Category Archives: ડૉ. ગોપાલ શાસ્ત્રી

પાછું અમે માંગ્યું – ગોપાલ શાસ્ત્રી

નદીમાં પગ ઝબોળી બાળપણ પાછું અમે માંગ્યું
અમે રે રેતદાર રમનાર જણ પાછું અમે માંગ્યું

અનાગત શબ્દનો એકાદ કંપનની જ લીલા છે
ગઝલના રૂપમાં તારું સ્મરણ પાછું અમે માંગ્યું

દિશાઓ ધૂંધળી ચોપાસ ધુમ્મસનો હતો દરિયો
અદીઠાં ઝાંઝવા માંગ્યા, હરણ પાછું અમે માંગ્યું

પવનની જેમ ઊડી આવતી આ સાંજની પીડા
વિહગની જેમ ટહુકાનું વલણ પાછું અમે માંગ્યું

અહિ અસ્તિત્વનો પર્યાય કેવળ એક પરપોટો
કદી ઝાકળ સ્વરૂપે અવતરણ પાછું અમે માંગ્યું

– ગોપાલ શાસ્ત્રી

———-

ડૉ. ગોપાલ શાસ્ત્રીનું એક ગીત પહેલા મુક્યું હતું… અમને ખબર નઇ.!!. આ પહેલા પણ ગીત સાંભળ્યું હોય તો ફરી એકવાર સાંભળવાનો મોકો લઇ લો. મસ્ત મઝાનું ગીત છે.. 🙂

અમને ખબર નઇ – ડૉ. ગોપાલ શાસ્ત્રી

આજે એક મસ્ત મઝાનું નખરાળું ગીત..! ગામના કોઇ છોકરા-છોકરીની આંખો મળે, અને આખા ગામને ઓળખતા એ બન્ને એ વાત છુપાવાની કોશિશ તો કરે જ ને..! પણ મરીઝ કહે છે ને –

એકાદ હો તો એને છૂપાવી શકું ‘મરીઝ’
આ પ્રેમ છે ને એનાં પુરાવા હજાર છે.

એમ છાની-છપની વાત ગામમા વહેતી તો થઇ જ જાય… અને પછી ઉઠતા સવાલોમાંથી બચવાનો કેટલો સરળ રસ્તો કવિએ અહી શોધી આપ્યો…

સ્વર : અચલ મહેતા – દેવાંગી જાડેજા
સંગીત : અચલ મહેતા

( કો’ક પૂછે તો એમ કહેવું કે…. Photo : DollsofIndia.com)

છાની છપની વાત અજાણી ગામમાં વહેતી થઇ
કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

આથમતી આ સાંજની સાથે આવતી તને જોઇ
વાયરાની જેમ દોટ મેલી તો ક્યાંક ન દીઠું કોઇ
ત્યાં અચાનક મારા કાનમાં મારા ટહુકા કરતું કોઇ
કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

સાવ સૂની આ સીમમાં તને દેખતાં ફૂટ્યું ગીત
આંખમાં માઝમ રાતના શમણા રેલાવે સંગીત
ક્યાં લગ નજરુથી મળવાનું સાવ અજાણ્યા થઇ
કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

– ડૉ. ગોપાલ શાસ્ત્રી