Category Archives: મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

નવરાત્રી Special: ગરબે ઘૂમે સૂરજ ને ચાંદ – મિલિન્દ ગઢવી

આ સમગ્ર સૃષ્ટિ માતાજીનું એક અલૌકિક મંદિર છે અને આ મંદિરમાં રમાઈ રહ્યો છે એક મહારાસ
કે જ્યાં અણુથી લઈને આકાશગંગા સુધી બધાં જ ઘૂમી રહ્યાં છે ગરબે…

“Garbe Ghoome”
A StudioGarage Entertainment work
(Atmiya Thakkar)

Music : Kedar Upadhyay & Bhargav Purohit
Vocals : Vrattini Ghadge, Ishani Dave, Aditya Gadhvi, Jigardan Gadhavi & Shri Praful Dave
Lyrics : Milind Gadhavi

*
જૂના જમાનાના એકના એક ગરબાઓની ભીડથી અલગ તરી આવે એવો એક તરોતાજા અક્ષુણ્ણ ગરબો, આજની પેઢીના કવિની કસાયેલી કલમે અને આજના કલાકારોએ કરેલી અફલાતૂન જમાવટ…

.

( આ ગરબાનું વિડિયો version તમને youtube પર મળશે – અને એની એક નાનકડી ઝલક – આ રહી)
https://youtu.be/oqIxq4Vwt9Y

અજવાળાં ઉર અવતરે, (અને) રંજાડે નય રાત
આશિષ એવા આપજે, (મારી) માયાળુ અંબે માત

ગરબે ઘૂમે સૂરજ ને ચાંદ
માતાજી તારા મંદિરમાં
નમે નમે ચૌદે ભરમાંડ
માતાજી તારા મંદિરમાં

દખ્ખણ દેશેથી વાયરાઓ વાશે
તારલીયા તારી આરતી ગાશે
વાગે વાગે અખંડ ઝાલર આજ
માતાજી તારા મંદિરમાં

તારા ચરણે વસે છે ત્રીલોકા
આભલાંમાં અનંત અવલોકા
પગલે પગલે ઉગે રે પરભાત
માતાજી તારા મંદિરમાં

ગઝલ – મિલિન્દ ગઢવી

દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.

થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,
તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.

તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !

તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા,
ઘરડાં દ્વારોને યાદ નથી કે કોણે તાળાં રાખ્યાં છે.

ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે – મિલિંદ ગઢવી

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે ....   Photo : Vivek Tailor
મેં તો સૂરજને રોપ્યો છે આંગણે …. Photo : Vivek Tailor

ફિલ્મ : પ્રેમજી
ગીત : મિલિંદ ગઢવી
સંગીત : કેદાર – ભાર્ગવ
સ્વર : વ્રતિની ઘાડગે

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ
મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે, મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ…

હું તો કંકુના થાપામાં ખોવાતી જાઉં
બધી મમતાળી આંખ્યુથી જોવાતી જાઉં
મારી મહેંદીનો ગહેકે છે મોરલો, એને સાજણની આંગળીયું સાંભરે રે લોલ…

કોઈ આવીને ઓરતાને ઓરી ગયું,
મારી ઢીંગલીની નીંદરને ચોરી ગયું,
હું તો ઊભી છું ઉમરને ઉંબરે, મારા અંતરમાં ઘૂઘરીયું રણઝણે રે લોલ…

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

લગભગ ૨ વર્ષ પહેલા ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલી આ મિલિન્દની ગઝલ – આજે બે અલગ અલગ સ્વરાંકનો સામે ફરી એકવાર માણીએ..!

(અષાઢી સાંજે….   Photo: by Ted Szukalski )

.

.

હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને
અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી
અફસોસ બિચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે

મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
તો કોણ પછી આ રગરગમાં નિઃશ્વાસ બનીને ઘૂમે છે

પેલા પર્વતની ટોચે કહે છે બે પ્રેમી આખર વાર મળ્યા
એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે.

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.

