Category Archives: સંગીતકાર

દીકરો મારો લાડકવાયો – કૈલાસ પંડિત

આજે મનહર ઉધાસના સ્વરમાં ગવાઇને અમર બની ગયેલા આ મીઠા હાલરડાની મજા લઇએ…

સ્વર : સંગીત – મનહર ઉધાસ

.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ઊગી જવાના -હર્ષ બ્રહ્મભટ્ટ

લગભગ ૬ મહિના પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલી આ ગઝલ – આજે આશિતભાઇના સ્વર અને સંગીત સાથે ફરી એકવાર…

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

સંગીત : આશિત દેસાઇ
સ્વર : આશિત દેસાઇ – હેમા દેસાઇ
આલ્બમ : પાંખ ફૂટી આભને…

.

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !

વરસાદની મોસમ – હરીન્દ્ર દવે

આ વખતે તો દેશમાં વરસાદ આવ્યા ને પણ કેટલો વખત થઇ ગયો, અને આપણે ટહુકો પર વરસાદ બોલાવાનું ભૂલી જ ગયા..! પણ જો કે આમ ટહુકો થાય એટલે વરસાદ તો આવે જ ને… અને આપણે તો આખું વર્ષ ટહુકા કરતા હોય છે..

ચાલો, વધારે પૂર્વભુમિકા બાંધ્યા વગર, વરસાદની મૌસમનું આ સરસ મઝાનું ગીત, સોલીભાઇ-નિશાબેનના સુમધુર કંઠે સાંભળીએ.

સ્વર : સોલી -નિશા કાપડિયા
સંગીત ઃ આશિત દેસાઇ

rain love

.

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઇએ.

આપણે કયાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણાં, ચાલને, ખસતાં જઇએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઇએ.

તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઇએ.

————————

અને જ્યારે વરસાદની મૌસમ આવી જ છે, તો સાથે સાથે આ વરસાદી ગીતો સાંભળવાનો વધુ એક મોકો આપી દઉં તમને ?

અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા
આ કોની મનોરમ દ્ધષ્ટિથી…… -ગની દહીંવાલા
આવે મેહુલિયો! – અવિનાશ વ્યાસ
ધરા જરી ધીમી થા! – અવિનાશ વ્યાસ
મા, મને છત્રી લઇ આપ તું એવી….
મારો સાહ્યબો અષાઢીલો મેઘ… – તુષાર શુક્લ
મોર બની થનગાટ કરે… – ઝવેરચંદ મેઘાણી
વરસાદ ભીંજવે – રમેશ પારેખ

મંઝિલને ઢૂંઢવા… – રવિ ઉપાધ્યાય

કવિ શ્રી રવિ ઉપાધ્યાયના જન્મદિવસે આપણા બધા તરફથી એમને શ્રધ્ધાંજલી..

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

challenge

ગાયક અને સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય   

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
 
યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.
 
બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો ક્રરો ,
પત્થરનાં દેવને ક્દી પ્રગટી જવું પડે.
 
દર્શન પ્રભુનાં પામવાં ક્પરી કસોટી છે,
અર્જુનનાં રથના ચક્ર્ની ધરી થવું પડે.
 
પાણી થવાંને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.
 
સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,
જોવાં તમાશો એક્વાર ગુજરી જવું પડે.

 

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … – રાજેન્દ્ર શાહ

ચલો, આજે પાછું તમને હોમવર્ક આપું. આજે તમારા માટે એક ગીત તો લાવી છું, પણ સાથે કોઇ નામ નથી… એ કામ તમારું. શોધી આપો – કવિ, સ્વરકાર અને ગાયક….. !! 🙂

ગાયિકા : કૌમુદી મુનશી
સ્વરકાર : નવીન શાહ
indhana

.

