category Archives: હર્ષિદા રાવલ

મારો સોનાનો ઘડૂલો રે – કાંતિ અશોક

સ્વર : પ્રફુલ દવે, હર્ષિદા રાવલ
ગુજરાતી ફિલ્મ : સાયબા મોરા

સ્વર : પ્રફુલ દવે, ?
સંગીત સંચાલન : ?

સ્વર : ?
Gujarati Album : Fusion Gujarati Chitramala : ?

મારો સોનાનો ઘડૂલો રે
હા પાણીડા છલકે છે.
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે…..

પંચરગી પાઘડી વાહલાની બહુ સોહે રાજ
નવરંગી ચૂંદડી ચટકે ને માન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે….મારો સોનાનો…..

અંગે અંગરખું વ્હાલાને બહુ સોહે રાજ
કમખે રે આભલા ચટકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે…..મારો સોનાનો…..

રેશમી ચોરણો વ્હાલાને બહુ સોહે રાજ
મશરૂનો ચણીયો ચટેકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે….મારો સોનાનો….

દલડાની ડેલીએ વ્હાલાનું રૂપ સોહે રાજ
અંબોડે ફૂલ એ ચટકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે….મારો સોનાનો….

– કાંતિ અશોક

હજુ રસભર રાત તો – અવિનાશ વ્યાસ

ગઇકાલે – ૨૧ જુલાઈ એટલે ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષની શરૂઆત – અને સાથે કવિ – સ્વરકાર – અને ગુજરાતી સંગીતજગતનો આધાર સ્તંભ – એવા શ્રી અવિનાશ વ્યાસનો પણ એ જ દિવસે જન્મદિન..!! એમને ફરી એકવાર યાદ કરી માણીએ એમની આ યાદગાર રચના….. સ્વરાંકન શ્રી ગૌરાંગ વ્યાસનું – અને સાંભળીએ આ ગીતની મૂળ ગાયિકાઓના સ્વરમાં..

ગુજરાતી ગીતોમાં female duets આમ ઘણા ઓછા છે – એ રીતે પણ આ ગીત ઘણું ખાસ ગણાય….

સ્વર : વિભા દેસાઈ અને હર્ષિદા રાવલ

.

હજુ રસભર રાત તો બાકી રહી ગઈ,
ના જા, ના જા, સાજના…..

હજુ ચંદ્ર નથી બુઝાઈ ગયો
છે તારાઓની છાંય,
હજુ રજનીના શ્યામલ પગલાં
થોડું દૂર રહ્યું છે પ્રભાત…
જરી જંપ્યુ ગગન વિરાટ,
ના જા, ના જા, સાજના…..

હજુ ચંદનભીની કુંજન છે
હજુ સૂર ગુંજે સૂનકાર…
હજુ ઢળ્યું નથી કંકુ સૂરજનું
તિમિર ને પગથાર.
હજુ ઝાંખી બળે દીપમાળ,
ના જા, ના જા, સાજના…..

– અવિનાશ વ્યાસ

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 4 : એવા રે મલક હજો આપણા – રવીન્દ્ર ઠાકોર

ઘૂંટડે બુઝાતી ચિર પ્યાસ… કવિતાની, ગુજરાતી સુગમની ચિર પ્યાસને બુઝાવતો એક ઘૂંટડો પાતી  ક્ષેમુ દિવેટીઆની આ રચના વિષે વધુ તો શું કહું? ખૂબ જ સુંદર શબ્દોને અનુરૂપ ગીત-સંગીત મળે ત્યારે આવી કોઇ રચના બને….

સંગીત : ક્ષેમુ દિવેટીઆ
સ્વર : હર્ષિદા – જનાર્દન રાવળ

.

એવા રે મલક હજો આપણા
ઝળહળ થિર જ્યાં પ્રકાશ
એવા રે મલક હજો આપણા

કોઇ ન રોકે ને ટોકે બંધવા
આપણે તો નિજમાં મગન
અંતર આસને બેઠો વ્હાલીડો
ચિત્તને તેની હો લગન

પળ પળ વહે તેનો શ્વાસ.. એવા રે…

આપણા તે સંતરી રે આપણે
આતમને કોઇની ન આણ
એને તે ભરુંસે વ્હેતી રોજ જો
અમરતની કલકલ સરવાણ

ઘૂંટડે બુઝાતી ચિર પ્યાસ… એવા રે…

અમ્મર જ્યોતિ, જ્યહીં ઝળહળે
જ્યહીં આપણોજ વહે રે પ્રકાશ
એવા રે મલક વાસો આપણા
આપણા અનંત ત્યાં રે નિવાસ

એવે રે પથ હો પ્રવાસ…. એવા રે…

કેવા રે મળેલા મનના મેળ – બાલમુકુન્દ દવે

સ્વર : હર્ષિદા રાવલ , જનાર્દન રાવલ

.

કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી,
જેવી માંડવે વીંટાઇ નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !