કોરી, કુંવારી સોગાદ – હેમંત પુણેકર

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત – સુરેશ દલાલની કલમે લખાયેલ ‘હયાતીના હસ્તાક્ષર’માંથી સાભાર….

પ્રિય વ્યક્તિ માટેની આવી અપેક્ષા એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. હું તમને રણમાં ઝાંઝવા બતાવવા નથી માગતો કે મોટી મોટી ભ્રમણામાં કે શમણામાં રાખવા નથી માગતો. હું તારાઓ તોડવાની વાત એટલા માટે નથી કરતો કે એને કારણે તમારામાં અપેક્ષા જન્મે અને કાલે સવારે તમે મારી પાસે સૂરજ પણ માગો. કોઈ કવિના એક કાવ્યમાં આવે છે કે કોઈ મારી પાસે સૂરજ કે ચંદ્ર માગે તો વાંધો નથી, પણ આખું આકાશ માગે તો હું શું કરું? કોઈ આપણને આપણા જીવન વિશે પૂછે તો આપણે એને લખી લખીને શું આપીએ?

ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો

કાળી રાતોને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એવું ખ્વાબ આપો

સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
ચાલો, આંસુભીનો હિસાબ આપો

આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો

મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપો આપો, હવે જવાબ આપો!

એટલે તારા મેં નથી તોડ્યા
કાલે કહેશો કે આફતાબ આપો

એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો

-હેમંત પુણેકર

‘કવિતા’ના તંત્રી હોવાને કારણે સૌથી મોટો ફાયદો એ કે નવા નવા કવિઓની કૃતિઓનાં પરિચયમાં આવવા મળે. એવા કેટલાયે કવિઓ છે કે જેમને હું કદીએ મળ્યો નથી અને છતાંયે હું કદીયે એમનાથી છૂટો પડ્યો નથી.

યુવાન કવિ હેમંત પુણેકર વિશે માત્ર એટલી જ ખબર છે કે પૂનામાં રહે છે અને એમને મળવાનો યોગ હજી સુધી થયો નથી. કવિતાને મળીએ એ જ મોટું સદભાગ્ય છે.

કવિતામાં હમણાં હમણાં ગઝલયુગ ચાલે છે. ગાંધીયુગની કવિતામાં સોનેટયુગ ચાલતો. સાહિત્યમાં પણ આ વર્તન, પરિવર્તન- આવું બધું થયા કરતું હોય છે. આઘાત અને પ્રત્યાઘાતની પણ મોસમ આવતી હોય છે.

ગઝલકારો તો ચિક્કાર છે, પણ ઉત્તમ ગઝલો વિરલ હોય છે. ગઝલનું સ્વરૂપ લપસણા ઢાળ જેવું હોય છે. એમાં કલમને સ્થિર રાખવી એ અશક્ય નહીં પણ મુશ્કેલ કાર્ય હોય છે.

હેમંતની આ ગઝલ સંવાદ જેવી લાગતી હોય પણ ખરેખર એ સ્વગત જેવી લાગે છે. માણસ એકલો એકલો પોતાની પ્રિય વ્યક્તિ સાથે વાત કરતો હોય, વાદવિવાદ કરતો હોય, સંવાદ કરતો હોય-એના જેવું લાગે છે.

માણસની ઝંખના બહુ નથી હોતી. શાયર કહે છે કે મેં ક્યાં બાગ કે ફૂલછાબ માગી છે. મેં તો માગ્યું છે એક ફૂલ અને એ ફૂલોમાં પણ મારી પસંદગી કઈ છે એ તમને કહી છે. મને ફૂલછાબ નહીં પણ ગુલાબ જોઈએ છીએ. સુંદરમના બે ગીતના ઉપાડ યાદ આવે છે.

એક ગીતનો ઉપાડ છે: મને ફાગણનું એક ફૂલ આપો કે લાલા મોરા કેસૂડો કામગણગારો જી લોલ. તો બીજા ગીતનો અંતરો છે: એક પાંદડી આપો આખું ફૂલ નહીં માગું. એક પાંદડી આપોને મારા રાજ, આખી રે વસંત મારી એ રહી. કાળી રાતમાં જેમ ચંદ્ર હોય એમ બંધ આંખમાં કોઈ સ્વપ્ન હોય. સ્વપ્નની સંખ્યામાં તો ગણતરી થઈ શકે એમ નથી પણ ક્યારેક કોરો નહીં પણ આંસુભીનો હિસાબ તો આપો.

આપણે એકમેકને આંખથી પ્રશ્ન પૂછીએ છીએ તો હોઠથી જવાબ તો આપો. કવિને રદીફ કાફિયા સહજ મળે છે. પ્રાસ અનાયાસ આવતા જાય છે. એને માટે પ્રયાસ કરવો પડતો નથી, પણ શબ્દનો સહજ પ્રવાસ થતો હોય એવું લાગ્યા કરે છે.

કાવ્યનાયક કહે છે કે હું કશું છુપાવતો નથી. મારા મનમાં જે કંઈ હોય છે તે અને મને જે કંઈ લાગે છે તે હું વિના સંકોચે પૂછી લઉ છું. તો મારામાં જે સહજતા છે એ સહજતાથી, એ સરળતાથી કોઈ પણ ભેદ રાખ્યા વિના કે ભેદી થયા વિના મને આપોઆપ જવાબ તો આપો.

