દી આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી !
સળીયું ભાંગીને રાત કાઢી,
ને સાહ્યબો આવ્યો નંઇ !
સાથિયો પૂરું તો એને ઉંબર લઇ જાય
અને તોરણ બાંધુ તો એને ટોડલા,
કાજળ આંજુ તો થાય અંધારા ધોર
અને વેણી ગુંથું તો પડે ફોડલા;
દી આખ્ખો પોપચામાં સમણું પાળ્યું સખી !
પાંપણ લૂછીને રાત કાઢી,
ને સાહ્યબો આવ્યો નંઇ !
ઓશીકે ઉતરીને આળોટી જાય
મારાં સૂના પારેવડાંની જોડલી,
નીંદરનાં વહેણ સાવ કોરાધાકોર
તરે ઓશિયાળાં આંસુની હોડલી,
દી આખ્ખો ઢોલિયામાં હૈયું ઢળ્યું, સખી !
પાંગત છોડીને રાત કાઢી,
ને સાહ્યબો આવ્યો નંઇ !
– વિનોદ જોશી
બહુ જ લીસ્સું, રેશમી, ભીનું ભીનું અને બોલકું ગીત..નજર સામે દરેક કડી હાજરા હજૂર થૈ ગઈ..વિનોદભાઈના ઘેઘૂર અવાજ માં આ ગીત સાંભળવાની મજા ઓર જ હોય..હૂં ભાવનગરનો એટલે કોઇક વાર લાભ મળશે..
શ્રેી વિનોદ જોશેી ના અન્ય ગેીતો જેવુ જ સુન્દર ગેીત્.
સુંદર મજાનું ગીત… ગણગણવું ગમે એવું…