(ગ્રીનરી… Lassen Volcanic National Park, CA…. Sept 09)
* * * * *
જોઈએ છે એક ઝાડ!
જેની ડાળી પર પંખીઓના માળા
ન હોય તો ચાલશે,
પણ એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ!
બારેમાસ લીલું ને લીલું રહેતું હોય એવું-
ઊચું-બીજા માળે આવેલા ફલેટની
મારી બાલ્કની સુધી પહોંચી શકે એટલું!
અને ઘટાદાર પણ જોઈએ જ,
જેનાથી બાલ્કનીનો વ્યૂ તો સુધરી જ જાય
પણ જેને બતાવીને
અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
ગ્રીનરી પર એસે પણ લખાવી શકાય!
– એષા દાદાવાળા
સુ.દ. દ્વારા આ કાવ્યનો આસ્વાદ:
એષા દાદાવાળા સુરતમાં રહે છે. પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. સર્જકતા અને પત્રકારત્વને હંમેશાં આડવેર નથી હોતું એનું આ એક ઊજળું ઉદાહરણ છે. વૈયકિતક અને સામાજિક સંવેદના કેવળ અંગતના સ્તર પર ન રહેતાં પૂરેપૂરા સંયમથી બિનઅંગત તરફ જઈને સ્વથી સર્વ સુધી પહોંચી શકે એવી છે. સંવેદના અને સંયમનો અહીં સહજ સંગત વર્તાય છે.
એષા અછાંદસ લખે છે. ઉમાશંકર જોશી કહેતા કે અછાંદસ શબ્દમાં પણ છંદ શબ્દ તો છે જ. આ વિધાનમાં કોઈ ચતુરાઈ નથી, પણ એમાં એક ઊડી વાત સમાઈ છે. અછાંદસને પણ એનો એક ગદ્યલય હોય છે.
આ કવયિત્રીની કવિતા વાંચતા વાંચતા કયારેક એમ પણ થયા કરે કે એ લખે છે કવિતા, પણ કેટલીક કવિતામાં તો નરી વાર્તાનાં બીજ છે. કોઈ એનો અર્થ એમ ન માને કે એ વાર્તાની અવેજીમાં કવિતા લખે છે. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સંવેદનના એક બિંદુ પર રહીને કવયિત્રી કાવ્યનો ઘાટ ઉતારે છે.
જો આવું સંવેદનનું બિંદુ કોઈ વાર્તાકારને મળ્યું હોત તો એ કદાચ વાર્તાનો ઘાટ ઉતારત. અહીં બોલચાલની ભાષાના લયલહેકાની પણ કવયિત્રીને સહજ સૂઝ અને પરખ છે.
તાજેતરમાં આ કવયિત્રીનો ‘વરતારો’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. આ કવયિત્રીની કવિતા વિપિન પરીખના ગોત્રની છે અને છતાંયે કયાંય એનું અનુકરણ કે અનુરણન નથી. કોઈકે તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો એને અભ્યાસની સામગ્રી મળી રહે એટલી માતબરતા બન્ને પક્ષે છે.
પ્રત્યેકની કવિતા સ્વયમ્ પ્રકાશિત છે અને છતાં અજવાળાની અનેક ઝાંય જોવા મળે. કાવ્યની પ્રથમ પંકિત જાણે કે જાહેરાતની ભાષાની હોય એવી લાગે. જોઈએ છે-એ અખબારી આલમનો જાહેરાતના પ્રથમ શબ્દો છે. આમ પણ અંગત રીતે આપણે બધા એક યા બીજા સ્વરૂપે માગણ જ છીએ. કશુંક ને કશુંક જોઈતું જ હોય છે એ રીતે આપણા દરેકમાં એક ‘જોઈતારામ’ બેઠા છે.
કવયિત્રી સિલ્વિયા પાથને એક જ પુરુષમાં પિતા, પતિ અને રોમેન્ટિક પ્રેમી જોઈતા હતા. આ તો લગભગ અશકય વાત છે. પિતાની છત્રછાયા જોઈતી હતી, પતિની સલામતી જોઈતી હતી અને પ્રેમીની રોમેન્ટિક મોસમ જોઈતી હતી.