પ્રિય વ્યક્તિ માટેની આવી અપેક્ષા એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. હું તમને રણમાં ઝાંઝવા બતાવવા નથી માગતો કે મોટી મોટી ભ્રમણામાં કે શમણામાં રાખવા નથી માગતો. હું તારાઓ તોડવાની વાત એટલા માટે નથી કરતો કે એને કારણે તમારામાં અપેક્ષા જન્મે અને કાલે સવારે તમે મારી પાસે સૂરજ પણ માગો.

કોઈ કવિના એક કાવ્યમાં આવે છે કે કોઈ મારી પાસે સૂરજ કે ચંદ્ર માગે તો વાંધો નથી, પણ આખું આકાશ માગે તો હું શું કરું? કોઈ આપણને આપણા જીવન વિશે પૂછે તો આપણે એને લખી લખીને શું આપીએ? એટલે બહેતર છે કે જીવન આપણું હોય અને એને આપણે કોરી કિતાબ સોંપી દઈએ.

પ્રિય વ્યક્તિને આવી કોરી અને કુંવારી સોગાદથી વિશેષ માણસ આપી પણ શું શકે? આ શાયરની એક બીજી ગઝલ જોઈએ:

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણાં વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળું છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઊઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉ છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

– હેમંત પુણેકર

21 replies on “કોરી, કુંવારી સોગાદ – હેમંત પુણેકર”

  1. ભાઈ હેમંત ! સુરેશભાઈ લખે છે કે તમે પૂના માં છો !
    અફસોસ કે હું પૂનામાં હતો એ દરમિયાન આપણે મળી ન શક્યા.
    તમારી બીજી ગઝલ (‘લાગે છે’ રદીફ વાળી) ખરેખર દમદાર છે. અભિનંદન !

  2. સુન્દર અતિ સુન્દર શુ આપુ અને શુ લેવુ ????

  3. ખુબજ સરસ રચના છે.સાંભળવા મળૅ તો મઝા આવી જાય.

  4. દિવ્યભાસ્કરમાં છપાયેલા આ લેખનો અહીં સમાવેશ કરવા બદલ ધન્યવાદ!
    સૌ વાચક મિત્રોનો પ્રોત્સાહક કમેન્ટ્સ માટે ખૂબ આભાર!

  5. Both gazals are heart touching & awesome!

    દિલ અને દિમાગ બંનેને રસ તરબોળ કરી ગઈ.

    કાળી રાતોને જેમ ચંદ્ર મળે
    બંધ આંખોને એવું ખ્વાબ આપો

    સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
    ચાલો, આંસુભીનો હિસાબ આપો

  6. હેમન્ત નેી કવિતા વસન્ત જેવેી લાગે છે.
    ઉલ્લાસ

  7. Both Guhzals are heart touching and really awesome ..

    ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
    ફૂલ એક આપો, પણ ગુલાબ આપો

    સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
    ચાલો, આંસુભીનો હિસાબ આપો

    નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉ છું
    ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

  8. બન્ને ગઝલો અત્યન્ત હ્રદયસ્પર્શી. ખુબ ખુબ મજા આવી. તમારો આભાર જેટલો માનીએ એટલો ઑછો.

  9. ખુબ જ સરસ. હેમન્તભાઈ ની બન્ને રચના મન અને ઋદય ને સ્પર્શી ગઈ.
    માનેજયશ્રીબેન નો ઘણો આભાર આવી સરસ રચન ગોત ને આપવા અને સમજાવવા બદલ.

  10. પુણે મા આજકાલ ભર ઉનાળે થોડો વરસાદી માહોલ જામ્યો છે. રોમેન્ટિક વાતાવરણ મા રોમેન્ટિક કવિતા અને એય પાછી ગુજરાતી મા. આનન્દો.

  11. Dilo dimag ne tar kari de evi rachna..maja avi. Tame aam nava kavi o ni kavita pragat kar ya karo..

  12. આ બન્ને ગઝલો અફલાતુન છે!
    આ સાથે આપેલી commentry પણ ઘણી હ્રુદય સ્પર્શી છે. ભાઈશ્રી હેમંત પુણેકરની કલમમા જાદૂ છે.

  13. સુરેશ દલાલની સમજૂતી વાંચવાની મજા આવી ગઇ. હેમંતભાઇનું કાવ્ય પણ સરસ છે. એકદમ સરળ શબ્દોમાં ચમકૃતિ ઊભી કરી છે.

  14. હેમન્તભાઈની બન્ને ગઝલો સુંદર છે. બીજી ગઝલનો ચોથો શે’ર લાજવાબ છે!
    સુધીર પટેલ.

  15. ખુબ જ સરસ. હેમન્તભાઈ ની બન્ને રચના મન અને ઋદય ને સ્પર્શી ગઈ.
    જયશ્રીબેન નો ઘણો આભાર આવી સરસ રચન ગોત ને આપવા અને સમજાવવા બદલ.

  16. Dear Jayshreeben & Team:

    Both the poems and your learned comment on “Kori Kunvari…” are touching the hearts of the readers.

    Many thanks,

    Vallabhdas Raichura
    Maryland, May 5,2010.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *