પાછું અમે માંગ્યું – ગોપાલ શાસ્ત્રી

નદીમાં પગ ઝબોળી બાળપણ પાછું અમે માંગ્યું
અમે રે રેતદાર રમનાર જણ પાછું અમે માંગ્યું

અનાગત શબ્દનો એકાદ કંપનની જ લીલા છે
ગઝલના રૂપમાં તારું સ્મરણ પાછું અમે માંગ્યું

દિશાઓ ધૂંધળી ચોપાસ ધુમ્મસનો હતો દરિયો
અદીઠાં ઝાંઝવા માંગ્યા, હરણ પાછું અમે માંગ્યું

પવનની જેમ ઊડી આવતી આ સાંજની પીડા
વિહગની જેમ ટહુકાનું વલણ પાછું અમે માંગ્યું

અહિ અસ્તિત્વનો પર્યાય કેવળ એક પરપોટો
કદી ઝાકળ સ્વરૂપે અવતરણ પાછું અમે માંગ્યું

– ગોપાલ શાસ્ત્રી

———-

ડૉ. ગોપાલ શાસ્ત્રીનું એક ગીત પહેલા મુક્યું હતું… અમને ખબર નઇ.!!. આ પહેલા પણ ગીત સાંભળ્યું હોય તો ફરી એકવાર સાંભળવાનો મોકો લઇ લો. મસ્ત મઝાનું ગીત છે.. 🙂

एक मंत्र जपते रहो श्याम श्याम श्याम….

લગભગ ૨૦-૨૫ વર્ષો પહેલા અમારી સુવિધા કોલોની (અતુલ)માં ઇસ્કોનની કોઇ બસ આવી હતી.. વધારે કંઇ યાદ નથી, પણ એટલું ખબર છે કે ત્યાંથી પપ્પાએ ‘શ્યામ શ્યામ શ્યામ’ એવા ટાઇટલવાળી એક કેસેટ અને સાથે કૃષ્ણ ભગવાનનો એક લેમિનેટ કરેલો ફોટો ખરીદેલો. એ ફોટો આજે પણ મારા ઘરના મંદિરમાં છે, અને આશા ભોંસલેના અવાજમાં એ કેસેટ ‘શ્યામ શ્યામ શ્યામ’ એ તો મેં એટલી બધી સાંભળી છે કે… વધારે તો શું કહું! કોઇ ગીત ગમતું હોય, કોઇ ઘણું જ ગમતું હોય, પણ અમુક ગીત માટે તમે કહી શકો કે એ તો લોહીમાં ભળી ગયું છે..!!  આ આલ્બમના દરેકે દરેક ભક્તિગીત માટે કદાચ હું એ કહી શકું. આશા ભોંસલે – Top ૧૦ એવું કોઇ આલ્બમ જો હું બનાવું તો એમાં પહેલા ૬ ગીત આ આબ્લમમાંથી હોય. Classical Music, આશા ભોંસલે, અને કૃષ્ણભક્તિથી ભરપૂર શબ્દો..! એક એવો અનુભવ જે શબ્દોમાં ન જ સમાઇ શકે..!!

અમેરિકા આવી ત્યારથી એ આલ્બમની mp3 મળે તો શોધતી હતી. હજુ પણ શોધું જ છું.. ઘરે જે કેસેટ હતી એ તો સાંભળી સાંભળીને ઘસી નાખી છે, એટલે એને convert કરવાની ઇચ્છા નથી થતી, એટલે જ શોધું છું કે કશેથી આ આલ્બમના બધા જ ગીતોનું સારુ રેકોર્ડિંગ મળી જાય…

થોડા દિવસો પહેલા ધવલભાઇએ આ જ આબ્લમના બીજા એક ગીત – તન તો મંદિર હૈ… એના માટે પૂછ્યું અને સાથે જણાવ્યું કે આબ્લમમાં સંગીત નદીમ-શ્રવણનું હતુ. એક મિત્ર પાસેથી આ એક ગીત તો મળ્યું, પણ બાકીના ગીતો હજુ પણ એટલીજ આતુરતાથી શોધું છું… તમને મળે, અથવા ખબર હોય કે ક્યાંથી મળે, તો જણાવશો?

