This was composed on 20.08. 2004. Performed live In USA. This track was received recently from some friend. Regrets for minor break before second stanza.
Source – Bilipatra channel on YouTube.
Updated on August 18, 2012
મારું આ ઘણું જ ગમતીલું ગીત.. આ પહેલા ટહુકો પર ફક્ત શબ્દો સાથે – અને સ્વરાંકન પણ લઇ આવીશ એ promise સાથે મૂકેલું ગીત.. – આજે સ્વરાંકન સાથે ફરીથી માણીએ..!
અમુક ગીતો એવા હોય છે – જે ગમે એટલા વ્હાલા હોય, પણ એ વ્હાલને કાગળ પર ટપકાવવું અધરું થઇ પડે – આ ગીત માટે પણ કંઇક એવું જ વ્હાલ છે…
સ્વર – સ્વરાંકન : રાસબિહારી દેસાઇ
.
ધ્રુવ ગીત યુટ્યુબ ચેનલ ઉપર મુકાયેલું
———————————————- Posted on December 12, 2008
મારું એક અતિપ્રિય ગીત.. એકવાર રાસબિહારી દેસાઇ-વિભા દેસાઇના કંઠે સાંભળ્યું તો એવું તો ગમી ગયું કે એના બધા શબ્દો મેળવવા છેક કવિશ્રી સુધી પહોંચવું પડ્યું… પણ છે જ એવું સરસ મજાનું – એકવાર સાંભળી/વાંચીને જ સીધું દિલમાં વસી જાય..!
આ ગીત દ્વારા કવિએ વાત પણ કેવી સરસ કરી છે.. પોતાનું એક ગીત લખવાની કોશિશ કરીએ, તો ખબર પડે કે ગીત કંઇ કલમ હાથમાં લેતાંની સાથે લખાઇ નથી જતાં.. અને તો યે કવિએ પોતે લખેલાં ગીત કેવી સરળતાથી આપણને આપી દીધાં? કવિના ગીતને આપણા કરવા માટે કરવાનું શું? બસ.. આકાશભરી પ્રીતે ગાઓ.. ! કવિના ગીતોને તો કંઠ કંઠ મ્હાલવુ છે, એટલે કવિએ ‘દેવકીની રીતે’ આપણને આપી દીધાં ગીત..!!
ધ્રુવ ભટ્ટનું ચાલ સખી પાંદડીમાં… મારું ખૂબ જ ગમતું ગીત, અને કવિનું આ ગીત વાંચીને એમના બધાજ ગીત હવે થોડા વધારે વ્હાલા લાગશે..!!
અને જેમ કવિ સુધી પહોંચીને શબ્દો લઈ આવી, એમ જ એક દિવસ સ્વરકાર સુધી પહોંચીને સંગીત સાથે પણ લઇ આવીશ આ ગીત.. ત્યાં સુધી ગીત પોતાના રાગમાં ગણગણવાની મઝા માણો..!!
(આકાશ ભરી પ્રીતે….. Fort Bragg, California – Nov 29, 2008)
* * * * *
તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત મારાં કહેવાય કઇ રીતે?
ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે
કે ચાલ જઇ કંઠ કંઠ મ્હાલીએ
આપણે તે એવડાં કે કેવડાં કે મારું છે
ચાલ કહી ગજવામાં ઘાલીએ
જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત હવે મારા કહેવાય કઇ રીતે?
અમને અણદીઠ હોય સાંપડ્યું કે સાંપડી હો
પીડા એવી કે સહેવાય નહીં
એટલું જ હોય અને એટલાંક હોવાના
મથુરાને ગોકુળ કહેવાય નહીં
અમે આપ્યાં જે દેવકીની રીતે
તે ગીત હવે મારાં કહેવાય કઇ રીતે?
આજે ૧૪મી જુલાઇ – સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથી! એમના સૂરીલા સ્વર અને સ્વરાંકનો થકી હંમેશા આપણી સાથે રહેનાર પરેશભાઇને આજે ફરી એકવાર યાદ કરીએ.. પરેશ ભટ્ટના સ્વરાંકનો પ્રત્યે મને થોડો પક્ષપાત છે – આજ સુધી એમના જેટલા સ્વરાંકનો સાંભળ્યા છે – એ બધા એટલા ગમ્યા છે, એટલા માણ્યા છે – કે હવે તો કોઇ પણ સ્વરાંકન પરેશ ભટ્ટનું સ્વરાંકન છે – એ જાણીને જ ગમી જાય છે..!
