આ ગઝલ મનહર ઉધાસની પહેલી ગુજરાતી ગઝલ છે – અને ગુજરાતી ગઝલોને લોકપ્રિય કરવામાં મનહર ઉધાસનો ફાળો કેટલો મોટો છે, એ કદાચ કોઇ ગુજરાતી ગઝલ પ્રેમીને કહેવાની જરૂર નથી..
સ્વર : મનહર ઉધાસ
.
ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.
અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે
સ્વર – સંગીત : મનહર ઉધાસ
.
તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું
તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?
આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું
‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?
અને એવું કોણ હશે કે જેણે જગજીતસીંગના કંઠે ‘वो कागझकी कश्ती, वो बारिशका पानी’ સાંભળીને પોતાના બાળપણના દિવસો યાદ ન કર્યા હોય, અને ફરી એક વાર બાળક થવાની જેને ઇચ્છા ન થઇ હોય. કોઇ દિવસ ટહુકા પર એ ગીત પણ સાંભળશું, પણ આજે મજા લઇએ મનહરભાઇના કંઠે ગવાયેલી આ સુંદર રચનાની. ( આ ગઝલ તો નથી, તો આને નઝમ કહેવાય ? )
કવિ : કૈલાસ પંડિત
સ્વર : મનહર ઉધાસ
.
ઘરની સઘળી વસ્તુ મરી ગઇ
બહુ સુના છે ઘરના ખૂણા
શાંત ઉભા છે દ્વારના પડદા
બંધ પડ્યા છે મેજના ખાના
રોઇ રહ્યા છે સઘળા રમકડા
સ્વચ્છ પડેલી ભીંતો ઘરની, લાગે જાણે વિધવા થઇ ગઇ
બિસ્તર કેરી ચાદર જાણે, બાળ વિહોણી માતા થઇ ગઇ
કોઇ દિ’ મેં શોધી નો’તી, તો યે ખુશીઓ મળતી’તી
લાદી ઉપર સૂતો તો ને આંખો મારી ઢળતી’તી
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી
ખળખળ વહેતા ઠંડા જળમાં છબછબિયાં મેં કિધા’તા
મારા કપડા મારા હાથે ભીંજવી મેં તો લીધા’તા
સાગર કેરા ખારા પાણી કંઇક વખત મેં પીધા’તા
કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દિઘા’તા