Music: Nadeem-Shravan
Year: 1987
Lyrics: Maya Govind

Album: Shyam Shyam Shyam

Published by: ISKON (Hare Krishna Hare Ram)

एक मंत्र जपते रहो श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…

मन वचन ह्रदय से उसकी वंदना करो
आंसूओ के फुलोसे अर्चना करो
दुःखहर्ता सुखकर्ता कह करो प्रणाम
श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…

पुत्र पिता बंधू मित्र स्वार्थी सभी
कोई तेरे काम नहीं आयेंगे कभी
बस प्रभुके चरणोंके तुम बनो गुलाम
श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…

—————

આ રહ્યા બાકીના ગીતો ના નામ….
1. Tan to mandir hai, Hraday Hai Vrundavan
2. Kanha Mujhko Bhi Rangle
3. Ab To Dekha Apani Suratiya Man Hua Bechain
4. Jaiseke Nainon Mein Jyoti, Jaiseke Saagar Mein Moti
5. Asatoma Sadgamay, Tamasoma Jyotirgamay

કેટલા હતા – અશરફ ડબાવાલા

ભીંતો ને બારી જેવા છરા કેટલા હતા!
ઘરમાં વિવિધ રૂપે દગા કેટલા હતા!

હું સાચવીયે ના શક્યો ર્દશ્યો કે ર્દષ્ટિને,
ચશ્મા ઘણા હતા ને ઘરાં કેટલા હતા!

જો ફોડવા હતા તો કદી ક્યાં કમી હતી!
મનમાં જ ઘડયા તા એ ઘડા કેટલા હતા!

એ ‘આવજો’ કહીને પછી બસ કરી ગઈ,
નહિતર તો આંગળીના બરા કેટલા હતા!

અંદર તો હું જ મારો, બીજું કોઈ ક્યાં હતું?
ને બહાર જોઈ લીધું સગાં કેટલા હતા!

સ્વર્ગસ્થ સૌ કવિને તું ઉત્તમ ભલે ને ગણ,
પણ એ કહેને એમાં ર.પા. કેટલા હતા?

અશરફ ખતવણી માંડ છે સપનાંની પાપણે,
ઉધાર કેટલાં ને જમા કેટલા હતા!

મને યાદ ફરી ફરી આવે – જગદીપ વિરાણી

સ્વર – મુકેશ
ગીત / સંગીત – જગદીપ વિરાણી
ગુજરાતી ફીલમ – નસીબદાર (૧૯૫૦)

.

મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે

જીવન વીણા તાર બસૂરા
રાગો મારા રહ્યાં અધૂરા
મારા જીવનમાં આવી ને
શાને ગઈ તું ચાલી રે….

આ ધડકતી છાતી ઉપર
સુગંધ તારા શિરની રે
શ્યામ કેશના ગુંછડા મારા
આંગળ માંહી રમતા રે….

તારી મસ્તી ભરેલી છટાઓ
મદભર નૈન અનૂપ અદાઓ
રસભરી ચાલ મલકતું મુખડું
ભૂલાય નહિ એ ભાવો રે….

શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ

‘વ્હાલ વાવી જોઈએ’ : ગૌરાંગભાઈ ઠાકરનો બીજો કાવ્યસંગ્રહ

રવિવારે નવમી મે નાં રોજ આપણા પ્રિય કવિ શ્રીગારાંગભાઈ ઠાકરનાં બીજા કાવ્યસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. અને લયસ્તરો પર ખાસ ઇ-મોચન પણ કરવામાં આવ્યું છે 🙂 પહેલા કાવ્યસંગ્રહનું નામ તો લગભગ બધાને ખબર જ છે – ‘મારા હિસ્સાનો સૂરજ ‘. એમના આ બીજા કાવ્યસંગ્રહનું નામ એમણે રાખ્યું છે – ‘વ્હાલ વાવી જોઈએ ‘ ! મિત્રો, એમનું આ નામ તમને થોડું જાણીતું લાગ્યું ને? કારણ કે કદાચ તમને આ શિર્ષકવાળી એમની એક ગઝલ એમના ગઝલ-પઠન સાથે યાદ આવી ગઈ હશે, જે આપણે અહીં ગયા વર્ષે માણી ચૂક્યા છીએ… 🙂 : વ્હાલ વાવી જોઈએ