એક સપનાને ફરી વાવી તમે – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.

એક સપનાને ફરી વાવી તમે
રાતને સાચે જ અજમાવી તમે

ચાંદની ચીસો નીચે દાબી દઇ
રાતને સંદિગ્ધ નોંધાવી તમે

કઇ ઉદાસીનું પગેરું શોધવા
રાતને બેફામ ખોદાવી તમે

વાતને લંબાવવાની લાલચે
રાતને પણ સ્હેજ લંબાવી તમે

ભાઇ તમરાલાલની જામીન પર
રાતને તત્કાલ છોડાવી તમે

સૂર્યની જાહેરમાં નિંદા કરી
રાતને વિશ્વાસમાં લાવી તમે

ખોરવ્યું છે તંત્ર ઝાંકળ-શ્હેરનું
રાતને ઉઘરાણીએ લાવી તમે

છાની રાખી, હાથ ઝાલી ને પછી
રાતને ઘરમાંય બોલાવી તમે

આજ તો ભારે કરી નાખી ‘ગ.મિ.’
રાતને ગઝલોય સંભળાવી તમે

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.

ઘડિયાળ : કેટલાંક મોનો-ઇમેજ – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

 

૧. ઘડિયાળ સમય દેખાડે છે.
આ વાક્ય પછી
ખરાંનું નિશાન મૂકશો
કે ખોટાનું?
 
૨. નક્કી જ સમય
ઘાવ કરતો હશે.
નહીંતર આપણે
ઘડિયાળને કેમ પૂછ્યા કરીએ છીએ:
‘કેટલા વાગ્યા?’
 
૩. ઘડિયાળને
તમે દિવાલ પર ટાંગી શકો,
કાંડામાં પહેરી શકો,
ગજવામાં ય ઘાલી શકો,
અને સમયને?
 
૪. આપણો સમય
ચૂપકીદીથી ન ચાલ્યો જાય
એટલે જ કદાચ આ
ટન્…ટન્…ટન્…
 
૫. ઘડિયાળની ટીક-ટીક
monotonous લાગવા માંડે
ત્યારે સમજવું
કે તમારી પાસે
સમય જ સમય છે!
 
૬. ઘડિયાળના સેલ બદલાવ્યા
ત્યાં સુધીમાં
સમયના અશ્વો
ધૂળની ડમરીમાં
અદૃશ્ય થઇ ગયા.
 
૭. કૃષ્ણ
સમયને બાંધી શક્યા
કારણ કે
તેમણે ઘડીયાળ ન્હોતી બાંધી.
 
૮. ઘડિયાળનું નામ
જો જાદુઇ ચિરાગ હોત
તો સમય
પેલા જીનની જેમ
અટ્ટહાસ્ય કરીને કહેત :
“હુકુમ, મેરે આકા!”
 
૯. કાચબાની જેમ ચાલતી
આપણી ઘડિયાળ
‘તેની’ પાસે હોઇએ
ત્યારે અચાનક
સસલી બની જાય છે.
Einsteinએ સાચું જ કહ્યું છે :
TIME IS RELATIVE.   

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’
http://kavigami.blogspot.com/

મૃત્યુદંડ – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

 

પછી એણે લખ્યું
“જિંદગી!” –
ને આ આશ્ચર્ય ચિહ્ન (!)
જાણે કે જિંદગી નો
પર્યાય બની ગયું

પછી એણે લખ્યું
“પ્રેમ” –
ને એની વ્યાખ્યા કરતાં કરતાં
એક આખી જિંદગી નિકળી ગઇ

પછી એણે લખ્યું
“હું અને તું” –
ને આ ‘અને’ જેટલું અંતર
અમારી વચ્ચે
કાયમ રહ્યા કર્યું

પછી એણે લખ્યું
“વિરહ” –
ને
કલમની ટાંકણીને
ટેબલ પર જોરથી દાબીને
તોડી નાખી

કોઇ જજ જેમ
મૃત્યુદંડ લખ્યા પછી કરે ને
એમજ…!!!

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’