માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે !
લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !
મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે !
પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે !
રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે !
મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !
જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !
– અશરફ ડબાવાલા
————–
ધવલભાઇ આ ગઝલ માટે કહે છે :
તળપદા શબ્દોનો પ્રયોગ છતાં પણ ગઝલ આધુનિક છે. ગઝલનો ઉપાડ જ બહુ મઝાનો છે. ને છેલ્લો શેર તો મારો પ્રિય છે : મન અને તન પર – રોમેરોમ પર – સવાર થઈ જાય એ જ (શબ્દની) ખરી લગની કહેવાય. સતત મનમાં રહેતી-રમતી વાત માટે ‘નેજવાના ગઢ પર દેરી બાંધી’ એવો મઝાનો પ્રયોગ તરત જ ગમી જાય છે. ( આભાર – લયસ્તરો)
————-
અને હા….. સાથે એક અગત્યની જાહેરાત (Press Note as provided by Chicago Art Circle)
ફ્રેન્ડ્ઝ ઓફ શિકાગો આર્ટ સર્કલ યોજે છે
“શબ્દ અને સંગીતનો મહોત્સવ”
શિકાગોના મશહૂર તબીબ ડો. અશરફ ડબાવાલા એક હાથે પ્રિસ્ક્રિપ્શન ને બીજા હાથે કવિતા લખે છે. અશરફ ડબાવાલાની ગઝલો ગુજરાત તેમ જ અમેરિકામાં સમાનભાવે સમાદર પામી છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાત લિટરરી એકેદમી ઓફ નોર્થ અમેરિકાનું ચુનીલાલ વેલજી પારિતોષિક અને વિખ્યાત નાટ્યસંસ્થા “આઇએનટી” નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયાં છે. તેમનો કાવ્યસંગ્રહ “ધબકારાનો વારસ” ગુજરાતની યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. તેમની નિગેહબાની હેઠળ છેલ્લાં ૧૫ વર્ષોથી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ અને લોકપ્રિય કાર્યક્રમો રજૂ કરતી સંસ્થા “શિકાગો આર્ટ સર્કલ” અવારનવાર અમેરિકાના વિશિષ્ટ ભારતીયોને બિરદાવે છે. તે “શિકાગો આર્ટ સર્કલ”ના ઉત્સાહી મિત્રો હવે એવા અલબેલા શાયર ડો. ડબાવાલાને બિરદાવવા ગુજરાતી શબ્દ અને સંગીતનો બે દિવસનો મનોરંજક તેમ જ કર્ણરંજક કાર્યક્રમ યોજી રહ્યા છે. શનિવાર, તારીખ ૭મી ઓગષ્ટ ૨૦૧૦ની સાંજે ૬:૩૦ વાગ્યાના એક ભવ્ય “આંતરરાષ્ટ્રીય કવિ સમેલન”માં શ્રી અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવામાં આવશે, અને તે ઉપલક્ષ્યે ભારતથી આમંત્રિત કવિઓ ચિનુ મોદી, અનિલ જોષી, વિનોદ જોષી, કૃષ્ણ દવે અને અમેરિકાના ચંદ્રકાન્ત શાહ, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, પ્રીતમ લખલાણી, અબ્દુલ વહીદ “સોઝ”, કમલેશ શાહ, ભરત દેસાઈ અને અન્ય મહેમાન કવિઓ પોતાની કૃતિઓ પેશ કરશે. આ સભામાં અતિથિ વિશેષ તરીકે નિમંત્રિત છે મધુ રાય, રામ ગઢવી, મધુસૂદન કાપડિયા અને નરેન્દ્ર લાખાણી.
રવિવાર તારીખ ૮મી ઓગષ્ટ ૨૦૧૦ની સાંજે ૪:૩૦ વાગ્યે આયોજીત “સંગીત સંધ્યા”માં ન્યુજર્સીના પ્રો. મધુસૂદન કાપડિયાનું તેમની અવિરત સાહિત્યસેવા બદલ, કેલિફોર્નિયાનાં જયશ્રીબહેન ભક્તાનું તેમના સાહિત્યિક બ્લોગ “ટહૂકો” (www.tahuko.com) થકી કરાતી કાવ્યસેવા બદલ, અને ઇલિનોઈ સર્કિટ કોર્ટ(શિકાગો)નાં જજ કેતકિ શ્રોફનું તેમની સિદ્ધિઓ બદલ સન્માન કરાશે. આ પ્રસંગ ઉજવવા ગુજરાતી સંગીતવિશ્વના લોકપ્રિય કલાકારો શ્યામલ, સૌમિલ, અને આરતી મુન્શી પેશ કરશે ગીત, ગઝલ અને હાસ્યસભર સંગીતની રમઝટ.
આ ઉત્સવ ઉજવાશે 435 નોર્થ રાઉટ 59, બાર્ટલેટ, ઇલિનોઈ 60103 (ફોન 630-837-1077) સ્થિત રમણીય જૈન સેન્ટર ઓડિટોરિયમમાં. કાર્યક્રમના આયોજકો કહે છે કે સાચી શોભા તો તેના પ્રેક્ષકો જ છે. અમે દેશ પરદેશથી ઉત્તમ ચીજો પેશ કરીએ જ છીએ અને આશા છે કે સાહિત્ય અને સંગીત રસિકો ઊલટથી ભાગ લેશે અને કાર્યક્રમને, અશરફને બિરદાવશે.
આ કાર્યક્રમની ટિકિટો છે: ૭મીનું કવિ સંમેલન તથા અલ્પાહાર – $10, $25, VIP($50); ૮મીની સંગીત સંધ્યા સાથે ડિનર – $25, $35, VIP($50); બંને દિવસની સંયુક્ત ટિકિટ – $25, $50, VIP($100).
ટિકિટ તેમ જ વધુ માહિતી માટે વીરેશ ચાંપાનેરી 847-566-2029; નિશા કપાસી 847-757-6342; ઉત્પલ મુન્શી 224-578-5100; મુકુન્દરાય દેસાઈ 847-803-9560 અથવા હોરાઇઝન મેડિકલ સેન્ટર (લીના) 847-490-0600