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ

ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે
કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ
વનની વનરાઇ બધી નવલી તે કુંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ

જેની તે વાટ જોઇ રઇ’તી મોરી સૈયર
તેની સંગાથે વાટ વઇ’તી રે લોલ

સુકી મેં વીણી કંઇ ડાળી ને ડાખળી
સુકા અળૈયા ને વીણ્યા રે લોલ
લીલી તે પાંદળીમાં મેહકંતા ફૂલ બે
મારે અંબોડલે સોહ્યા રે લોલ

વક્ત્રક્ત વહેણમા ન’ઇતી મોરી સૈયર
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી રે લોલ

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ

કોઇ કહે ગુલમહોર બરાબર – તુષાર શુક્લ

આ લ્યો… આજનું આ ગીત મારા માટે… (એટલે કે હું અને અમિત – બંને માટે)

કવિ તુષાર શુક્લની કલમનો જાદુ હોય, પછી ગીતની મીઠાશ માટે બીજું કઇં કહેવાનું બાકી રહે? અને આ ગીત સાંભળતાની સાથે જ કવિ તુષાર શુક્લનું જ એવું જ મઘમીઠું ગીત – એક હુંફાળો માળો… યાદ આવે ને?

સ્વર : સંજય ઓઝા, આરતી મુન્શી
સ્વરકાર : હસમુખ પાટોડિયા
gulmahor

.

કોઇ કહે ગુલમહોર બરાબર
કોઇ કહે ગરમાળો
મનગમતી એક ડાળ ઉપર
ચલ રચીયે, આપણો માળો

કોઇ કહે કે શ્યામ ગુલાબી
કોઇ કહે કે કાળો
કૃષ્ણ રંગ રચવામાં સૈયર
રંગ રંગનો ફાળો

તું ને હું, હું ને તું
બંને લઇ આવ્યા
મનગમતી કંઇ સળીઓ
સૈયરા સુખના સપનાંની
મઘમઘતી કંઇ કળીઓ

ગમે બેઉને એજ રાખશું
ફરી વીણશું ગાશું
અણગમતું ના હોય કોઇનું
પછી નહીં પસ્તાશું

વ્હેણ ગમે છે કોઇને વ્હાલમ
ગમે કોઇને પાળો
મનગમતી એક ડાળ ઉપર
ચલ રચીએ આપણો માળો

સમજણ નામે ફૂલ મહોરશે
પ્રિયે પ્રેમ સરવરમાં
ટહુકા નામે શબ્દ ગુંજશે
સ્નેહ નામના ઘરમાં

શ્રધ્ધાને વિશ્વાસ આપણો
મજબૂત માળો રચશે
ભલે ફૂકાતો પવન સમયનો
આપણો માળો ટકશે

કોઇ કહે કે મૂળ ઉખડશે
કોઇ કહે કે ડાળો
શંકા છેદી કરીયે સૈયર
સમજણનો સરવાળો

——————————-

અને હા, એક મહત્વની વાત કહેવાની તો રહી જ ગઇ… આ ગીતના કવિ તુષાર શુક્લ, અને ગાયક સંજય ઓઝા – પોતાની ટીમ સાથે હમણા અમેરિકામાં છે. એક-બે દિવસમાં એમના પ્રોગ્રામની વધુ માહિતી ટહુકો પર જરૂર મુકીશ.

મૌનનો ટહુકો – સુરીલા સ્વરકાર સ્વ. દક્ષેશ ધ્રુવ

જેમના સ્વરાંકનો માટે ગુજરાતી સંગીત એમનુ ઋણી છે – એવા સુરીલા સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવને જરા વધુ નજીકથી ઓળખવાનો પ્રયાસ…   

(વધુ વાંચવા અહીં ક્લિક કરો)

ભૂલી શકું તો – ઊર્મિ

ગઇકાલે ૧૦ -જુન એટલે આપણા ગુજરાતી બ્લોગજગતના લાડીલા ‘ઊર્મિસાગર.કોમ’ નો જન્મદિવસ…

અછાંદસથી શરૂ થયેલી ઊર્મિની યાત્રા બે વર્ષમાં છાંદસ ગઝલો અને લયબધ્ધ ગીતો સુધી પહોંચી, એના આપણે સાક્ષી રહ્યા જ છીએ.  એમના પોતાના અવાજમાં તમે ‘તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ?‘ સાંભળ્યુ ને ?  ટહુકો પર પણ ભવિષ્યમાં એમના અવાજનો ટહુકો કરશું જ, પણ આજ માટે આપણે એમની સ્વરબધ્ધ થયેલી આ ગઝલ (જે એમના બ્લોગ પર તો છે જ..!) સાંભળીયે…

