મરીઝ સાહેબની આ ઘણી જ જાણીતી ગઝલ… આમ તો જગજીતસિંગના પ્રથમ ગુજરાતી આલ્બમ – મરીઝ સાહેબની ગઝલો -નું શિર્ષક પણ આ ગઝલથી જ અપાયું છે… પણ જગજીતસિંગને માણીશું ફરી કોઇ દિવસ. આજે તો મરીઝ સાહેબના શબ્દોની સૂરા – અને આશિત-હેમા દેસાઇ સાકી..!
સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ
.
જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.
બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.
મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું
રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