તો એમના આ નવા કાવ્યસંગ્રહમાંની બીજી બે ગઝલોની થોડી ઝલક આપણે એમનાં જ અવાજમાં માણીએ… જે આપણે આમ તો આગળ અહીં અને લયસ્તરો પર અપ્રગટ ગઝલો તરીકે માણી જ ચૂક્યા છીએ.

book-cover-gaurang-thakar-2ndbook

(કાવ્યસંગ્રહનું મુખ્યપૃષ્ઠ…)

સ્વર : ગૌરાંગ ઠાકર

*

મારું સઘળું એ ધ્યાન એ લઇ બેઠા
જાણે ઇશ્વરનું સ્થાન લઇ બેઠા
ને માત્ર સરમાનુ એમણે દીધું
ને અમે ત્યાં મકાન લઇ બેઠા

*

ટોચની આ કલ્પના ક્યાં તળ વગર
શક્યતા ક્યાં વૃક્ષની કુંપળ વગર
છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર

*

શબ્ક ક્યારેક તીર લાગે છે,
કોઇ વેળા લકીર લાગે છે

કોઇ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે

જેને વૈભવ મળે છે અંદરથી,
બહારથી એ ફકીર લાગે છે

*

મને સ્હેજ મારાથી અળગો કરી દઉં
તને પામવાનો હું રસ્તો કરી દઉં

નદી ક્યાંક મંઝિલથી ભટકી પડે ના
હું પર્વતની નીચે જ દરિયો કરી દઉં

*

બીજા થોડા શેર એમના અવાજમાં સાંભળો ‘ગાગરમાં સાગર’ પર

પ્રિય ગૌરાંગભાઈને એમનાં આ બીજા કાવ્યસંગ્રહ માટે આપણા સૌના તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…

માડી મ્હારી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

Happy Mother’s Day to all the mothers….. 🙂

સ્વર સંગીત : માયા દિપક
આલ્બમ : મા-The Mother

(Mummy, Jayshree & Amit @ Las Vegas)

.

માડી મ્હારી ત્હારા વિનાની સૂની સંસાર વાડી
માળી વિનાની જેમ પડેલી એક પુરાતન ક્યારી

ઊર્મિ તણો કો છોડ ઊગે પણ જળસિંચનની ખામી
સ્નેહના ખાતર વિણ ફૂટે ક્યાં ? એકે અંકુર ડાળી

ચિર આનંદે કોઈ ખીલે ત્યાં આવે વંટોળ ભારી
કંઈ કષ્ટોનાં તાપ જ ભારી સૂકવે કાયા મ્હારી

લેખ હશે ત્યારે ત્હારી છાંયે આવીશ માડી દોડી
પંચમ સૂરે ત્યારે ગાશે મુજ મનની એકતારી

મારે માથે પંપાળજે કર, ત્હારો પાલવ ઢાળી
કોઈ જુએ ના એમ જ લેજે પ્રેમની ચુમી છાની

– રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

પગફેરો – એષા દાદાવાળા

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?

અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…

ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

-એષા દાદાવાળા

———-

લયસ્તરો પર વિવેકે જણાવ્યું હતું એ મુજબ – ૨૦૦૬ના દિવ્યભાસ્કરમાં કવિ શ્રી સુરેશ દલાલે ‘પગફેરો…!’નો સામી છાતીએ ખંજર ભોંકતી કવિતા કહીને સુંદર આસ્વાદ કરાવ્યો છે. ઇન્ટરનેટ પર ૨ કલાક શોધવા છતાં મને એ ન મળ્યો, તો મને થયું કે તમને જ પૂછું. કોઇને એ આસ્વાદ મળે તો અમારી સાથે વહેંચશો?

ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી

ઊર્મિના શબ્દોમાં આ ગીત વિષે:-
મારું ગુજરાત, આપણું ગુજરાત, આગવું ગુજરાત અને હવે સ્વર્ણિમ ગુજરાત ! આપણા વ્હાલા ગુજરાતમાં (અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓની વચ્ચે પણ) આખું વર્ષ ‘સ્વર્ણિમ ગુજરાત’ નો આ ઉત્સવ ઉજવાશે. બે વર્ષે પહેલા (1 May 2008) ટહુકો પર મુકેલું શ્રી ઉમાશંકર જોશીનું ગુજરાત મોરી મોરી રે ગીત મૂક્યું હતું. આ વર્ષે એ જ ગીત આપણે ફરી માણીએ, પરંતુ સંગીતબદ્ધ અને શ્રી પ્રફુલ દવેનાં કર્ણપ્રિય અવાજમાં… એક વાર ગાઈને કેમ કરી ભૂલવું ? એ તો વારંવાર સાંભળવું ગમે એવું સ-રસ ગુર્જર-ગીત !
જય ભારત…જય ગુજરાત…!

સંગીત : ?
સ્વર : પ્રફુલ દવે

.

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
ગુજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.

નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
ગુજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

– ઉમાશંકર જોશી

કોરી, કુંવારી સોગાદ – હેમંત પુણેકર

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત – સુરેશ દલાલની કલમે લખાયેલ ‘હયાતીના હસ્તાક્ષર’માંથી સાભાર….

પ્રિય વ્યક્તિ માટેની આવી અપેક્ષા એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. હું તમને રણમાં ઝાંઝવા બતાવવા નથી માગતો કે મોટી મોટી ભ્રમણામાં કે શમણામાં રાખવા નથી માગતો. હું તારાઓ તોડવાની વાત એટલા માટે નથી કરતો કે એને કારણે તમારામાં અપેક્ષા જન્મે અને કાલે સવારે તમે મારી પાસે સૂરજ પણ માગો. કોઈ કવિના એક કાવ્યમાં આવે છે કે કોઈ મારી પાસે સૂરજ કે ચંદ્ર માગે તો વાંધો નથી, પણ આખું આકાશ માગે તો હું શું કરું? કોઈ આપણને આપણા જીવન વિશે પૂછે તો આપણે એને લખી લખીને શું આપીએ?

ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો

કાળી રાતોને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એવું ખ્વાબ આપો

સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
ચાલો, આંસુભીનો હિસાબ આપો

આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો

મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપો આપો, હવે જવાબ આપો!

એટલે તારા મેં નથી તોડ્યા
કાલે કહેશો કે આફતાબ આપો

એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો

-હેમંત પુણેકર

‘કવિતા’ના તંત્રી હોવાને કારણે સૌથી મોટો ફાયદો એ કે નવા નવા કવિઓની કૃતિઓનાં પરિચયમાં આવવા મળે. એવા કેટલાયે કવિઓ છે કે જેમને હું કદીએ મળ્યો નથી અને છતાંયે હું કદીયે એમનાથી છૂટો પડ્યો નથી.

યુવાન કવિ હેમંત પુણેકર વિશે માત્ર એટલી જ ખબર છે કે પૂનામાં રહે છે અને એમને મળવાનો યોગ હજી સુધી થયો નથી. કવિતાને મળીએ એ જ મોટું સદભાગ્ય છે.

કવિતામાં હમણાં હમણાં ગઝલયુગ ચાલે છે. ગાંધીયુગની કવિતામાં સોનેટયુગ ચાલતો. સાહિત્યમાં પણ આ વર્તન, પરિવર્તન- આવું બધું થયા કરતું હોય છે. આઘાત અને પ્રત્યાઘાતની પણ મોસમ આવતી હોય છે.

ગઝલકારો તો ચિક્કાર છે, પણ ઉત્તમ ગઝલો વિરલ હોય છે. ગઝલનું સ્વરૂપ લપસણા ઢાળ જેવું હોય છે. એમાં કલમને સ્થિર રાખવી એ અશક્ય નહીં પણ મુશ્કેલ કાર્ય હોય છે.

હેમંતની આ ગઝલ સંવાદ જેવી લાગતી હોય પણ ખરેખર એ સ્વગત જેવી લાગે છે. માણસ એકલો એકલો પોતાની પ્રિય વ્યક્તિ સાથે વાત કરતો હોય, વાદવિવાદ કરતો હોય, સંવાદ કરતો હોય-એના જેવું લાગે છે.