સંગીત : મેહુલ સુરતી
સ્વર : અમન લેખડિયા 

 waves

મને પણ હું મારામાં ખોલી શકું તો,
તને એક પળ જો હું ભૂલી શકું તો.

સુગમ થાય થોડું, કયા માર્ગે જાવું,
ગયેલાં જનમને ટટોલી શકું તો.

બદલવા છે થોડા પ્રસંગોને મારે,
સમયનાં આ રણમાં ટહેલી શકું તો.

ન માંગુ તમારી અમોલી ક્ષણોને,
ભરેલી કો’ પળને હું ઝાલી શકું તો.

અમારી આ દુનિયા યે રંગાઈ જાશે,
કો’ શમણાંને પાંપણથી ખોલી શકું તો.

ભરી લઉં હું પ્રીતિની પીડાનું ભાથું,
વજનમાં જો ઊર્મિને તોલી શકું તો.

ભલે આયખું થાતું પુરું આ ક્ષણમાં,
તવ ઊર્મિનાં સાગરમાં ડોલી શકું તો.

– ઊર્મિ

પરિચય છે મંદિરમાં દેવોને મારો – શૂન્ય પાલનપૂરી

આજે શૂન્ય પાલનપૂરીની આ લોકપ્રિય ગઝલ, બે અલગ અલગ સ્વર – સંગીત સાથે…. આશા છે આપને ગમશે…!!
સ્વર – સંગીત : મનહર ઉધાસ

.

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

દિલદાર છટા દૃગ અટક રહી – શ્રી કૃષ્ણાનંદ સ્વામી

કાલે શ્રી રાસબિહારી દેસાઇના કાર્યક્રમમાં એમણે જણાવ્યું હતુ, કે જ્યારે સર્વ ઇન્દ્રિયો કાન બને, ત્યારે સંગીત – સંગીત ન રહેતા સાધના બને છે… 
 
આજે એક એવી જ જુગલબંધી લઇને આવી છું…  સંગીત પોતે એક સાધના છે, અને જ્યારે એમાં ભક્તિરસ ભળે, ત્યારે એનો એક અલગ જ અંદાજ હોય છે…   ઉત્કૃષ્ટ સંગીત નિયોજનને જ્યારે આવો દિગ્ગજ સ્વર મળે છે, ત્યારે એ સાધના ન બને તો જ નવાઇ…!!

સંગીત : દિલિપ ધોળકિયા
સ્વર : આશિત – આલપ દેસાઇ  

દિલદાર છટા દૃગ અટક રહી,
નટવર હરિ પ્યારે સાંવરિયા…
 
તને સપેત (સફેદ) ધોતી પહેર લિયા,
કેસર ચંદન કી ખોર કિયા;
ધરે ફૂલ ગેંદ કર ગિરિધરિયા,
પચરંગી શિર પર પાઘરિયા… દિલદાર..

સોહત હૈ કમલ કલી અંખિયાં,
ગલે ફૂલ માલ પ્યારી નખિયાં;
કાજુ બાજૂ ગજરા ધરિયા,
મોતીન સેહરા મન ભાવરિયા… દિલદાર..

કાબિલ કામિલ રંગ રેલ પિયા,
નૈનન સે તન મન છીન લિયા;
હેરત હૈ રૂપ ઉજાગરિયા,
સિરદાર યાર નટ નાગરિયા… દિલદાર..

સબ રાજન કે રાજા વરિયા,
પ્રાનનહું સે પ્યારા કરિયા; 
ઔરન કું ઉરમેં ના ધરિયા
કૃષ્ણાનંદ સુખ સાગરિયા…. દિલદાર..