Category Archives: હાલરડું

બહેની તમે – હાલરડું

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

બહેની તમે દેવના દીધેલ છો,
આવો ને અમર થઈને રહો………
તમે કાળજાની કોર છો,
આવો ને અમર થઈને રહો………

દેવે દીધાં રુપ લઈને આવ્યાં,
કેવાં કેવાં વરદાનો બેન, દુનિયા લાવ્યાં,
પ્રીતિને પારણે ઝૂલાવું, હૈયાને હેતે ઝૂલાવું
બહેની તારા હાલ રે ગાઉ………. બહેની

બહેની તમે ઘરદીવડી થઈને કંકુ પગલે આવ્યાં,
સર્જનહારની સમોવડી બનવાનાં નસીબ લાવ્યાં,
તમે પરદેશી પંખી છો, આજે મારે આંગણે આવ્યાં છો
કાલે બીજું આંગણું શોભાવશો
આવો ને અમર થઈને રહો……… બહેની

દુ:ખના દરિયા આવે તો બેની લડજો ભીડી હામ,
ભણીગણી અન્યાયની સામે ઉજળું રાખજો નામ,
બહેની તું શક્તિનો અવતાર, તારાં રુપ – ગુણનો નહિ પાર
તું સાચો દુનિયાનો આધાર ……… બહેની

સૂઈ જા રે તું – હાલરડું

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

સૂઈ જા રે તું સૂઈ જા
હેતે ઝૂલાવું તું સૂઈ જા …..

પૂનમના ચાંદ મુખડુ મલકે
દેખી અમારા હૈયા રે છલકે
પારણું ઝૂલાવું હાથ હલકે હલકે
સૂતી ના સૂતી ત્યાં તું જાગે પલકે …..

કુસુમ, કોકિલા કે કુમુદ, કેતકી
ઉષા, અંજના, અરુણી, આરતી
અનેકાનેક તારા નામ, હું ધારતી
ઓવારણા લઈને ઉતારુ, આરતી …..

ચંદનના કાષ્ટ કેરુ પારણું ઘડાવું
ફૂલોની વેલ કેરુ દોરડું ગુંથાવુ
ફૂલો કેરી સેજે હીંચકો હિંચાવું
ફૂલોની ફોરમનો વીંઝણો વીંઝાવું ….

સાવ રે સોનાનું – હાલરડું

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

સાવ રે સોનાનું મારું પારણિયું
ને ઘૂઘરી ના ઘમકારા, બાળા પોઢો ને
ચાર પાયે, ચાર પુતળિયું
ને મોરવાયે બે મોર, બાળ પોઢો ને

પોઢી જા રાજા મારી આંખોના નૂર
નીંદરડી કેમ તારી આંખોથી દૂર
માવડી સુવડાવે, તારું પરનું ઝૂલાવે
મ્હારા બાળાને નીંદરડી આવે રે…

શમણાંની નગરીમાં તારલાની પાર
પરીઓની પાંખો પર થઈને સવાર
વાટલડી જૂએ બધા તને સાદ કરે
તારા વિના ના કોઈથી રહેવાય રે…

ધીરા રે આજો – હાલરડું

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

ધીરા રે આજો મીઠા રે આજો
સોણલિયાં હો, ધીરા ધીરા આજો !…
ધીરી રે આજો મીઠી રે આજો
નીંદરડી હો, ધીરી ધીરી આજો!…

સોણલાંમા રામજીના રંગમાં
સોણલાંમા સીતાજીના સંગમાં
લાડકડી, તમે રંગાજો રંગમાં… સોણલિયાં…

વીરા રે મહાવીર જેવા થાજો
ગૌતમને ગાંધી જેવા થાજો
સતનાં ગુણ સદાયે ગાજો… સોણલિયાં…

બહેનાં તમે ઝાઝેરું ભણજો
વીરા તમે ઝાઝેરું ભણજો
ભણજોને ઝાઝેરું ગણજો… સોણલિયાં…

નીંદરડી આવી આવી આવી
સોણલિયાં હો લાવી લાવી લાવી
પાંપણને પારણિયે રેઝૂલાવી… સોણલિયાં…