કોઇક કાર્યક્રમનું live recording છે, અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇની request પર પરેશભાઇ પહેલા આખી કવિતા સંભળાવે છે. સ્વરાંકનની સાથે સાથે કવિતાનું પઠન સાંભળવાની પણ એટલી જ મઝા આવશે.
સ્વર – સ્વરાંકન : પરેશ ભટ્ટ
કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ
ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વીખેરી નાખો
જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોય પંખીની થાય ભીની આંખો
છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું
તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
નહીં આવો તો યે આશ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર
ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાઇ
એની આંખોમાં ડંખે ઓથાર
ચૈતરનો વાયરો વાવડ પૂછે છે
કે ક્યારે અહીં વરસે ચોમાસું
કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ
મનોજપર્વમાં આજે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ rare ગઝલ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ પાસે, એમના જ શબ્દોમાં થોડી પ્રસ્તાવના સાથે…!
———————————
મનોજ ખંડેરિયાને આજે સહર્ષ યાદ કરું છું. કાયમ દિવાળીના થોડા દિવસો પહેલા અમદાવાદ આવે. મારા ઘરે અચૂક આવે. નવી ગઝલો સંભળાવે. શ્રોતામાં માત્ર હું ને પૂર્ણિમાબેન ને વિરાજ – મારી પત્ની. એક ગઝલ એમણે સંભળાવેલી તે આ –
રહસ્યોની ગૂફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં,
સમયસર ખૂલ જા સિમ સિમ ઉચરવું યાદ આવ્યું નહીં
અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચીતરવું યાદ આવ્યું નહીં
હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ
ખરે ટાણે હુકમ પાનું ઉતરવું યાદ આવ્યું નહીં
કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર
બીજી કોઇ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં
– મનોજ ખંડેરિયા
આ એક rare ગઝલ છે. એમની સમગ્ર કવિતામાં પણ કદાચ છપાઈ નથી. આ ગઝલ એક experience ane expression તરીકે તાલ વગર રજૂ કરું છું.
આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે આપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! ગયા વર્ષે તો આ સમયે ટહુકો ICU માં હતો – એટલે મનોજ પર્વ નો’તો ઉજવી શક્યા – પણ આ વર્ષે – ૨૦૦૯ અને ૨૦૧૦ ની જેમ ફરી માણીએ – મનોજ પર્વે..!!
અને આજે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે સાંભળીએ – એમના ખાસ મિત્ર – કવિ શ્રી અનિલ જોષી પાસેથી… એમના જ શબ્દોમાં..!!
મનોજ મારો છેક શિશુ અવસ્થાનો ભેરુ હતો. મોરબીમાં અમે સાથે ક્રિકેટ રમતા. એ વખતે કવિબવી અમે નહોતા. ફક્ત ભેરુ હતા. આંબલીના ઝાડ ઉપરથી કાતરા પાડતા. લિબોળી વીણતા . ગીબ્સન મિડલ સ્કુલમાં દફતર પાટી લઈને ભણવા જતા . પછી એકાએક છુટા પડી ગયા. મનોજના પિતાજીની બદલી થઈ ગઈ.વર્ષોતો સરસરાટ પાણીની જેમ વહેવા લાગ્યા . પછી યુવાન વયે મનોજ મને અમદાવાદમાં મળ્યો. મનોજ ની ઓળખ આદીલ મન્સૂરીએ મને કરાવી. મનોજની પહેલી ગઝલ પીછું હતી. ખૂબ સુંદર ગઝલ.
પરંપરાથી સાવ જુદી.સહુ આફરીન થઈ ગયા. મનોજનો સ્વભાવ ખુબજ સોફ્ટ. પોતે બોલે તો શબ્દને ઇજા તો નહિ થાયને? એનો ખ્યાલ રાખે. મનોજ ક્યારેય પોતાની જાતને પ્રોજેક્ટ કરેજ નહિ.મુંબઈના મુશાયરામાં છવાઈ જાય.