આ ત્રણે વાસ્તવિક જીવનમાં ન મળ્યું એટલે એણે આત્મહત્યા કરી અને મરણમાં એને જાણે ત્રણ પુરુષ મળ્યા. આ તો એક આડ વાત થઈ. કવયિત્રીએ કાવ્યમાં એક ઝાડની માગણી કરી છે. કાવ્યમાં હોય છે એમ અહીં પણ ‘કહીં પે નિગાહે, કહીં હે નિશાના.’ વાત ઝાડની છે પણ આડકતરી રીતે આપણી ભાષાનું વૃક્ષ મૂળથી ઊખડી જાય છે એની તરફનો ઈશારો છે.
આ ઝાડ પર પંખી કે પંખીના માળા ન હોય તો ચાલશે. પંખી વિનાનું ઝાડ એક માણસ વિનાના ઘર જેવું, સ્મશાન જેવું જ લાગવાનું. છતાં પણ આપણી ચલાવી લેવાની વૃત્તિ છે. આ ઝાડ જોઈએ છીએ પણ કેટલીક પૂર્વ શરતોએ. એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ. એટલે કે બારેમાસ લીલું, વસંતના વૈભવ સાથેનું.
પાછું ઊચું. ઊચાઈ પણ માપસરની અને માફકસરની. બધું ટેલરમેઈડ હોવું જોઈએ. વૃક્ષની ઊચાઈ બીજા માળે આવેલા ફલેટની બાલ્કની સુધી. આપણી ભીખારી વૃત્તિ પણ કેટલી બધી શરતથી બંધાયેલી હોય છે. ઝાડ હોય એટલું જ બસ નથી એ ઘટાદાર હોવું જોઈએ, જેનાથી બાલ્કનીની વ્યૂ સુધરી જાય.
નવી પેઢીને-નવા જનરેશનને અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને વૃક્ષની ઘટા અને છટાને આધારે એને ગ્રીનરી પર એસે લખાવી શકાય. કાવ્યમાં અંગ્રેજી શબ્દનો જે ઉપયોગ કર્યો છે અથવા કરવો પડયો છે એ આપણી આદતનું પરિણામ છે.
આપણે હવે કેવળ ગુજરાતી નથી બોલતા, કેવળ અંગ્રેજી નથી બોલતા પણ ગુજરેજી બોલીએ છીએ. આવા જ કેટલાક અંગ્રેજી શબ્દો છે-પાનખર પ્રૂફ, બાલ્કની, વ્યૂ, મીડિયમ, ગ્રીનરી, એસે.
ઉમાશંકર જોશીએ લખ્યું:
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી.
આપણે આપણી માતૃભાષાનું ગળું દાબી દીધું છે. ખરેખર તો સંસ્કૃત આપણું ભોંયતળિયું છે. ગુજરાતી આપણી ડ્રોઇંગરૂમની અને શયનખંડની ભાષા છે.
અન્ય પ્રાંતિય ભાષા એ આપણો ઝરુખો છે અને અંગ્રેજી આપણી અગાશી છે. આ એક આદર્શ પરિસ્થિતિ ગણાય. પણ અંગ્રેજો ગયા અને અંગ્રેજી મૂકતા ગયા અને હજીએ આપણે રોજને રોજ વધુને વધુ ઝુકતા રહ્યાં.
આજ કવયિત્રીએ ગીતો પણ લખ્યા છે છતાં પણ ગદ્ય કાવ્યમાં એમને વિશેષ ફાવટ છે. ‘ગર્ભપાત’ નામનું એક અન્ય કાવ્ય જોઈએ:
એ રાત્રે
આંખો અને પાંપણો વચ્ચે
સફળ સંસર્ગ થયેલો.
અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાંનો!
માના પેટમાં બચ્ચું આકાર લે,
બસ એમ જ
સપનું વિકસવા લાગ્યું આંખોમાં…
આંખોને મીઠાં ગલગલિયાં પણ થયાં!
ત્યાં અચાનક
પોપચાં ફડકયાં.
હાથેથી આંખોને પસવારી પણ ખરી.
ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ લાલ-લાલ થઈ ગયો.
આંખો ખૂલી ગઈ
અને
ફરી એક વાર
કસમયે
ગર્ભપાત થઈ ગયો એક સપનાંનો!