ચંદનનું પારણું – હાલરડું

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

ચંદનનું પારણું ઝૂલો રે ઝૂલાવું
સૂઈ જા મ્હારા લાલ હાલરડું ગાવું

હું તો ભલેને જાગું રે જાગું
તારે માટે મીઠી નીંદરડી માંગુ
પારણીયે હિંચોળુને ઘેલી હું થાઉં

મ્હારી વ્હાલપની મીઠી માયામાં
જુગ જુગ અમર રહો, માં ની છાયામાં
જોઈ જોઈ તને હું તો હરખાઉં

મારી તે આંખોનું, મોંઘેરું નૂર
બે કાંઠે છલકતું, મમતાનું પૂર
હાલરડું ગાઉં ને, વારીવારી જાઉં

વાહુલિયા હો – હાલરડું

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો
મેહુલિયા હો ધીરા રે ધીરા ગાજો

પોઢ્યા છે બાળ મ્હારા પારણે
ઝબકી ના જાય તારે કારણે
ડરી ના જાય એ તો સોણલે
વાયરા હો મીઠાં રે મીઠાં વાજો…..

બહેની મ્હારી લહેરો સમુદ્રની
હળવે હાથે હીંચોળો નાવલડી
હિંચોળે જેવી બેટાની માવલડી
ચાંદલિયા હો ધીરા રે ધીરા રે ધાજો…..

રાતલડીના તેજ રૂપા વરણાં
બેનડીના વાન સોના વરણાં
લાડકવાયી સોહે છે નીંદરમાં
તારલિયા હો ધીરા રે ધીરા રે આજે…..

નીંદર ભરી રે – હાલરડું

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

નીંદર ભરી રે ગુલાલે ભરી મ્હારા
લાડકાની આંખડી નીંદર ભરી
મ્હારા લાડકાની આંખડી નીંદર ભરી
મ્હારા દીકરાની આંખડી નીંદર ભરી

નવલખ તારાની ચુંદડી ઓઢી,
નીંદર રાણીઆવશે દોડી
સપના લે આવશે સોનપરી,
મ્હારા લાડકાની આંખડી નીંદર ભરી
મ્હારા દીકરાની આંખડી નીંદર ભરી

ચચાંદાએ ભાઈલાને દીધી ચાંદપોળી,
પૂનમની પોરણપોળી ઘી માં ઝબોળી
મ્હારા ભૂલકાને દેશે કોઈ સુંદર પરી,
મ્હારા લાડકાની આંખડી નીંદર ભરી
મ્હારા દીકરાની આંખડી નીંદર ભરી.

નીંદરડી રે

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

નીંદરડી રે આવ દોડી દોડી ,
લઈને કાગળની હોડી
મ્હારી બહેનાને જાવુ છે પોઢી રે.
હાલુ લુ લુ હાલા, હાલુ લુ લુ હાલા
હાલુ લુ લુ હાલા, હાલુ લુ લુ હાલા.

સપનોના દેશે પરીઓની રાણી
સાતરે સમંદરના વિંધવાને પાણી .. નીંદરડી રે…
શ્યામલ ઓઢણી રે ઓઢી જો જે થાતી ના મોડી,
મ્હારી બહેનાને જાવુ છે પોઢી રે.
હાલુ લુ લુ હાલા, હાલુ લુ લુ હાલા
હાલુ લુ લુ હાલા, હાલુ લુ લુ હાલા.

ઝગમગતા તારલાની રમતી રે ટોળી
વાયારે પવંનરાણી વીઝણો વીજળી… નીંદરડી રે..
ચંદ્ર સૂરજની જોડી લાવજે આભલેથી તોડી
મ્હારી બહેનાને જાવુ છે પોઢી રે.
હાલુ લુ લુ હાલા, હાલુ લુ લુ હાલા
હાલુ લુ લુ હાલા, હાલુ લુ લુ હાલા.

ઝૂલો ઝૂલો લાલ, માતા યશોદા ઝુલાવે

ટહુકો ફાઉન્ડેશનના કાર્યક્રમ સુર શબ્દની પાંખેમાં મીશા આચાર્યના સ્વરમાં સાંભળો.