એકવાર મનોજે મને પત્રમાં એક ગીત મોકલ્યું હતું. એ ગીત અદભૂત હતું . ગીતનો ઉપાડ જુઓઃ
આયનાની જેમ હું તો ઉભીતી ચુપ, ગયું મારામાં કોઈ જરા જોઇને…
મનોજની પ્રતિભા ખૂબ સૌમ્ય હતી.ખુબજ કેરીંગ દોસ્ત હતો. એક ખાનગી વાત કહું તો ૧૯૭૧ મા મનોજની ઈચ્છા મુંબઈમાં સ્થિર થવાની હતી. હુંતો મનોજને કંપની દેવા સાથે મુંબઈ આવ્યો હતો મુંબઈમાં અમે ખુબજ રખડ્યા. નાટ્ય સર્જક પ્રવિણ જોશી અને કાંતિ મડીયાને ઘેર કવિતાની અનેક મહેફીલો જમાવી. પછી યોગાનુયોગ એવું થયું કે મનોજ પાછો જુનાગઢ જતો રહ્યો અને હું મુંબઈમાં સેટલ થઇ ગયો.. મનોજ ની ગઝલોનો હું ફેન છું. મનોજ એક ખુબજ સવેદનશીલ સર્જક હતો.મનોજ ની ગઝલની વિશેષતા એ છે કે કોઈ એનું અનુકરણ કરી શકે જ નહિ. એકદમ કુંવારકા જેવી વર્જિન ગઝલો નો જોટો જડવો મુશ્કેલ છે મનોજના કલ્પનો બેનમૂન છે.ભાષા સૌન્દર્ય અદભુત છે. મનોજ ક્યારેય લોકપ્રિયતા પાછળ ગયોજ નથી. મુશાયરામાં ક્યારેય દાદ કે તાળીઓની દરકાર રાખી નથી.અંતમાં એક અંગત પ્રસંગ કહું.વર્ષો પહેલા હું, મનોજ અને રમેશ અમારા પહેલા કાવ્યસંગ્રહની હસ્તપ્રત લઈને રાજકોટમાં મળ્યા’ મનોજ પાસે અચાનક, રમેશ પાસે ક્યાં. અને માંરી પાસે કદાચની હસ્તપ્રત હતી.અમે ત્રણેય મિત્રોએ આખી રાત બેસીને બધી હસ્તપ્રતો સાથે વાચી.એ વખતે મેં એવો અભિપ્રાય આપ્યો કે મારે કન્યાવિદાય કાવ્ય મારા સંગ્રહમાંથી કાઢી નાખવું.. મને લાગ્યું કે આ કાવ્ય બહુ સારું નથી. મારી વાત સાંભળીને મનોજ અને રમેશ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. મનોજ અને રમેશે ઊંચા અવ્વાજે મને કહ્યું. “અનિલ. જો કન્યાવિદાય કાવ્ય તું તારા સંગ્રહમાંથી કાઢી નાખીશ તો આપણી દોસ્તી ખતમ….મનોજ અને રમેશની જીદ અને ધમકી પછી મેં કન્યાવિદાય કાવ્યને મારા “કદાચ” સંગ્રહમા સ્થાન આપ્યું….. આવી દોસ્તી આજે ક્યાં મળેછે? આજે હું મનોજ અને રમેશને ખૂબ મિસ કરુછું. એકલો પડી ગયો છું.આત્મા ઓળખે એ સાચા દોસ્ત બાકી બધા ભાગ્યના ખેલ….Friendship needs no words -it is solitude delivered anguish of loneliness!
_____________________________________________
Posted on February 15, 2007
મોરપિચ્છ અને ટહુકો શરુ કર્યાના થોડા જ દિવસોમાં આ ગીત મોરપિચ્છ પર મુક્યું હતું, એ આજે સંગીત સાથે ફરીથી રજુ કરું છું. ગીત એવું તો સરસ છે કે એક જ વાર વાંચો અને દિલમાં કોતરાઇ જાય. વારંવાર સાંભળવુ ગમે એવા આ ગીતના શબ્દો તો જુઓ…
છુંદણાના મોર સાથે માંડું હું વાત, મને એટલું તો એકલું રે લાગે ….
