નરસિંહ મહેતાનું આ પદ સાંભળીને કે વાંચીને કયા ગુજરાતીને ગાંધીજી યાદ ન આવે ?? એટલે જ અહીં ગીતના બેકગ્રાઉન્ડમાં એમનો ફોટો મુક્યો છે. આપમેળે ગાંધીજી યાદ ન આવતા હોય તો હું યાદ કરાવી દઉં.. 🙂
ડો.દર્શના ઝાલાએ હમણાં એમણે અમેરિકામાં વૈષ્ણવજનની પ્રસ્તુતિ કરી હતી એની ઓડીઓ મોકલી. સુંદર અવાજ અને સંગીત. મજાની વાત એ છે કે સંગીતની ગોઠવણ બે અમેરિકન વિદ્યાર્થીઓ બેન અને કોનલ એ કરી છે. અવાજ ડો.દર્શના ઝાલાનો અને તબલા એમના દીકરા અમોલે વગાડ્યાં છે. ડો.દર્શના ઝાલા અમેરિકામાં રહીને અમેરિકન વિદ્યાર્થીઓને ભારતીય સંગીત શીખવવાનું ઉમદા કાર્ય કરે છે!
ચાલો સાંભળીએ,
.
વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.