Category Archives: મકરંદ દવે

સપનાં સપનાં – મકરંદ દવે

રે! ખાલી સપનાં સપનાં :
આ કરુણ જીવનને રોજ કનડતાં
આવે છાનાંછપનાં!
રે! ખાલી સપનાં સપનાં.

સાંજ પડે ને શુંય થતું કે
હૈયું ખાલી ખાલી,
મનમોહનને મળવા કાજે
રે’તું ભાળી ભાળી;
હસી જરી ત્યાં આવે મૂરત
કામણગારી કાળી :
રે! કૂડી જીવ, કલપના!
એ ખાલી સપનાં સપનાં.

અધરાતે મધરાતે હું તો
જાગી જાઉં સફાળી;
રે! કોઈ કહે છે : આવ, આવ ઓ!
આવ મગનભર ચાલી!
સુણી રહું ત્યાં ઘેલી કરતી
વેણુ વાગે વ્હાલી :
રે! જૂઠી જીવ, જલપના!
એ ખાલી સપનાં સપનાં.

રોજ રોજ એ આંખે તરતી
કાયા રંગરૂપાળી;
રે! રોજ રોજ એ જાય લગાડી
માયા કો મર્માળી :
હું કરું અરે શું? ક્યારે મળશો?
મનમોહન વનમાળી!
રે! સૂનાં અંતર – તપનાં
આ સાચ કરો સૌ સપનાં.

– મકરંદ દવે

અમે મુસાફરો – મકરંદ દવે

અમે મુસાફરો, મુસાફરો મહાન ખલ્કના !

વૃદ્ધ ભૂતકાળ બાળ શો હતો રહ્યો રમી
સૃષ્ટિ આ કુમારી વિશ્વમાં નવી ઉષા સમી
ઊઘડી હતી ત્યહીં
મુગ્ધતા અહીં ;

ત્યારે દેશ દેશ મુલ્ક મલકમાં ભમી ભમી
અમે પ્રથમ ધરા મહીં ભરેલ ગીત હર્ષનાં
અમે મુસાફરો ! મુસાફરો અનંત વર્ષના.

અમે મુસાફરો ! કમાલ કારવાં જુઓ ચલે !
ગીચ જંગલે નવીન કેડી જાય પાડતા
કાળમીંઢ પર્વતોની ભીંતને ઉખાડતા
શુષ્ક રણે બાગ સૌ બહારના ઉગાડતા,

સમુદ્રને મહા પટે
અનેક નદીને તટે
વહી રહ્યા, વધી રહ્યા, કદમ કદમ પળે પળે;
અમે મુસાફરો, મુસાફરો સદા ગતિભર્યા
અમે વિશાળ સર્વ માટે માર્ગ મોકળા ધર્યા.

પ્રકૃતિના ચાહકો
સંસ્કૃતિના વાહકો
સૌન્દર્ય, પ્રેમ, પુણ્યના પ્રથમ અમે ઉપાસકો ;
અમે મુસાફરો, અમારી કૂચ મુક્તિ કારણે
ટે’લ નાખતા જઈ યુગોથી સર્વ બારણે,

સાથ આવો ! અંધકાર છોડી કોટડી તણા
સાથ આવો ! બેડીબંધ તોડીને રિબામણા
સાથ આવો ! નોતરી રહી નવી વિચારણા ;

અમે મુસાફરો, મુસાફરો પ્રદીપ મુક્તિના
પંથ કોડિયાં જલાવતા પ્રસુપ્ત શક્તિનાં
પ્રકાશ તણા ગાયકો
અમે મહાન સ્વપ્ન સાથ સત્યના વિધાયકો.
 – મકરંદ દવે

ગેબી ગુંજતો – મકરંદ દવે

સાવ રે સાદો તંબૂર તાણિયો
એનો બજે એકલ તાર
એકને ઝણકારે જાગે જુઓ,
ગાણાં ગળુંભી અપાર
સાવ રે સાદામાં ગેબી ગુંજતો.

પવને પડેલા ટેટા દડબડે
કરતા બીની બિછાત
એક રે બીમાં બોઈ અણગણી
વન વન વડલાની ભાત
સાવ રે સાદામાં ગેબી ગુંજતો.