માણસની ઝંખના બહુ નથી હોતી. શાયર કહે છે કે મેં ક્યાં બાગ કે ફૂલછાબ માગી છે. મેં તો માગ્યું છે એક ફૂલ અને એ ફૂલોમાં પણ મારી પસંદગી કઈ છે એ તમને કહી છે. મને ફૂલછાબ નહીં પણ ગુલાબ જોઈએ છીએ. સુંદરમના બે ગીતના ઉપાડ યાદ આવે છે.

એક ગીતનો ઉપાડ છે: મને ફાગણનું એક ફૂલ આપો કે લાલા મોરા કેસૂડો કામગણગારો જી લોલ. તો બીજા ગીતનો અંતરો છે: એક પાંદડી આપો આખું ફૂલ નહીં માગું. એક પાંદડી આપોને મારા રાજ, આખી રે વસંત મારી એ રહી. કાળી રાતમાં જેમ ચંદ્ર હોય એમ બંધ આંખમાં કોઈ સ્વપ્ન હોય. સ્વપ્નની સંખ્યામાં તો ગણતરી થઈ શકે એમ નથી પણ ક્યારેક કોરો નહીં પણ આંસુભીનો હિસાબ તો આપો.

આપણે એકમેકને આંખથી પ્રશ્ન પૂછીએ છીએ તો હોઠથી જવાબ તો આપો. કવિને રદીફ કાફિયા સહજ મળે છે. પ્રાસ અનાયાસ આવતા જાય છે. એને માટે પ્રયાસ કરવો પડતો નથી, પણ શબ્દનો સહજ પ્રવાસ થતો હોય એવું લાગ્યા કરે છે.

કાવ્યનાયક કહે છે કે હું કશું છુપાવતો નથી. મારા મનમાં જે કંઈ હોય છે તે અને મને જે કંઈ લાગે છે તે હું વિના સંકોચે પૂછી લઉ છું. તો મારામાં જે સહજતા છે એ સહજતાથી, એ સરળતાથી કોઈ પણ ભેદ રાખ્યા વિના કે ભેદી થયા વિના મને આપોઆપ જવાબ તો આપો.

પ્રિય વ્યક્તિ માટેની આવી અપેક્ષા એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. હું તમને રણમાં ઝાંઝવા બતાવવા નથી માગતો કે મોટી મોટી ભ્રમણામાં કે શમણામાં રાખવા નથી માગતો. હું તારાઓ તોડવાની વાત એટલા માટે નથી કરતો કે એને કારણે તમારામાં અપેક્ષા જન્મે અને કાલે સવારે તમે મારી પાસે સૂરજ પણ માગો.

કોઈ કવિના એક કાવ્યમાં આવે છે કે કોઈ મારી પાસે સૂરજ કે ચંદ્ર માગે તો વાંધો નથી, પણ આખું આકાશ માગે તો હું શું કરું? કોઈ આપણને આપણા જીવન વિશે પૂછે તો આપણે એને લખી લખીને શું આપીએ? એટલે બહેતર છે કે જીવન આપણું હોય અને એને આપણે કોરી કિતાબ સોંપી દઈએ.

પ્રિય વ્યક્તિને આવી કોરી અને કુંવારી સોગાદથી વિશેષ માણસ આપી પણ શું શકે? આ શાયરની એક બીજી ગઝલ જોઈએ:

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણાં વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળું છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઊઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉ છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

– હેમંત પુણેકર

એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા – જવાહર બક્ષી

સ્વર : કૌમુદી મુન્શી
કવિ : જવાહર બક્ષી
સંગીત : નીનુ મઝુમદાર
આલ્બમ : તારો વિયોગ

.

એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા

નિસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઇ
ચહેરાના ભાવ પર્ણની રેખા બની ગયા

જે શબ્દ રહી ગયા’તા ગયામાં બરફ થઇ
વાતાવરણમાં ઓગળી પડઘા થઇ ગયા

સંતાઇ ગઇ છે ઓરડામાં ક્ષણ વિદાયની
ઘરમાં સમયની વાંસના ફોડાં ઉગી ગયા

કોઇ ગયું છે એ છતાં કોઇ નથી ગયું,
ખાલીપણાના ભારમાં પગ ઉપડી ગયા