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

ઝૂલો ઝૂલો લાલ,માતા યશોદા ઝુલાવે
ઝૂલો ઝૂલો લાલ,માતા યશોદા ઝુલાવે
ઝૂલો ઝૂલો લાલ,મારા વારી વારી જાઉં રે
ઝૂલો ઝૂલો લાલ,માતા યશોદા ઝુલાવે

સુરજ ચંદ્રની સાથે રમે
મારો ઘેલો કુંવર કાન રે
હૈયા કેરે હીંચકે ઝુલાવું
વારી વારી જાઉં રે

સોના કેરા પારણીયાની
શોભા તો તું છે
રેશમની દોરીએ ઝુલાવું
તમને કુંવર કાન રે

ભલો મારો નંદકુંવર
એનું જગમાં થાશે નામ રે
હું હૈયાથી એવું ચાહું
કરશે મોટાં કામ રે .

ઝૂલો ઝૂલો લાલ,માતા યશોદા ઝુલાવે

હાલાં રે હાલાં – મેઘલતા મહેતા (બાળદિનની શુભેચ્છાઓ)

થોડા વખત પહેલા જાણીતા કવયિત્રી, અને બે-એરિયાના ગુજરાતી સાહિત્યવર્તુળમાં અમારા સૌના વડીલા એવા શ્રીમતી મેઘલતાબેન મહેતાએ આપણી વચ્ચેથી વિદાય લીધી. એમની કેટલીક રચનાઓ આપણે ટહુકો પર અગાઉ માણી ચૂક્યા છે. (https://tahuko.com/?cat=528). ગયા વર્ષે ‘મળવા જેવા માણસ’ શ્રુંખલામાં પ્રસ્તુત એમના વિષેની વાતો આપ અહીં માણી શકશો (https://gujaratisahityasangam.wordpress.com/2014/07/21/meghalataben-mehta/)

એમણે મારી દિકરીમાટે જે હાલરડાં અને બાળગીતોની સીડી આપી હતી, એ અમારા સૌ માટે એક અણમોલ સંભારણું છે. એમાથી એક હાલરડું અહિં રજૂ કરું છું. એમના પોતાના અવાજમાં.. મેઘલતા આંટી, We are missing you!

અને હા, આ હાલરડાંની સૌથે સૌ બાળમિત્રોને, આપણી અંદરથી જવાની ધરાર ‘ના’ પાડતા બાળકને પણ – બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

સ્વર – સ્વરાંકન – કવિ : મેઘલતા મહેતા

meghlata_mehta

હાલાં રે હાલાં, બેનીને ઝૂલા લાગે વ્હાલા
હાલાં રે હાલાં, બેનીને ઝૂલા લાગે વ્હાલા
ઝૂલામાં ઝૂલાવું, બેનીને હેતે હુલાવું

હાલાં રે હાલાં, બેનીને મમ્મા લાગે વ્હાલા
મમ્માને બોલાવું, બેનીને કુકી કેક ખવરાવું

હાલાં રે હાલાં, બેનીને પપ્પા લાગે વ્હાલા
પપ્પાને બોલાવું, બેનીને સ્ટોરીયું સંભળાવું

હાલાં રે હાલાં, બેનીને માસી લાગે વ્હાલા
માસીને બોલાવું, બેનીને હાલરડાં ગવરાવું

હાલાં રે હાલાં, બેનીને મામા લાગે વ્હાલા
મામાને બોલાવું, બેનીને હિંડોળે હિંચાવું

હાલાં રે હાલાં, બેનીને મામા લાગે વ્હાલા
મામાને બોલાવું, બેનીને હિંડોળે હિંચાવું

હાલાં રે હાલાં, બેનીને કાકા લાગે વ્હાલા
કાકાને બોલાવું, બેનીને ખોળે બેસારું

હાલાં રે હાલાં, બેનીને ફોઇબા લાગે વ્હાલા
ફોઇબાને બોલાવું, બેનીના નામ પડાવું

હાલાં રે હાલાં, બેનીને દાદા-દાદી વ્હાલા
દાદા-દાદીને બોલાવું, બેનીને લાડ લડાવું

હાલાં રે હાલાં, બેનીને નાના-નાની વ્હાલા
નાના-નાની બોલાવું, બેનીને ઝબલાં-ટોપી અલાવું

હાલાં રે હાલાં, બેનીને ઝૂલા લાગે વ્હાલા
ઝૂલામાં ઝૂલાવું, બેનીને હેતે હુલાવું

– મેઘલતા મહેતા