પરપોટો ફૂટે તો જળને શું થાય, નથી જાણ થતી કોઇ દિવસ કોઇને…
અને વિવેકભાઇના શબ્દોમાં કહું તો : આ ગીત વાંચો અને રૂંવાડા ઊભા ન થાય તો જાણજો કે તમે કદી પ્રેમ કર્યો જ નથી….
સ્વર – ?
સ્વરાંકન – અજીત શેઠ
.
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને
ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
આજે ફરી વાર शिवताण्डवस्तोत्रम् બીજા બે જુદા સ્વરોમાં….
સ્વર – પંડિત જસરાજ
સ્વર – ?
આજની બીજી ઓડિઓ ફાઇલ માટે આભાર રાજેશ જાની
* * * * * * * * * * * * * * * * * *
Feb 23, 2009
ટહુકો પર પહેલા મુકેલું મારું પ્રિય ભજન – શંભુ ચરણે પડી…. માં શિવતાંડવ સ્ત્રોત્રની પહેલી બે કડી છે. એ સાંભળી ત્યારથી મને હતુ કે ક્યારેક આખી સ્તુતિ મુકીશ ટહુકો પર. આજે મહાશિવરાત્રી છે, તો આજથી વધારે સારો દિવસ ક્યાંથી મળે આ સ્તુતિ સાંભળવાનો અને સંભળાવવાનો, બરાબર ને?
સ્વર – ?
અને હા.. આ શિવતાંડવસ્ત્રોત્ર વિશે ‘વિકિ’ પાનું પણ છે – તમને ઇચ્છા હોય તો વાંચી શકો – સુધારી શકો..
આ સંસ્ક્રુત શબ્દોનો અર્થ વાંચવો હોય તો અહીં ક્લિક કરી શકો છો. અને ત્યાંથી જ મને આ વિડિયો પણ મળ્યો – શબ્દો વાંચીને તમને પણ સાથે ગાવાની ઇચ્છા હોય તો એ તક આ વિડિયો આપશે. 🙂
૨ વર્ષ પહેલાના અષાઢ મહિનામાં સંભળાવેલું આ ગીત – આજે ફરી એકવાર… ગીત જો કે એટલું મઝાનું છે કે અષાઢ હો કે વસંત – એના તાલ સાથે ડોલવાનું મન થઇ જ જાય..! થોડા વખત પહેલા ‘ડગલો’ આયોજિત ‘મેઘાણી વંદના’ કાર્યક્રમમાં જ્યારે માધ્વીબેન-અસીમભાઇ અને સાથીઓએ આ ગીત રજૂ કર્યું ત્યારે મારા જેવા કેટલાય શ્રોતાઓ માટે ખુરશીમાં બેસી રહેવું મુશ્કેલ થઇ ગઇ હતું..! 🙂
સ્વર : માધ્વી – અસીમ મહેતા અને સાથી (હેતલ બ્રહ્મભટ્ટ, સુમોહા પટેલ, આણલ અંજારીઆ)
ડગલો કાર્યક્રમ ‘મેઘાણી વંદના’ દરમ્યાન રજૂઆત
આષાઢી બીજ આવી અને ગઇ.. અને આમ તો મમ્મી એ ૧૦-૧૨ દિવસ પહેલા યાદ કરાવેલું કે તારી પાસે પેલું ‘અષાઢી મેઘના અંબર ગાજે’ વાળું ગીત હોય તો અષાઢ મહિનો શરૂ થાય ત્યારે મૂકજે… પણ બીજી બધી દોડા-દોડીમાં રહી જ ગયું…
તો ચલો, માણીએ આ મઝાનું ગીત – અને સાથે પાર્થિવ ગોહિલનો અવાજ… એમણે વર્ષો પહેલા સારેગામાની મેગા ફાઇનલમાં કરેલી રજૂઆત સાથે..!
આજે સાંભળીએ ટહુકો પર એક નવો અવાજ… સ્તુતિ કારાણી! અને સ્વરકારનું નામ પણ નવું છે ટહુકો માટે – અમદાવાદના સુગમ વોરા. મને તો આ સ્વરાંકન અને મધમીઠો અવાજ સાંભળવાની ખૂબ જ મઝા આવી… તમને પણ ગમશે ને?