આ રે મેડી બની સાંકડી
એમાં જાળિયુંની જોડ
એ રે જાળીમાં જુઓ, નીતર્યું
આખું આભ નિચોડ
સાવ રે સાદામાં ગેબી ગંજતો.

કાચી માટીનાં આ તો ભીંતડાં
એમાં પલપલે પ્રાણ
એ રે ગારામાં ઝળુંબિયા
જુઓ, ઝળહળ ભાણ
સાવ રે સાદામાં ગેબી ગુંજતો.

સાવ રે સાદો પ્યાલો પ્રેમનો
મારો ભર્યો ભરપૂર
એને રે પાતાં ને પીતાં પ્રગટિયા
હરિ હસીને હજૂર
સાવ રે સાદામાં ગેબી ગંજતો.
 – મકરંદ દવે

 આનંદ પારાવાર – મકરંદ દવે

અહોહો ! આનંદ પારાવાર !

જ્યાં જોઉં ત્યાં નાચત લહરી એક અખંડ અપાર.
ગગન છોળ જ્યોતિની છલકે પરમ કિલોળ
અવનિ તલ માટીની ભીતર પ્રગટયો પ્રેમ હિલોળ.
રતરતની સૃષ્ટિમાં રમતો ભરતો નૂતન પ્રાણ
અંદર-બહાર બધે રેલવતો ઘેરું ગંભીર ગાન,
આનંદ આદિ આનંદ અંત મહાનંદ મધ્ય વિશાળ
આનંદે મધુમય મકરન્દે છાયું વિશ્વ ત્રિકાળ
– મકરંદ દવે

વળતા આજ્યો – મકરંદ દવે

માધવ, વળતા આજ્યો હો !

એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો !

રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષ–ટંકાર
મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણું વાજ્યો હો !
અમને રૂપ હૃદય એક વસિયું ગમાર ક્યો તો સહેશું
માખણ ચોરી, નાચણ પગલે નેણ લગાજ્યો હો !
રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો !
 – મકરંદ દવે

નવા ઘાટ – મકરંદ દવે

મારી ક્ષુદ્ર, મલિન આ જાત પરે
તારી શીતળ નાથ, કૃપા ન ચહુ
એને બાળ, પ્રજાળ, પ્રતાપ મહીં
તારા શેક હું શાંતિથી સર્વ સહુ.

એને હોય ન બોલ મીઠા કહેવા
એની હોય થાબડવી પીઠ કેવી ?
જેના મેલ પૂરા પીગળ્યા ન હજી
એને ધીખતી ધમણે આગ દેવી.

મારાં પોચટ રૂપનાં પાણી બધાં
તારી ઝાળમાં છો ને વરાળ બને
અને શક્તિના સ્વાંગ ગુમાની ભલે
થઈ રાખ ઢળે અસહાયપણે.

મારી ધૂળની કાયૅ તું છાઈ રહે
તારી મૂળ સનાતન જ્યોત ધરી
અણુએ અણુમાં છલકાઈ વહે
તારું ઊજળું, એકલું પોત હરિ !

મારી જાતને એવી જલાવ કે ના
મને ઓળખનારું ય કોઈ મળે
તારી કોમળતાને હું શું રે કરું
મને આપ પ્રહાર પ્રચંડ બળે.

પછી જોનારા જોઈ રહે કહેતા
તારી વીજપ્રભા તણી વાત મુખે
અરે ! જીવતી જ્યોતિનું દાન દેવા
મને બાળ, પ્રજાળ, ઉજાળ સુખે.
 – મકરંદ દવે

મિલન-મેળા – મકરંદ દવે

આપણા મિલન-મેળા !
મૃત્યલોકની શોક ભરી સૌ
વામશે વિદાય-વેળા.

નિત નવા નવા વેપ ધરીને
નિત નવે નવે દેશ,
આપણે આવશું , ઓળખી લેશું
આંખના એ સંદેશ;
પૂરવની સૌ પ્રીત તણા જ્યાં
ભીના ભેદ ભરેલા !
મરણને યે મારતા આવશે
આપણા મિલન-મેળા.

અનંત કેરે આંગણ ભાઈ !
આપણી અનંત લીલા,
પ્રેમનાં ઝરણ તોડતાં વાધે
કાળની કઠણ શિલા;
આગળ, આગળ, આગળ આપણા
પાય પ્રવાસી ભેળા !
મરણને યે મારતા આવશે
આપણા મિલન-મેળા.

જીવન કેરી સાંજ થશે ને
આપણે જઈશું પોઢી,
સૂરજ સાથે જાગશું પાછાં
નવીન અંચળો ઓઢી ;
સપનાં જેવી તરતી જાશે
જૂઠી જુદાઈ–વેળા !
મૃત્યલોકમાં એક છે અમર
આપણા મિલન-મેળા.
 – મકરંદ દવે

અવળી વાતું – મકરંદ દવે

જેની વાટ દેખી દેખી નેન થાક્યાં
એને અંતર કેમ ઉચાટ ન જાગે ?
પાય પડ્યા જેને, વીનવ્યા આંસુથી
તોય ! એને કેમ કાંઈ ન લાગે?

અહીં, એને, જેને પાએ મારીને
દૂર ખસેડયાં કૂડાં અપમાને;
તોય લળી લળી પાય પખાળતા
એ જ ખસે ન કોઈ દિનમાને

આજ ‘ન જાવ, ન જાવ’ કહી કહી
રગરગી જેને કાળજુ રોકે ;
મુખ મરોડીને એ જ સિધાવતું
એક ઘડી નવ ફેર વિલોકે.

ને અહીં આતર ચાતક-નેણમાં
રોજ દીવા ઝગે આરતી કેરા;
કાજ એને અરે ! દેવ હૃદાના
કઠોર બની થાય કેમ નમેરા?

આંખ કરે તપ, હોઠ પરે જપ
થાય જેના, એ તો વળગું જાતું;
પાસ રહ્યું એની વાસના લેશ ન,
હાય !વિધાતાની અવળી વાતું
 – મકરંદ દવે

બાલા જોગી – મકરંદ દવે

ચાલ હો તારી મતવાલી બાલુડા જોગી !
ચાલ હો તારી મતવાલી !

સોનલાવરણી કાય સુંવાળી જોગી !
ઝૂલતી આવે જટાળી
કાળમકાળી આંખમાં ઘેરી ઘેરી
ફૂટતી સિંદૂર–લાલી. – બાલડા જોગી.

માળાને મણકે ને ઝોળીને ઝૂલણે
ડોલતી ડુંગર ઢાળી
વનની વાટે વાટે ચાલ નિરાળી, જોગી !
રમતી આવે રૂપાળી. – બાલુડા જોગી.

શેરી–બજાર ગંજે, સારીયે સીમ ગુંજે
ઓમના અલખ ઉછાળી
આંધળી આંખો ભાળે, પડતી તારે જોગી
પગલે કેડી અંજવાળી. – બાલુડા જોગી.

દૂધડાં મલકે હોઠમાં હજી તારે
સેડ ફૂટે અમિયાળી
નિરભે નજરુંમાં પ્રાણ પરોવે ત્યાં તો
દુ:ખડાં દેતો ઓગાળી. – બાલુડા જોગી.

આવ રે આવ મારી આજ આરોગવા
ભાવની ભોજન-થાળી
તારી તે ચાલ કેરે તાલે હો તાલે મારું
જાને તું આયખું ઉજાળી,

બાલુડા જોગી, ચાલ હો તારી મતવાલી.
 – મકરંદ દવે

લાપરવા – મકરંદ દવે

કોક દિન ઈદ અને કો’ક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિન્દગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર
કોઈ ચીજ તણી નહીં જિન્દગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા,
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી,
રામ મારો રુદે હસે રંગ નહીં દૂજા
કો’ક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી,
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધવી શી યાદી
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિન્દગીનાં મોજાં
આવો તમે ઈદ અને આવો તમે રોજા. 
– મકરંદ દવે