તા.ક. – ફેસબુક પર ફિરદૌસભાઇએ આ ગીત માટે જે મઝાની વાત લખી એ અહીં વહેંચવાની લાલચ રોકી ન શકી..! શુદ્ધ સુશ્રાવ્ય મધુર મિસરી જેવો અવાજ (સ્તુતિ કારાણી), કમ્પોઝિશનને અદ્ભુત ઉઠાવ આપતું અતિસુંદર મ્યુઝિક અરેન્જમેન્ટ (સુગમ વોરા) ,સુંદર રેકોર્ડીંગ. રીધમ અને મેલોડીનું સુંદર મિશ્રણ. – ડો. ફિરદૌસ દેખૈયા
રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ….(Photo : Exotic India )
સ્વર – સ્તુતિ કારાણી
સંગીત – સુગમ વોરા
બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
એક મનગમતો જન્મે ઉન્માદ જો…
છલકયાં ને કીધું મેં ગોકુળીયું ગામ અને મલકયાંનું કાલિંદી નામ,
છલકયાં ને મલકયાં નો સરવાળો કીધો, તો પ્રગટ્યા’તા પોતે ઘનશ્યામ,
પ્રગટીને પનઘટ પર પ્રીતીનો પાડયો’તો કા’ન તમે મીઠેરો સાદ જો…
બંસી જેવા જ તમે પાતળીયા શ્યામ અને હળવા કે પાંપણનો ભાર,
એક એક હૈયામાં કેવા વસો છો ને રાખો છો સૌની દરકાર,
કા’ન તણા કામણને બીરદાવું કૈ રીતે મનમાં જન્મે છે વિવાદ જો…
રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ અને કા’નાની કીકીમાં રાધા,
જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને ત્યાં લગ છે રહેવાની બાધા,
કા’ન તમે મારૂ એ અણપ્રગટયું ગીત હવે ગોકુળીયું દેશે રે દાદ જો…
આ ગીત મોકલનાર ભાવેશભાઈ પટ્ટનીના શબ્દોમાં આ ગીત વિષે માહિતી…
ઘનશ્યામ ગગનમા ટમટમ તારા ટમકે – મુંબઈમાં ‘આ માસના ગીતો’ કાર્યક્રમમાં ગવાયેલું. સંગીતકાર અજીત મર્ચંટ. પછીથી 1976ની ફિલ્મ ‘ધરતીના છોરુ’ માટે એ ગીત ‘સ્થાયી’ના શબ્દોમાં આ ફેરફાર સાથે લેવાયેલું ‘ઘનશ્યામ નયનમાં, ગુપચુપ ભટકી ભટકી, રે આ વાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી’. બંને અંતરાના શબ્દોમાં કોઈ ફેરફાર ન્હોતો કરવામાં આવ્યો. ફિલ્મ માટે જગજીત સિંઘ અને સુમન કલ્યાણપૂરે ગાયેલું. કોઈને જોઈતું હોય તો મને ઈ મેઈલ કરજો. આ ગીત લા-જવાબ છે, શબ્દો અને સ્વર-રચના બંનેની દ્રષ્ટિએ. સ્થાયીના ફિલ્મના વર્ઝન ઉપરાંત પણ બે વર્ઝન્સ છે. ‘ઘનશ્યામ ગગનમાં ટમ ટમ તારા ટમકે, રે આ રાત અચાનક મલકે, મનની વાત અચાનક મલકે’ અને બીજું ‘ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટપકી, રે આ રાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી. અમે આજે પણ આ ગીત પ્રાઈવેટ બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં રજુ કરીએ છીએ, તે પણ મૂળ શબ્દો વાળા સ્થાયી સાથે, ફિલ્મમાં વપરાયેલા સ્થાયીના શબ્દો સાથે નહીં.
Devendrabhai Pattani – Ushaben Pattani (age above 80) and Late Sanatbhai Pattani kept this song alive through the years. Janmejaybhai Vaidya also sings this song.
સ્વર – જગજીત સીંગ, સુમન કલ્યાણપુર
સંગીત – અજિત મર્ચન્ટ
ગુજરાતી ફિલ્મ – ધરતીના છોરુ (૧૯૭૬)